પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદ સહિત અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારે રાત્રે વીજ પુરવઠો ખોરવાઇ જવાને કારણે અંઘારપટ છવાયો હતો. વીજ વીતરણ વ્યવસ્થામાં સર્જાયેલી ખામીને કારણે શનિવારે આખી રાત અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોએ અંધારપટમાં ગાળવી પડી હતી અને રવિવારે વીજ પુરવઠો આંશિક રીતે બહાલ કરવામાં આવ્યો હતો. ઘણાં શહેરોમાં મધરાતથી એક જ સમયે વીજ પુરવઠો ખોરવાયો હતો. કરાચી, રાવલપીંડી, લાહોર, ઇસ્લામાબાદ, મુલતાન ઉપરાંત ઘમં અન્ય શહેરો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને કઠણાઇનો સામનો કરવો પડ્યો હતો.
પાકિસ્તાનના ઉર્જા મંત્રી ઉમર ઐયુબ ખાને કહ્યું હતું કે તકનીકી ટીમ વીજ પુરવઠો બહાલ કરવાના કામમાં જોતરાયેલી રહી હતી. તેમણે કહ્યું હતું કે ઇસ્લામાબાદ, રાવલપીંડી, લાહોર, મુલ્તાન, કરાચી અને ફૈસલાબાદ જેવા શહેરોમાં વીજ પુરવઠો આંશિકરૂપે બહાલ કરી દેવાયો છે પણ સ્થિતિ સામાન્ય થવામાં હજુ થોડો સમય લાગશે. ખાન અને માહિતી મંત્રી શિબલી ફરાજે પત્રકારોને જણાવ્યું હતું કે સિંધ પ્રાંતના ગુડ્ટુ પાવર પ્લાન્ટમાં ટેક્નીકલ ખામી સર્જાતા વીજ પુરવઠો ખોરવાયો હતો. તેમણે કહ્યું હતું કે હજુ એ વાતની માહિતી નથી મળી કે આ વીજ પુરવઠો ઠપ થવાનું કારણ શું હતું.