વલસાડ, નવસારી: (Valsad, Navsari) આગામી સોમવારથી રાજ્યભરમાં ધો.10-12ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યું છે. આશરે 11 મહિના બાદ શરૂ થઈ રહેલા શિક્ષણ કાર્ય અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ શિક્ષણ કાર્યની શરૂઆત થઈ રહી છે. જિલ્લા શિક્ષણ વિભાગ પાસે અત્યાર સુધી 8424 વાલીઓના સંમતિપત્રકો પહોંચ્યા છે. જો કે, સોમવાર સુધી વધુ સંમતિપત્રકો આવશે. બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ (DEO) વેબિનાર વડે જિલ્લાની શાળાઓના આચાર્યો, સંચાલકો અને શિક્ષણ-આરોગ્ય તજજ્ઞો સાથે બેઠક કરી જરૂરી દિશા-નિર્દેશો કર્યા હતા. જિલ્લાની 205 શાળાના (School) સંચાલકો સાથે વેબિનાર યોજાયો હતો. સરકારની એસઓપી (SOP) ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારીએ બનાવેલી એસઓપી અંગે પણ માહિતગાર કરાયા હતા. ઉપસ્થિત તજજ્ઞો દ્વારા પણ કોવિડ-19 અંતર્ગત સુરક્ષા માટે લેવાનારાં પગલાં, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે કરાયેલાં પગલાંની માહિતી અપાઈ હતી.
દેશમાં કોરોના કાબુમાં આવતા કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી રાજ્યમાં શરતોને આધારે અનલોક કરી ધીમેધીમે ધંધા-વેપાર કરવા માટે છૂટ આપી હતી. પરંતુ રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરી ન હતી. આગામી સમયમાં 10 અને 12માં ધોરણની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે. જેથી રાજ્ય સરકારે 11 મહિના બાદ શાળાઓ શરૂ કરવા નિર્ણય લીધો હતો. જે શાળાઓ આજે 11મીથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે નવસારી જિલ્લા શિક્ષણ વિભાગે તમામ શાળાઓને સેનિટાઇઝ કરી હતી. સાથે જ જિલ્લાની 205 શાળાના સંચાલકો સાથે વેબિનાર દ્વારા સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 ની ગાઈડલાઈન મુજબ શાળા શરૂ કરવા માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. નવસારી જિલ્લામાં 205 શાળામાં 26 હજાર વિધાર્થીઓ પૈકી 10 હજાર વિધાર્થીઓના વાલીઓ દ્વારા સહમતી મળી ગઈ છે. શાળાઓ શરૂ થતા વાલીઓ, વિધાર્થીઓ અને શિક્ષકોમાં આનંદની લાગણી છવાઈ છે.
એસઓપી મુજબ શાળાઓ શરૂ કરાશે
વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી કે.એફ.વસાવાએ જણાવ્યું કે, સરકારની એસઓપી અને જિલ્લાની એસઓપી મુજબ શાળાઓ શરૂ કરાશે. તે અગાઉ વેબિનાર વડે આચાર્યો સાથે બેઠક કરાઈ હતી. કોવિડ-19ના દરેક માપદંડનો ચુસ્ત અમલ શાળાઓમાં કરાશે. શનિવારે પણ આચાર્યો અને સંચાલકો સાથે બેઠક યોજી જરૂરી દિશા-નિર્દેશ કરાયા હતા. શિક્ષકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.
વિદ્યાર્થીઓ માટે સુવિધા અને સલામતીના પગલાં લેવાયા છે : શિક્ષણ અધિકારી
નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી આર.એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાની તમામ શાળાના આચાર્યો અને સંચાલકો સાથે વેબિનાર દ્વારા સરકારની એસઓપી સંદર્ભે ચર્ચા કરી હતી. શાળામાં સ્વછતા, સેનિટાઇઝ અને સોશ્યલ ડિસ્ટનસિંગ જાળવવાનું સમજાવી વિદ્યાર્થીઓને આવકારવા સૂચના આપી છે. સાથે જ આચાર્યોને વાલીઓની સહમતી લઈ વિદ્યાર્થીઓને શાળામાં લાવવા માટે જણાવ્યું છે. જોકે મોટે ભાગના વાલીઓએ સહમતી આપી દીધી છે. જે વાલીઓ પોતાના બાળકને ઓનલાઇન શિક્ષણ આપવા માંગતા હોય તેને ઓનલાઇન શિક્ષણ પણ અપાશે. બંને પ્રકારે શિક્ષણ અપાશે જેથી વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે.