Panchmahal

પાવાગઢમાં લેન્ડ સ્લાઈડ; ભેખડના પથ્થરો પડતાં રેલીંગ ધરાશાયી

યાત્રાધામ પાવાગઢ ડુંગર ખાતે વરસાદને પગલે લેન્ડ સ્લાઈડીંગ થતા પાટીયા પુલ પાસે અવર જવરના રસ્તા પરની લોખંડની રેલીંગ પર ભેખડના પથ્થરો પડતા રેલિંગ ધરાશાયી થઈ હતી.



સમગ્ર હાલોલ તાલુકા પંથક સહિત યાત્રાધામ પાવાગઢ ખાતે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ગઈકાલે શનિવારે બપોરે,સાંજે અને આજે રવિવારે વહેલી સવારે 6:00 વાગ્યા બાદ યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદ તુટી પડયો હતો.જેને લઈને યાત્રાધામ પાવાગઢ પર આવેલ ડુંગર ખાતે લેન્ડ સ્લાઇડિંગની ઘટના બની હતી . લેન્ડ સ્લાઈડીંગની ઘટનાને પગલે ડુંગર પર ઊંચાઈ પર આવેલ પરથી નાની મોટી પથ્થરની ભેખડો જમીન પર ઘસી પડવાની ઘટનાઓ બની હતી. જેમાં યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર પગથિયા રહી ઉપર ચડવા ઉતરવાના રસ્તામાં પાટીયા પુલ તારાપુર દરવાજાની વચ્ચે આવેલા સપાટ રસ્તામાં મુખ્ય રસ્તાની સાઈડ પર ખીણની ધાર પર પગપાળા ચાલતા યાત્રિકોની સુરક્ષા સલામતી માટે બનાવવામાં આવેલી લોખંડની મજબૂત રેલિંગો પર આ ભેખડોના પથ્થર આવી પડતા લોખંડની રેલીંગ ધરાશયી થઈ હતી. જ્યારે નજીકમાં જ આવેલી એક કાચી દુકાન પર પણ આ પથ્થરો પડતા દુકાનના કેટલાક ભાગને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. જેમાં ડુંગર પરની ભેખડો ઘસી પડી લોખંડની રેલિંગ પર પડવાની ઘટનાને લઈને ભેખડના પથ્થરો અને લોખંડની રેલિંગ તૂટીને મુખ્ય સપાટીવાળા રસ્તા પર આવીને પડતા અડધો અડધ રસ્તો ઢંકાઈ ગયો હતો જેમાં આજે રવિવારે યાત્રાધામ પાવાગઢ ખાતે હજારોની સંખ્યામાં યાત્રીકો માતાજીના દર્શન કરવા ઉમટી પડયા હતા . જેમાંથી મોટી સંખ્યામાં લોકો પગપાળા પગથિયા ચઢીને આ રસ્તેથી તેઓ પસાર થતાં હતાં ત્યારે આ રસ્તામાં તૂટીને પડેલી લોખંડની તોતિંગ રેલિંગ અને ભેખડના નાના મોટા પથ્થરો પડેલા હોઈ આ રસ્તેથી યાત્રિકોને પસાર થવામાં અડચણ ઉભી થવા પામી હતી અને આ રસ્તે અવરજવર કરતા યાત્રિકોની ભારે ભીડ સર્જાઇ હોવાનું જાણવા મળે છે. જ્યારે આ તો માત્ર ચોમાસાનો આરંભ છે જેમાં થોડાક જ વરસાદમાં પાવાગઢ ડુંગર પર લેન્ડ સ્લાઈડીંગની ઘટના બનતા થતા ભેખડોના નાના મોટા પથ્થરો પોતાના સ્થળ પરથી ખસી મુખ્ય રસ્તાની સાઈડમાં લગાવેલ લોખંડની રેલીંગ પર પડવાની ઘટનાને પગલે લોખંડની રેલીંગને ભારે નુકસાન પહોંચ્યું છે . આ ભેખડોના પથ્થરો પડવાની ઘટનાના સમયે જો કોઈ યાત્રિકોની અવરજવર આ રસ્તેથી હોતી તો શું પરિસ્થિતિ સર્જાઈ હોત તે કલ્પના પણ ધ્રુજારી પમાડે તેવી છે. ચોમાસાની આ સિઝનમાં યાત્રાધામ પાવાગઢ ખાતે બનતી ઘટનાઓમાં ઊંચે ઊંચે આવેલી ભેખડોમાંથી પથ્થરો ઘસી પડવાની ઘટના બને છે ત્યારે યાત્રિકોએ આ રસ્તે lથી પસાર થવામાં ભારે સાવચેતી અને સલામતી રાખવી જોઈએ. ડુંગર પર ચડતા અને ઉતરતી વખતે લેન્ડ સ્લાઇડિંગની ઘટનાઓના સમયે પાવાગઢ ડુંગરની પર્વતમાળામાંથી ઘસી પડતી ભેખડોના પથ્થરોથી સંપૂર્ણપણે બચી શકાય તેવી તમામ કાળજી યાત્રિકો દ્વારા પણ લેવામાં આવે અને અને તંત્ર દ્વારા પણ હાલમાં ચાલી રહેલા ચોમાસા દરમિયાન આ રસ્તેથી પસાર થતા યાત્રિકોની સુરક્ષા સલામતી માટે કોઈ યોગ્ય પગલા ભરી અવર જવરનું નિર્દેશન દર્શાવતા અને અને સુરક્ષા સલામતીની કાળજીના સૂચના બેનરો લગાવવામાં આવે તેવી પાવાગઢ ખાતે આવતા યાત્રીકો સહિત સ્થાનિક લોકોએ માંગ કરી છે.

Most Popular

To Top