સુરત: ગુજરાત ગેસ કંપનીએ આજે સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. કંપનીએ સીધો જ 1 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજો પડશે.
ગુજરાત ગેસ કંપનીએ સીએનજી ગેસના ભાવમાં સીધો એક રૂપિયાનો વધારો કર્યો છે. પહેલાં સીએનજીનો પ્રતિ કિલો ભાવ 74.26 રૂપિયા હતો જે હવે વધીને 75.26 રૂપિયા પ્રતિ કિલો થયો છે. આ ભાવ વધારાના લીધે સીએનજીના વાહનચાલકોના ગજવા પર ભારણ વધશે. ખાસ કરીને શહેરમાં દોડતી દોઢ લાખથી વધુ રિક્ષા ચાલકોની મુશ્કેલી વધશે.
છેલ્લાં કેટલાંય સમયથી કોઈ અકળ કારણોસર રિક્ષા ચાલકોને યોગ્ય ભાડા મળી રહ્યાં નથી. ઓનલાઈન કંપનીઓ તરફથી મળી રહેલી સ્પર્ધા, મેટ્રોના કામકાજના લીધે રૂટ બદલાયા ઉપરાંત જાહેર બસોની સેવામાં ઉમેરો થતાં રિક્ષા ચાલકોની રોજગારી પર અસર પડી છે. દરમિયાન ગુજરાત ગેસ કંપનીએ સીએનજીની કિંમતોમાં વધારો ઝીંકતા રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે.