Comments

સ્ત્રીઓનાં પાકીટ મોટાં ને રૂમાલ નાના

હ્રદય અને ખિસ્સાના ગુણધર્મ એક જ. એટલે તો બંને એક જ સ્થાને હોય. હૃદય પણ ડાબી બાજુ ને, ખિસ્સું પણ ડાબી બાજુ..! જે બંને બાજુ ખિસ્સા રાખે,  એમનું કામકાજ કદાચ ડબલ પાવરની સરકાર જેવું પણ હોય..! જેનું ખિસ્સું ભારી એની ચાલ પ્રવાહી..! યમરાજ પણ પૈસાદારની  ઈજ્જત કરે..! પૈસાદાર ઉકલી ગયો તો, યમરાજ એને ચાલતો નહિ ઘસડે, શ્રીમંતને પાડા ઉપર બેસાડીને  આદર કરે. આ તો એક અનુમાન..! કહેવાનો આશય, ભરેલા  ખિસ્સાંની ઈજ્જત  લોક પરલોકમાં પણ ખરી. ત્રણ જગ્યાએ ખિસ્સાં હોતાં નથી.  ઝભલામાં, કફનમાં ને લુંગીમાં.! એમાં ઝભ્ભાવાળાની તો વાત જ નોખી..! 

છોકરા કરતાં ઝભ્ભાનાં  ખિસ્સાં વધારે..! પેટ પણ એટલાં મોટાં કે, પેટ અને ખિસ્સા બંને ટ્રેનમાં લટકેલા મુસાફરની માફક બહાર લટકતાં હોય..! એમાં આજકાલના લેટેસ્ટ લેંઘા એટલે?  જથ્થાબંધ ખિસ્સાં હોય ..! ‘ભાઈ જીવવા આવ્યો છે કે, ખિસ્સાં ભરવા.? એ  આપણે નક્કી કરવાનું. ભાઈએ,પાટલુન પહેરી છે, કે પાટલુને ‘ખિસ્સા’ પહેર્યા છે, એ પણ નહિ સમજાય..! કબૂતરખાનાં જેવાં ખિસ્સાં જોઇને, ખિસ્સાકાતરુઓએ પણ હથિયાર મૂકી દેવાં પડે કે, સારા માણસનું આમાં કામ નથી.

પાટલુન એક જ, પણ ખિસ્સાની વસ્તી વધારે..! જીવતર જીવ્યાનાં ‘એડવાન્સ’ મેડલ મળ્યા હોય એમ, ડુંગરે ડુંગરે કાદૂ તારા ડાયરાની માફક ઠેર ઠેર ખિસ્સાં લબડતાં હોય..! બધા જ ખિસ્સા ઉજ્જડ ગામનાં ખંડેર મકાનો જેવાં લાગે. અસ્સલ તો ખિસ્સાં ભલે ખાલી હોય, પણ સૌનાં હૃદય ભરેલાં રહેતાં. આજે હૃદય ખાલી ને ખિસ્સા ભરેલાં..!

ચાર બાજુથી સીવાયેલું હોત તો, ‘થીંગડું’ પણ કહેવાય. આ તો ત્રણ બાજુ જ સીવાયેલું..! ખિસ્સાની ઓળખ, નર, નારી અને નાન્યતર ત્રણેય જાતિમાં થાય. જેમ કે, ખિસ્સો કેવો, ખિસ્સી કેવી, ને ખિસ્સું કેવું..!  ત્રણેય રીતે બોલાય. જ્યારે પહેલાંની સ્ત્રીઓ ડગલીમાં ખિસ્સી રાખતી. કાળક્રમે માણસમાંથી જેમ પૂંછડું નાબૂદ થયું, એમ સ્ત્રીઓમાંથી ખિસ્સી પણ નાબૂદ થઈ ગઈ, તેનું સ્થાન મોંઘા મૂલના પાકીટ (પર્સ) એ લીધું, ને ખિસ્સી પર્સમાં લપાઈ ગઈ. ત્યારે પુરુષોએ ખિસ્સો-ખિસ્સું ને ખિસ્સી બધું સાચવી રાખ્યું છે. ખિસ્સી તો એવી જગ્યાએ રાખે કે, આજે પણ એ ચોર ખિસ્સીથી જ વિખ્યાત..!  એના કપાળમાં કાંદા ફોડું, વાઈફ તો ઠીક ગુગલ પણ શોધી નહિ શકે.

કોઈનું ધ્યાન ગયું હોય કે ના ગયું હોય પણ, સ્ત્રીઓ પાકીટ મોટાં રાખે ને રૂમાલ નાનો. ત્યારે પુરુષો પાકીટ નાના રાખે પણ રૂમાલ મોટા..! એનો મુદ્દલે એવો અર્થ થતો નથી કે, પુરુષોના નાક સ્ત્રીઓ કરતાં મોટા હોય.! આવું કેમ હોય છે, એનું સંશોધન થયું નથી. બાકી બધાને જ અનુભવ છે કે, પૈસા સાચવવાની બે જ જગ્યા શ્રેષ્ઠ, ક્યાં તો બેંકમાં સચવાય ક્યાં તો પત્ની પાસે..! પત્ની પાસેથી મેળવવા હોય તો, ભર શિયાળામાં પણ પરસેવાન થઇ જવાય..!

