લશ્કરમાં જોડાનારા કોઈ જવાનને કહેવામાં આવે કે તને ચાર વર્ષ સુધી મહિને ૪૦,૦૦૦ રૂપિયાનો પગાર આપવામાં આવશે, પણ ચાર વર્ષ પછી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે, તો તે પગારદાર માણસ સરહદની રક્ષા માટે પોતાનો જાન કુરબાન કરવા તૈયાર થશે ખરો? કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં લવાયેલી અગ્નિવીર યોજના હેઠળ માત્ર ૬ મહિનાની તાલીમ આપીને ૧૮ વર્ષથી ઉપરના યુવાનોની લશ્કરમાં ભરતી કરવામાં આવે છે. તેઓ થોડો ઘણો અનુભવ લઈને પરિપકવ થાય ત્યાં તો તેમને ફરજિયાત નિવૃત્ત કરીને તેમના સ્થાને કોઈ નવા જવાનની ભરતી કરવામાં આવે છે.
તેની સામે ચીન જેવા દેશમાં સૈન્યમાં જોડાનારા યુવાનને પાંચ વર્ષની સઘન તાલીમ આપવામાં આવે છે. જ્યારે યુદ્ધ થશે ત્યારે આપણા સૈનિકો ચીનના સૈનિકો સામે કેવી રીતે લડશે. કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ જાતની લાંબી ચર્ચા વગર અગ્નિવીર યોજના લાગુ કરી દેવામાં આવી ત્યારે તેનો ખૂબ વિરોધ થયો હતો. સરકાર પર એક આક્ષેપ એવો પણ કરવામાં આવ્યો હતો કે મોટી મોટી કંપનીઓ પોતાનું ખાનગી સૈન્ય ઊભું કરવા માગે છે. તેમને તૈયાર સૈનિકો મળી રહે તે માટે ભારતના સૈનિકોને ચાર વર્ષ પછી ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવે છે.
પંજાબના લુધિયાણાના રામગઢ ગામની બક્ષો દેવીના ભાઈ અજય કુમાર અગ્નિવીર યોજના હેઠળ ભારતીય સેનામાં જોડાયા હતા અને જાન્યુઆરી ૨૦૨૪માં જમ્મુ-કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં લેન્ડમાઈન વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા હતા. ગયા સોમવારે, જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ૧૮મી લોકસભાના પ્રથમ સત્રમાં અગ્નિવીર યોજનાનો મુદ્દો જોરથી ઉઠાવ્યો ત્યારે અજય કુમારના પરિવારના ઘા ફરી એક વાર તાજા થઈ ગયા હતા. સૈનિકની શહાદત પછી પરિવારને ન તો કોઈ પેન્શન આપવામાં આવ્યું છે કે ન તો કોઈ સુવિધા આપવામાં આવી છે. પુત્રના મૃત્યુ પર કેન્દ્ર સરકારે સાંત્વના પણ આપી નથી. તેમને શહીદનો દરજ્જો પણ આપવામાં આવ્યો નથી. અજય કુમારના પિતા ચરણજીત સિંહનું કહેવું છે કે જ્યારે રાહુલ ગાંધી તેમના ઘરે આવ્યા ત્યારે તેમણે તેમને આશ્વાસન આપ્યું હતું કે તેઓ અગ્નિવીર યોજના રદ કરાવશે.
લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી ૨૯ મેના રોજ અજય કુમારના પરિવારના સભ્યોને મળ્યા હતા. તેમણે સ્થાનિક સાંસદ અમર સિંહને પણ પરિવારની સંભાળ રાખવા કહ્યું હતું. અજય કુમારની બહેન બક્ષો દેવી કહે છે કે તેના ભાઈએ પણ નિયમિત ભરતી માટે તૈયારી કરી હતી, પરંતુ કોવિડને કારણે પરીક્ષા ન થઈ અને તે અગ્નવીર યોજનામાં જોડાયો હતો. તેણી જણાવે છે કે લગભગ છ-સાત મહિનાની તાલીમ બાદ તે ઓગસ્ટ મહિનામાં ઘરે આવ્યો હતો. આ પછી, સપ્ટેમ્બર મહિનામાં તેને કાશ્મીરમાં પોસ્ટ કરવામાં આવ્યો હતો.
