જ્યારે 1971માં ભારતમાં લોકસભાની ચૂંટણીઓ થઈ ત્યારે ઈન્દિરા ગાંધીએ નારો આપ્યો હતો કે ગરીબી હટાવો. આ નારાને કારણે તે સમયે કોંગ્રેસ ફરીથી દેશમાં સત્તા પર આવી હતી. ત્યારબાદ ગરીબી હટાવવા માટે કોઈ પ્રયાસો થયા કે કેમ? તેની કોઈને ખાસ જાણ નથી પરંતુ આજે એ વાતને પાંચ દાયકા કરતાં વધુ સમય પસાર થયા બાદ દેશમાં ગરીબીની ટકાવારીમાં મોટો ઘટાડો નોંધાયો છે.
સને 2011-12માં ગરીબીનો આંક 21 ટકા પર હતો તે આજે ઘટીને 8.5 ટકા થઈ જવા પામ્યો છે. NCAER દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સરવેમાં આ 12 વર્ષના આંકડાઓ બહાર આવ્યા હતા. જેમાં ભારતમાં ગરીબીમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમાં પણ વારસાગત ગરીબીમાં ઘટાડો થયો છે. આ સરવેમાં એક મોટી વાત એ પણ બહાર આવી છે કે કેટલાક ગરીબ એવા પણ છે કે જે જીવનની કેટલીક દુર્ઘટનાઓને કારણે ગરીબ થઈ ગયા હોય.
અર્થશાસ્ત્રીઓ દ્વારા આ અંગે એક પેપર જારી કરીને આ અનુમાન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સરવેમાં જણાવાયું છે કે, ગ્રામીણ વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ ઝડપથી ઘટ્યું છે. જેમાં 24.8 ટકાથી 8.6 ટકા થઈ ગયું છે. જ્યારે શહેરી વિસ્તારોમાં ગરીબી 13.4 ટકાથી ઘટીને 8.4 ટકા થઈ ગઈ છે. અગાઉ એસબીઆઈએ કરેલા રિસર્ચમાં એવો અંદાજ રજૂ કરાયો હતો કે ગ્રામીણ ગરીબીમાં 7.2 ટકા અને શહેરી ગરીબીમાં 4.6 ટકાના ઘટાડાનો અંદાજ મૂક્યો હતો.
ગત માર્ચમાં આરબીઆઈના પૂર્વ ગવર્નર સી રંગરાજન અને અર્થશાસ્ત્રી એમ.મહેન્દ્ર દવે દ્વારા અનુમાન રજૂ કરાયું હતું કે, ભારતમાં ગરીબી દર 2011-12ની સરખામણીમાં 2022-23માં ઘટીને 10.8 ટકા થશે. ઈન્ડિયા હ્યુમન ડેવલપમેન્ટ સરવે પ્રમાણે તેંડુલકર સમિતી દ્વારા હાલમાં જ આ વિવિધ ડેટાઓનો ઉપયોગ કરીને ગરીબો માટેની જનકલ્યાણ યોજના તૈયાર કરવામાં આવી હતી કે જેથી વધુ સારી રીતે તેનો અમલ કરી શકાય. હાલમાં જ નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમ દ્વારા ઘર વપરાશના ખર્ચના સરવેને આધાર બનાવીને એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતમાં ગરીબી ઘટીને 5 ટકાથી પણ નીચે આવી ગઈ છે.
ભારતમાં ગરીબી ઘટવા પાછળ સરકારના જનકલ્યાણના પગલા કરતાં લોકોની બદલાયેલી માનસિકતાએ પણ મોટો ભાગ ભજવ્યો છે. અગાઉ ભારતમાં એક પરિવારમાં કમાનાર વ્યક્તિ એક જ હતી અને તેની સામે ખાનારા વધારે હતા. આજના સમયમાં ભારતમાં અનેક પરિવારો એવા છે કે જેમાં પરિવારના તમામ સભ્યો કમાતા હોય. જેને કારણે આવક વધવા પામી છે અને તેને કારણે ગરીબી ઘટી છે.
અગાઉ જે પરિવારો ગરીબ હતા તેવા મોટાભાગના પરિવારોમાં આજે દરેક સભ્ય કમાય છે અને તેને કારણે તેઓ ઝડપથી ગરીબી રેખાની બહાર આવી રહ્યા છે. આ ઉપરાંત દિવસેને દિવસે ભારતમાં નાના ધંધાઓ ખૂબ જ વધી રહ્યા છે. ટ્રાન્સપોર્ટેશન સહજ થઈ જતાં આ નાના ધંધાઓના વિકાસને નવો વેગ મળ્યો છે. એક સમય હતો કે જ્યારે લોકો પોતાના ઘરે જે તે વસ્તુઓ બનાવી લેતા હતા તે આજે તૈયાર લાવવામાં આવી રહી છે. નવા સંશોધનો વધી રહ્યા છે અને તેને કારણે નવા સ્ટાર્ટઅપને પણ વેગ મળ્યો છે.
ભૂતકાળમાં જે પરિવારો દ્વારા નાણાંના સંગ્રહની વૃત્તિ રાખવામાં આવતી હતી તેવા પરિવારોમાં આજે આવતીકાલની ચિંતાને બાજુ પર મુકીને હાલમાં કમાવા તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં જ્યાં આળસુ નીતિ હતી ત્યાં આજના સમયમાં શહેર હોય કે ગામ, દરેક સ્થળે જીવવા માટે કમાવવું જરૂરી છે તેવી સમજ આવવા માંડી છે. જો ભૌતિક સુખ જોઈતું હશે તો કમાવવું પડશે જ. આ કારણે પણ કમાવવાની વૃત્તિ વધી છે અને પરિવારો ગરીબી રેખામાંથી બહાર આવી રહ્યા છે. કારણ જે હોય તે પરંતુ ભારતમાં જે રીતે ગરીબી ઘટી રહી છે તે સારા સંકેત છે. આગામી દિવસોમાં દરેક પરિવારો પાસે રોટી-કપડા-મકાન હોય તે જરૂરી છે. જો આમ થશે તો જ સરકાર પરનો બોજો ઘટશે તે નક્કી છે.