National

કંગનાને તમાચો મારનાર મહિલા કોન્સ્ટેબલની ચંદીગઢથી અઢી હજાર કિલોમીટર દૂર આ શહેરમાં ટ્રાન્સફર કરાઈ

ચંદીગઢ: હિન્દી સિનેમાની અભિનેત્રી અને ભાજપની સાંસદ કંગના રનૌતને ચંડીગઢ એરપોર્ટ પર થપ્પડ મારનાર મહિલા CISF કોન્સ્ટેબલ કુલવિંદર કૌરની બદલી કરવામાં આવી છે. તેના પતિની પણ બદલી કરવામાં આવી હોવાના સમાચાર સાંપડ્યા છે.

ચંદીગઢ એરપોર્ટ પર કંગના રનૌતને થપ્પડ મારવાની ઘટના બાદ કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરવામાં આવી હતી. હવે તેને ફરી ફરજ પર બહાલ કરવામાં આવી છે, પરંતુ હવે તે ચંદીગઢ એરપોર્ટ પર નોકરી કરી શકશે નહીં. તેની ચંદીગઢથી અઢી હજાર કિલોમીટર દૂર બેંગલુરુ ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે.

મહિલા કોન્સ્ટેબલે કંગનાને તમાચો કેમ માર્યો હતો?
કંગનાને થપ્પડ માર્યા બાદ મહિલા કોન્સટેબલનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેણે થપ્પડ મારવાનું કારણ જણાવ્યું હતું. વીડિયોમાં મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે કહ્યું હતું કે, કંગનાએ નિવેદન આપ્યું હતું કે ખેડૂતોના આંદોલનમાં મહિલાઓ 100 રૂપિયા લઈને બેઠી છે. તે સમયે મારી માતા ખેડૂતોના આંદોલનમાં જતી હતી, તેનો ગુસ્સો હતો. તેથી કંગનાને તમાચો માર્યો હતો.

શું હતો સમગ્ર મામલો?
કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણી જીતી છે. અભિનેત્રી હવે સાંસદ બની ગઈ છે. જેના કારણે કંગના બપોરે ચંદીગઢ એરપોર્ટથી દિલ્હી જવા નીકળી હતી. પરંતુ સુરક્ષા તપાસ બાદ ત્યાં ફરજ બજાવતી સીઆઈએસએફની મહિલા કોન્સ્ટેબલે અચાનક કંગનાને તમાચો માર્યો હતો.

આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં જોવા મળે છે કે થપ્પડ પડતાં કંગના ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી. તે લેડી કોન્સ્ટેબલ સાથે દલીલ કરતી પણ જોવા મળી હતી. આ દરમિયાન તેની ટીમ પોતાનો બચાવ કરતી જોવા મળી હતી. કંગનાને પકડીને ફ્લાઈટ તરફ લઈ જવામાં આવી. કંગના દિલ્હી પહોંચી અને સીઆઈએસએફના ઉચ્ચ અધિકારીઓને આ અંગે ફરિયાદ કરી હતી.

Most Popular

To Top