અગ્નિવીર યોજનાને લઈને લોકસભામાં (Loksabha) હોબાળો થયો હતો. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આ યોજના પર સવાલો ઉઠાવ્યા અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતુ. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે હાલમાં જ અગ્નવીર અજય સિંહના પરિવાર સાથે વાત કરી હતી. અજય સિંહે જાન્યુઆરીમાં જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં લેન્ડમાઈન બ્લાસ્ટમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું, ‘તે ઘરમાં ત્રણ બહેનો બેઠી હતી અને રડી રહી હતી. મેં તે યુવકનો ફોટો જોયો અને તેનો દેખાવ કોઈ ફિલ્મી અભિનેતા જેવો હતો. લેન્ડમાઈન બ્લાસ્ટમાં નાના ઘરનો અગ્નિવીર શહીદ થયો હતો. હું તેમને શહીદ કહું છું પરંતુ નરેન્દ્ર મોદી સરકાર તેમને શહીદ નથી કહેતી. નરેન્દ્ર મોદી તેમને અગ્નિવીર કહે છે. તે ઘરને પેન્શન નહીં મળે. તે ઘરને વળતર નહીં મળે, શહીદનો દરજ્જો નહીં મળે. સામાન્ય સૈનિકને પેન્શન મળે છે અને ભારત સરકાર સામાન્ય સૈનિકને મદદ કરશે પણ અગ્નિવીરને સૈનિક નથી કહેતા. અગ્નિવીર તે યૂઝ એન્ડ થ્રો છે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે અગ્નિવીર એ સેનાની નહીં પણ કેન્દ્ર સરકારની યોજના છે અને કેન્દ્ર સરકાર બળજબરીથી આ યોજના દેશના જવાનો પર થોપી રહી છે. તેમણે આગળ કહ્યું, ‘ચીની સેનામાં સૈનિકોને પાંચ વર્ષ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે, જ્યારે ભારતમાં અગ્નિવીરોને છ મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે છે. વિપક્ષના નેતાએ વધુમાં કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે અગ્નિવીરોના મનમાં ડર પેદા કર્યો છે. છ મહિનાથી પ્રશિક્ષિત અગ્નિવીર જ્યારે ચીનના પ્રશિક્ષિત સૈનિકો સામે રાઈફલ લઈને ઊભો રહે છે ત્યારે તેના મનમાં ડર ઊભો થાય છે. કેન્દ્ર સરકાર એક સૈનિક અને બીજા સૈનિક વચ્ચે વિભાજન કરવાનો પ્રયાસ કરી રહી છે. કારણ કે કોઈને પેન્શન અને શહીદનો દરજ્જો મળશે અને અગ્નિવીરને આ બધું નહીં મળે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહનો રાહુલ ગાંધી પર પલટવાર
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીના હુમલા પર વળતો પ્રહાર કર્યો છે. ગૃહમાં રાહુલના સવાલનો જવાબ આપતા રાજનાથ સિંહે કહ્યું, ‘રાહુલ ગાંધી ખોટું બોલીને ગૃહને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું ગૃહને જણાવવા માંગુ છું કે જો કોઈ અગ્નિવીર યુદ્ધ દરમિયાન અથવા દેશની સુરક્ષા દરમિયાન શહીદ થાય છે, તો કેન્દ્ર સરકાર દ્વારા તેના પરિવારને સહાય તરીકે 1 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવે છે. બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે વિપક્ષના નેતા દ્વારા ગૃહમાં ખોટા તથ્યો રજૂ કરવામાં આવી રહ્યા છે. શાહે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધીને ગૃહમાં જૂઠું બોલવાની મંજૂરી ન આપવી જોઈએ.