એક વખત એક મુસાફર શહેરી વિસ્તારથી દૂર કોઈ જગ્યાએ ફરવા નીકળ્યો હતો. રાત્રિ પડતાં નજીકની વીશીમાં તપાસ કરી પણ ખાસ કોઈ વિશેષ સગવડ મળી શકે તેમ ન હતું. આખરે એક મંદિર જોવા મળ્યું ને ત્યાં રાત્રિરોકાણની વ્યવસ્થા થઈ. મુસાફરે પૂજારી સાથે વાતચીત કરી અને જાણ્યું કે મંદિરમાં આરતી વહેલી સવારે 5.30 વાગ્યે થતી હતી. મુસાફરે પૂજારીને વિનંતી કરી કે પ્રવાસનો થાક છે તેથી કદાચ વહેલા ઊઠી ન શકાય તો આપ મને વહેલા અચૂક ઉઠાડજો કારણ કે હું આરતીમાં ભાગ લેવા માગું છું. ઠંડીના દિવસો હતા, પૂજારી પ્રમાણમાં વૃદ્ધ હતા. વહેલી સવારે તેમણે ઓરડી ખટખટાવી. સ્નાન કરીને હું મંદિરમાં પહોંચ્યો તો વૃદ્ધ પૂજારી હાથમાં ઘંટડી અને પંચદીપવાળી આરતીથી ભગવાનને અત્યંત ભાવથી જમાડી રહ્યા હતા. મેં ઘંટારવ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ પૂજારી તેમની મસ્તીમાં મસ્ત હતા. તે દિવસે ત્રણ-ચાર યાત્રાળુઓ હતા અને ધીરે ધીરે બાકીના યાત્રાળુઓ પણ આરતીમાં જોડાયા. આરતી પત્યા પછી પૂજારીને પગે લાગીને મુસાફરે પૂછ્યું: ‘‘આટલી વહેલી સવારે જે કાળજી અને ભાવથી આપ આરતી ઉતારી રહ્યા હતા તે જોવા માટે તો કોઈ હાજર જ નહોતું છતાં આપને જે આનંદ અને ગૌરવથી આરતી કરતા જોયા તેનાથી આશ્ચર્ય થાય છે.’’ પૂજારીનો જવાબ બહુ સુંદર હતો : ‘‘મોટે ભાગે સવારની આરતીમાં કોઈ હોતું નથી પરંતુ મારે તો મારા ભગવાનને રાજી કરવાના છે અને તેમાં પણ આ મંદિરના ટ્રસ્ટીઓએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને મને જે જવાબદારી સોંપી તે મારા માટે ગૌરવની વાત છે. હું અહીંયા માત્ર નોકરી કરતો નથી પરંતુ આ જગ્યાનો કામચલાઉ માલિક છું અને મારા ભગવાનનો સેવક છું. તેથી સવારથી રાત્રી સુધી મારી સર્વોત્તમ શક્તિનો ઉપયોગ કરીને આ જગ્યા પવિત્ર, ભવ્ય અને પ્રસિદ્ધ બને તો મારા જીવનને સંતોષ મળી રહે.’’
કહેવાનો ભાવાર્થ એ છે કે એક પૂજારી મારું મંદિર, મારી પૂજા, મારી સેવા, મારી જવાબદારી, મારી સર્વોત્તમ શક્તિનો ઉપયોગ જેવા શબ્દો માત્ર ઉચ્ચારે જ નહીં પરંતુ તેમના વર્તનમાં પણ આ જ શબ્દોનો ભાવ જોવા મળ્યો ત્યારે લાગ્યું કે જવાબદાર બનવું, માલિકીપણાની અનુભૂતિ કરવી અને આત્મસંતોષ મેળવવો કેટલો સરળ છે છતાં તેના માટે માનસિકતા કેળવવી બહુ જરૂરી બને છે. તમે જે કંપનીમાં કામ કરતા હો ત્યાં તમે જોયું હશે કે કેટલાક કર્મચારી ઉપર પ્રમોટરને બહુ ભરોસો હોય છે. આવા કર્મચારીમાં રહેલી ઑનરશિપને કારણે પ્રમોટર આ કર્મચારીઓ પર વધારે વિશ્વાસ રાખે છે.
જયારે તમે કોઈ પણ હાથમાં લીધેલું કામ પૂરા દિલથી કરો તો તમને કામ દરમ્યાન સુખની અનુભૂતિ થશે અને તમારી સફળતાના ચાન્સીસ 100% રહેશે. કામ કરવું મહત્ત્વનું નથી, કામ દરમ્યાનની તમારી પ્રોસેસ અને આનંદ મહત્ત્વનાં છે. જે કામ કરો તેને પૂર્ણ આનંદ સાથે મન અને દિલ લગાવીને કરો તો તેનો આનંદ અદભુત હશે. ભગવાને માનવીને વિશિષ્ટ દિલ અને મન આપ્યું છે. તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી જીવન સદાબહાર રહેશે.
જયારે તમે પૂરા દિલ સાથે કામ કરશો ત્યારે તમને એક કામ કરવાની ઓનરશિપ આપોઆપ આવી જશે. ubhavesh@hotmail.com
જે કંઈ કરો એ પૂરા દિલથી કરો
By
Posted on