પરિવારને મળેલી આર્થિક મદદ અંગે ચરણજીત સિંહ કહે છે કે તેમના પરિવારને પંજાબ સરકાર તરફથી ૧ કરોડ રૂપિયા મળ્યા છે. પંજાબ સરકાર તેમના રાજ્યના તમામ સૈનિકોના મૃત્યુ પર તેમનાં પરિવારોને ૧ કરોડ રૂપિયાનું વળતર આપે છે. કેન્દ્ર સરકાર તરફથી મળેલી મદદ અંગે ચરણજીત સિંહ કહે છે કે તાજેતરમાં જ તેમને આર્મી તરફથી ૪૮ લાખ રૂપિયા મળ્યા હતા. જો કે તેઓ કેન્દ્ર સરકારથી નારાજ છે. તેઓ કહે છે કે કેન્દ્ર સરકારે અમને ન તો કોઈ શોકપત્ર આપ્યો છે કે ન તો કોઈ આશ્વાસન આપ્યું છે કે તમારો પુત્ર સરહદની સુરક્ષા માટે ગયો છે. તેમની માંગ છે કે અગ્નિવીર યોજના રદ થવી જોઈએ. પરિવારનું કહેવું છે કે સંસદમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવેલો દાવો સાચો નથી. થોડા દિવસ પહેલાં જ અમને ૪૮ લાખ રૂપિયા મળ્યા હતા.
રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે રાહુલ ગાંધી ખોટાં નિવેદનો કરીને ગૃહને ગેરમાર્ગે દોરી રહ્યા છે. રાજનાથ સિંહે કહ્યું કે જ્યારે પણ કોઈ બહાદુર સૈનિક યુદ્ધ દરમિયાન અને સરહદની સુરક્ષા કરતી વખતે શહીદ થાય છે, ત્યારે તેના પરિવારને કેન્દ્ર સરકાર તરફથી ૧ કરોડ રૂપિયાની સહાય રકમ આપવામાં આવે છે. મંગળવારે સંસદમાં બોલતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાહુલના નિવેદનને ભ્રામક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આવું કરીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. અજય કુમારના પિતા ચરણજીત સિંહ રાજનાથ સિંહના નિવેદન સાથે સહમત નથી. તેમનું કહેવું છે કે તેમને કેન્દ્ર સરકાર કે ભારતીય સેના તરફથી ૧ કરોડ રૂપિયાની રકમ મળી નથી અને ન તો તેમને પેન્શન જેવા લાભો મળી રહ્યા છે, જે અન્ય સૈનિકોનાં પરિવારોને મળે છે. તેમની માંગ છે કે તેમને આ તમામ સુવિધાઓ મળવી જોઈએ.
ઈન્ડિયન આર્મીની વેબસાઈટ અનુસાર અગ્નિવીર સ્કીમ હેઠળ યુવાનોને ભારતીય સેનામાં ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવે છે. ચાર વર્ષ પછી તેમાંથી માત્ર ૨૫ ટકા સૈનિકોને જ નિયમિત ભરતી હેઠળ નોકરી આપવામાં આવી રહી છે. બાકીના ૭૫ ટકા સૈનિકોને ફરજિયાત નિવૃત્તિ પકડાવી દેવામાં આવે છે. આ યોજના હેઠળ ભરતી કરાયેલા યુવાનોનો પગાર પ્રારંભિક વર્ષમાં રૂ. ૪.૭૬ લાખથી શરૂ થાય છે અને સેવા પૂર્ણ થાય ત્યાં સુધી વાર્ષિક રૂ. ૬.૯૨ લાખ સુધી પહોંચે છે. ચાર વર્ષ પછી તેમને ફરજિયાત નિવૃત્ત કરીને ૧૧.૭૧ લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. મૃત્યુના કિસ્સામાં ૪૮ લાખ રૂપિયાનો જીવન વીમો આપવામાં આવે છે. સેવા દરમિયાન મૃત્યુ થવા પર ૪૪ લાખ રૂપિયાની એક્સ ગ્રેશિયા ગ્રાન્ટ આપવાની જોગવાઈ છે. જો કોઈ ફરજ પર હોય ત્યારે ૧૦૦ ટકા વિકલાંગ બને તો તેને ૪૪ લાખ રૂપિયા, જો તે ૭૫ ટકા વિકલાંગ બને તો તેને ૨૫ લાખ રૂપિયા અને જો તે ૫૦ ટકા વિકલાંગ બને તો તેને ૧૫ લાખ રૂપિયા મળે છે.