દાદૂ..! ભરેલું ખિસ્સું શાન પણ છે, જાન પણ છે, ને માન પણ છે. ભરેલા ખિસ્સા ઉપર માનવીના સ્ટેટસનો આધાર છે. જેનાં ખિસ્સાં ભરેલાં, એના સંબંધ વધેલા..! ભરેલા ખિસ્સાવાળાને સંબંધીઓનો દુકાળ નડતો નથી ને ચમચાઓની ખોટ સાલતી નથી. જેનું ખિસ્સું ભરેલું હોય એને ત્યાં ચમચાઓની જમાવટ હોય.  ખિસ્સું ખાલી થાય એટલે ચમચાઓ પણ ચાલતી પકડે. જમણવારમાં આવા પ્લાસ્ટીકના ચમચા, એંઠવાડમાં જ રઝળતા હોય.

લખી રાખો કે, ખિસ્સું ભરેલું હોય ત્યાં સુધી જ,  “હેલ્લો-હાવ આર યુ”  ના ટહુકા સંભળાય, પછી છોલે ભગો દાજી..! ખિસ્સું ખાલી થાય એટલે અનુભવો જ તમારી સાથે હોય. ખાલી ખિસ્સું હંફાવે ખરું, પણ દોડાવે નહિ. ખાલી ખિસ્સું એ જીવતરની અર્વાચીન ગીતા છે. ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું સત્યની સાચી ઓળખ કરાવે. જેનું ખિસ્સું ખાલી હોય એને જીવતરને સમજવા મોટીવેશનલ સ્પીકરની જરૂર પડતી નથી. આપોઆપ ચેતનાઓ  જાગૃત થાય. હું પણ કેવો ખાલી ખીસ્સાએ આ લાકડાની તલવારબાજી કરી રહ્યો છું..?  જાદુગર તો ખિસ્સામાંથી કબુતર પણ કાઢે, મારા ખિસ્સામાંથી તો મંકોડો પણ નહિ નીકળે. માણસ પાસે આધાર કાર્ડ હોય, પણ એને કોઈનો આધાર ના હોય એમ, મારી પાસે ખિસ્સા તો અડધો ડઝન છે, પણ ઠનઠન પાલ જેવા..!

ખાલી હોવાથી ખિસ્સાના દર્શન કરવા પણ કોઈ આવતું નથી. જો કે એક વાત છે,  મારી પાસે ખાલી  ખિસ્સું છે, એનું પણ  ગૌરવ છે. ચાબુક હોય તો ઘોડાગાડી આવે એમ, ખિસ્સું હોય તો ખિસ્સા ભરવાવાળો પણ મળી રહેશે. ખાલી અને ભરેલાં ખિસ્સાં તો માનવીએ ઊભા કરેલા દુન્યવી ભેદ છે. માણસ આવે ત્યારે ખાલી હાથે અને જાય ત્યારે ખાલી હાથે..! વાસ્તવમાં એ સત્ય નથી. બે માણસ વગર માનવી આ ધરતી ઉપર કોઈ આવતો નથી અને ચાર માણસ વગર આ ધરતી ઉપરથી કોઈ જતો નથી. શું કહો છો ચમનિયા..?

મારા કાનમાં પણ વીછું ભરાઈ ગયો હોય એમ ખિસ્સા ઉપર આજે લાકડાની લુખ્ખી તલવારબાજી કરવા નીકળ્યો છું. ધગધગતા રસ્તા ઉપર ખુલ્લા પગે ચાલવા જેવી જ વાત થઇ ને ? ભરેલાં ખિસ્સાં હોય તો, કીડી પણ ઊંટની જેમ દોડતી થઇ જાય. એટલે તો પેટ ભરવા કરતાં ખિસ્સાં ભરવા માટેની દોડ વધી. સબ ભગવાનકી માયા હૈ..! ખિસ્સાં ભરેલાં હોય તો, આફ્રિકાનો હબસી પણ ‘હેન્ડસમ’ લાગે. ખિસ્સાં ભરેલાં હોય તો, સ્વીટઝરલેન્ડ પણ જોવાય, ખિસ્સાં ભરેલાં ના  હોય તો, હવા ખાવા પાદરે પણ નહિ જવાય  .!  જેના ખિસ્સાં ખાલી એનાં વળતાં પાણી..! માણસ ‘ટાઈટ’ હોવો જોઈએ. એટલે કે તંદુરસ્ત..! ના હોય તો ગબડી જાય ને ખિસ્સું ટાઈટ ના હોય તો રખડી જાય. ભીંત ઉપર જગ્યા હોય તો લખી રાખજો કે, જે  દિવસે ખિસ્સા ખાલી થયાં, તે દિવસથી કૂતરા પણ, માણસ બદલી નાંખે ને ઓટલા બગાડી જાય તે અલગ..! સબ ગજવેકી કમાલ હૈ દાદૂ..!

લાસ્ટ ધ બોલ
ખિસ્સું ભરેલું હોય ને, તો જ માન, મોભો ને બધા સંબંધો હોય છે. જ્યારે ખિસ્સું ફાટી જાય છે ને, ત્યારે રૂપિયા સાથે સંબંધો પણ ક્યાંક પડી જાય છે. તારા કપાળમાં કાંદા ફોડું.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top