વડોદરા: વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઇ દર વર્ષની જેમ વડોદરાના વિવિધ વિસ્તારોમાં ૫૦ જેટલા સારવાર કેન્દ્રો શરૂ કરવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. આ સાથે વન વિભાગ દ્વારા શરૂ થયેલા બર્ડ ફ્લૂને લઇ જણાવાયું છે કે, કોઇ પક્ષી મૃત કે ઘાયલ હાલતમાં જણાઇ આવે તો તેને પકડવાનો પ્રયાસ કરવો નહીં. વન વિભાગ અથવા પશુ ચિકીત્સકને જાણ કરવી.
દર વર્ષે ઉત્તરાયણના બે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં કબુતર, સમડી, કાગડો, કાબર, ઘુવડ જેવા પક્ષીઓ મરી જતા હોય છે. જોકે, તેની સાથે જીવદયા સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં ઘવાતા પક્ષીઓને બચાવી પણ લેવામાં આવે છે.આકાશમાં પતંગો ઉડવાની શરૂઆત થતાંની સાથે જ કબુતર, કાગડા, સમડી, કાબર જેવા પક્ષીઓ માટે જોખમ શરૂ થઇ ગયું છે. વન વિભાગમાં દોરીથી ઇજા પામતા પ્રતિદિન ચારથી પાંચ પક્ષીઓને સારવાર માટે લાવવામાં આવી રહ્ના છે.
આ સાથે વન વિભાગ દ્વારા ૨૪ કલાક સારવાર હેલ્પલાઈન નંબરની પણ જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે દર વર્ષની જેમ આ વખતે પણ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ૫૦ જેટલા સારવાર કેમ્પ પણ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા વન વિભાગના આર.એફ.ઓ. નિધિ દવેએ નગરજનોને અપીલ કરી છે કે, જ્યાં પણ ઘવાયેલા પક્ષીઓ દેખાઈ તો તત્કાલ હેલ્પલાઈન નંબર ઉપર સંપર્ક કરવો તેમજ વહેલી સવારે અને સાંજે જ્યારે પક્ષીઓની અવર-જવર કરવાનો સમય છે. તે દરમિયાન પતંગ નહીં ચગાવવા અપીલ કરી હતી. જ્યારે હાલ દેશમાં બર્ડ ફલૂનો રોગ વકર્યો છે, ત્યારે જો કોઈ પક્ષીઓ મૃત હાલતમાં જણાઈ આવે તો તેને પકડવાનો પ્રયાસ કરવો નહીં. તત્કાલ વનવિભાગ અને પશુ ચિકિત્સાલયને જાણ કરવા અનુરોધ કર્યો છે.
વડોદરા જિલ્લાના નાયબ પશુ પાલન નિયામક ડો. પ્રકાશ દરજીએ જણાવ્યું હતું કે, ગુરૂવારે રાત્રે સાવલી તાલુકાના વસંતપુરા ગામમાં ૩૦ જેટલા કાગડા મરી જવાની ઘટના સામે આવી છે. મૃત ૫ કાગડા જીપ લોક પ્લાસ્ટિક થેલીમાં પેક કરી આઇસ બોક્સમાં ભોપાલ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ તપાસનો રિપોર્ટ ચાર-પાંચ દિવસમાં આવશે. ત્યાર બાદ ખબર પડશે કે, કાગડા બર્ડ ફ્લૂથી મરી ગયા છે કે, અન્ય રોગથી મરી ગયા છે.
નાયબ પશુ પાલન અધિકારીએ એમ પણ જણાવ્યું કે, હાલમાં બર્ડ ફ્લૂ ચાલી રહ્ના છે. જોકે, વડોદરા જિલ્લામાં તેની કોઇ અસર નથી, પરંતુ, ઉત્તરાયણમાં આકાશમાં વિહરતા પક્ષીઓ માટે પતંગની દોરીનું જોખમ વધી જાય છે અને દોરી વાગવાથી અનેક પક્ષીઓ ઘાયલ થાય છે., અને મરી જાય છે, ત્યારે આ વખતે દોરીથી મરી જનાર પક્ષીઓનો તત્કાલિક નિકાલ થાય તે જરૂરી છે. જો કોઇને મૃત પક્ષી જણાય આવે તો સબંધિત વિભાગને જાણ કરવા અપીલ કરી છે.