જૂન ૨૦૨૨ માં કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ યોજનાની જાહેરાત પછી, સેનામાં જોડાવા ઇચ્છુક યુવાનોએ દેશના ઘણા ભાગોમાં તેનો વિરોધ કર્યો હતો. આ યોજનાના નિયમો અને તે અંતર્ગત અપાતી સુવિધાઓને લઈને વિવિધ રાજકીય પક્ષો અને યુવાનોમાં નિરાશા જોવા મળી હતી. ભારતીય સંસદમાં વિપક્ષી દળ ઇન્ડિયા અલાયન્સ અગ્નિવીર યોજનાનો વિરોધ કરી રહ્યું છે. જેડીયુના નેતાએ પણ આ યોજનાનો વિરોધ કર્યો હતો. લોકસભાની સામાન્ય ચૂંટણી અને ગૃહના પ્રથમ સત્રમાં વિપક્ષી દળોએ દાવો કર્યો હતો કે જો તેમની સરકાર બનશે તો અગ્નિવીર યોજનાને ખતમ કરી દેવામાં આવશે. ઘણા સંરક્ષણ નિષ્ણાતો પણ આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે.
ભારતીય સેનાએ ટ્વિટર પર જારી એક પોસ્ટમાં આ મામલે પોતાનો વિચાર વ્યક્ત કર્યો છે. સેનાએ કહ્યું છે કે સોશ્યલ મિડિયા પર કેટલીક પોસ્ટથી જાણવા મળ્યું છે કે ફરજ દરમિયાન પોતાનો જીવ ગુમાવનાર અગ્નવીર અજય કુમારના પરિવારના સભ્યોને વળતર આપવામાં આવ્યું નથી. ભારતીય સેના અગ્નિવીર અજય કુમારના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે. તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે કરવામાં આવ્યા હતા. અગ્નિવીર અજયના પરિવારને આપવામાં આવનાર કુલ રકમમાંથી રૂ. ૯૮.૩૯ લાખ ચૂકવી દેવામાં આવ્યા છે. અગ્નવીર યોજનાની જોગવાઈઓ અનુસાર એક્સ ગ્રેશિયાની રકમ અને અંદાજે રૂ. ૬૭ લાખના અન્ય લાભો પોલીસ વેરિફિકેશન પછી તરત જ અંતિમ એકાઉન્ટ સેટલમેન્ટ દ્વારા ચૂકવવામાં આવશે.
ભારત સરકાર અને ભારતનું લશ્કર ગમે તે કહે, અગ્નિવીર યોજના વિવાદના વમળમાં ફસાઈ ગઈ છે. ભારતીય સૈન્યના જવાનોને શહીદ થવા પર શહીદનો દરજ્જો મળે છે, પણ તે દરજ્જો અગ્નિવીરને મળતો નથી. જ્યારે લશ્કરમાંથી માગ નહોતી ઊઠી તો આવી ભેદી યોજના લાગુ કરવા પાછળનો કેન્દ્ર સરકારનો ઉદ્દેશ સમજાતો નથી. યુરોપના દેશોની જેમ ભવિષ્યમાં દેશની સુરક્ષા ભાડૂતી સૈન્યના હવાલે કરવાની સરકારની ચાલ હોવાની શંકા પણ રહે છે. જો સૈન્યમાં ઉગ્ર વિરોધ થાશે તો સરકારને અગ્નિવીર યોજના બંધ કરવાની ફરજ પડી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.