આજના જમાનામાં શુભ ઈચ્છનાર શુભચિંતકો અલ્પ સંખ્યામાં હોય તેમને રીતસર શોધવા નીકળીએ, ત્યારે જ મળે. સ્પર્ધાત્મક યુગમાં સૌને એકબીજાને પાછળ છોડી આગળ નીકળી જવાની આંધળી દોટ લગાવી હોય કોણ શુભેચ્છક છે, તે ખબર પડતી નથી. શુભેચ્છા પાઠવે પણ દિલસે નહીં, માત્ર કહેવા ખાતર. જો કે, ચહેરા પર તો મહોરું પહેરેલું જ હોય એટલે મનભાવ સમજી શકાતા નથી.
ચારે તરફ શુભચિંતક જોવા મળે પણ ઓળખવા અઘરા! નોકરીમાં પણ આવા સહભાગી જોવા મળે. અરે, વેપાર-ધંધામાં ગળાકાપ હરીફાઈ હોય ત્યાં શુભચિંતકોની અપેક્ષાઓ કંઈક અલગ જ હોય. ક્યારેક થપાટ પણ ખાવી પડે, એમ પણ બની શકે. સગાં-વ્હાલાની વાત પણ અનેરી. સૌને ખુશ રાખી શકાય નહીં. કોને ક્યારે ખોટું લાગી જાય, યાર ખબર જ ન પડે. કોઈક ત્રીજી વ્યક્તિ આવીને કહે કે પેલા…ભાઈ કે બહેનને તમારાથી માઠું લાગ્યું છે. બોલો, કેમ ખબર પડે? સત્ય કહેવાયું છે કે, મોટે ભાગનાં કહેવાતાં સગાં અને શુભચિંતકો આપણી પાસેથી માત્ર અપેક્ષા રાખતા હોય છે, પોતાની જવાબદારી ભૂલી જાય છે.
કેટલાકને તો આપણું સારું થાય તો મરચું લાગે! કોઈકનું ભલું થાય ત્યારે બાકીના સૌને આનંદ થવો જોઈએ, એવું વાતાવરણ હોય તો ગમે. સૌને સુખ મળે એવુી મંગળકામના કરીએ તે સારું કહેવાય. હા, કેટલીક વાર મદદ જોઈએ તો બોલવું પડે, સૌ સહદેવ નથી કે તેને તમારી જરૂરિયાતની પહેલાંથી જાણ હોય. વ્યવહારબુદ્ધિ અને વ્યવહારમાં શુદ્ધિ જરૂરી છે. કહેવાતા શુભચિંતકોથી સાચવીએ તો અડધી સમસ્યાઓનો તો આપમેળે ઉકેલ આવી જાય.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દેશના દરેક નાગરિક સંતતિ નિયમન અપનાવે
આપણા દેશમાં દરેકને બે જ સંતાન હોય એવું હોવું જોઇએ. બેથી વધુ સંતાન હોય તેને સરકાર તરફથી મળતા બધા લાભો બંધ કરવા જોઇએ. આપણા દેશની વસતિ ચીનને પણ આંબી જાય એમ છે. દેશના નાગરિક તરીકે મુસલમાનો માટે પણ કુટુંબનિયોજન હોવું જોઇએ. તેઓની સંખ્યા પણ કૂદકે ને ભૂસકે વધી રહી છે. હિંદુ, મુસલમાન, શીખ, પારસી, ખ્રિસ્તી સર્વમાં વસતિ નિયંત્રણ થવું જોઇએ. કુટુંબમાં ઓછા એટલે બે જ સંતાન હોય તો તેને શિક્ષણ આપવા કે સંસ્કાર આપવા બાબતમાં માત પિતાને અનુકૂળતા રહે છે. બે બાળકોનો ઉછેર સારી રીતે થઇ શકે એમ છે. નાગરિક તરીકે જો દેશનાં લોકો સમાન અધિકાર માંગે તો દેશની સમસ્યામાં પણ સમાન જવાબદારી નિભાવે.
નવસારી – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.