સુરત: (Surat) છેલ્લાં ચાર-પાંચ વર્ષથી સુરતના અઠવાલાઇન્સ પાસે નાનપુરા વિસ્તારમાં આવેલી ફેમિલી કોર્ટને અન્યત્ર ખસેડવા માટે ચક્રો ગતિમાન થયાં હતાં. બાળકો તેમજ ફેમિલી કોર્ટમાં (Family Court) આવતા પક્ષકારોને અનુરૂપ જગ્યા તેમજ આગામી 40થી 50 વર્ષ સુધીના આયોજનને ધ્યાને રાખીને જગ્યા શોધવામાં આવી હતી. દરમિયાન સુરતના પાલ આરટીઓની આગળ ફેમિલી કોર્ટ માટે જગ્યા નક્કી કરવામાં આવી હતી. આ જગ્યા ઉપર વિવિધ સુવિધાઓથી સજ્જ કોર્ટ તૈયાર કરવા માટેની બ્લુ-પ્રિન્ટ તૈયાર કરીને પીડબ્લ્યૂડી વિભાગે ગુજરાત હાઇકોર્ટને (Gujarat High Court) મોકલી આપી છે.
જેમાં કોર્ટ તૈયાર કરવામાં કેટલો ખર્ચો થશે તે પણ ઉલ્લેખ કરાયો છે. પરંતુ હાલમાં લોકડાઉન અને કોરોનાને કારણે કોર્ટની એડમિનિસ્ટ્રેટીવ કાર્યવાહી અટવાઇ પડી હોવાથી આ મામલે કોર્ટ નિર્ણય લઇ શકાયો નથી. થોડા સમય પહેલાં યુનિટ જજ આવ્યા ત્યારે પણ રજૂઆતો થઈ હતી, જાણકારોના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાત હાઇકોર્ટની લીલી ઝંડી બાદ સુરતના પાલ (Pal) વિસ્તારમાં નવા ફેમિલી કોર્ટનું નિર્માણની કામગીરી શરૂ કરાશે.
અતિ આધુનિક ફેમિલી કોર્ટ તૈયાર કરાશે
નવી ફેમિલી કોર્ટમાં બાળકો માટેનો પ્લે એરિયા, પાર્કિંગ વ્યવસ્થા, એક ઘરમાં જેવી રીતે વાતાવરણ હોય તેવી રીતે અલગ અલગ રૂમો બનાવાશે. આ ઉપરાંત કોર્ટમાં કાઉન્સેલિંગ રૂમ, વેઇટિંગ એરિયા, જજોની ચેમ્બરો, વકીલો માટેની અલાયદી બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઊભી કરાશે. બહારથી આવતા પક્ષકારો પણ આરામ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી થાય તેવી પણ શક્યતા છે.
થોડા સમય પહેલાં યુનિટ જજ આવ્યા ત્યારે પણ રજૂઆતો થઈ હતી
દિવાળી પહેલાં દક્ષિણ ગુજરાતના યુનિટ જજ સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતની કોર્ટ શરૂ કરવા માટે વિવિધ તબક્કે વિચારણા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન સુરતના સિનિયર ધારાશાસ્ત્રી અને ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય રમેશચંદ્ર પટેલે સુરતની ફેમિલી કોર્ટ શરૂ કરવાના મુદ્દે પણ રજૂઆતો કરી હતી. તેઓના જણાવ્યા પ્રમાણએ સુરતના ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તરફથી નવી ફેમિલી કોર્ટ માટેની તમામ ફાઇલ હાઇકોર્ટમાં મોકલી અપાઈ છે, પરંતુ કોવિડના કારણે કામગીરી અટવાઇ પડી હતી. સુરતના યુનિટ જજે પણ હકારાત્મક અભિગમ આપીને આગામી દિવસોમાં નવી કોર્ટનું કામકાજ શરૂ થાય તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું.