ભરૂચમાં હીટ એન્ડ રન: બુટલેગરના દીકરાએ ઈનોવા કાર નીચે કચડતાં યુવકનું મોત – Gujaratmitra Daily Newspaper

Dakshin Gujarat

ભરૂચમાં હીટ એન્ડ રન: બુટલેગરના દીકરાએ ઈનોવા કાર નીચે કચડતાં યુવકનું મોત

  • આરોપીને પકડો પછી જ મૃતદેહ સ્વીકારીશું: મોતને ભેટેલા યુયકના પરીવારજનો જીદે ચઢ્યાં
  • ભરૂચ પોલીસે ઈનોવા કારના ચાલક અકસ્માત સર્જનાર યશ નિલેશભાઈ મિસ્ત્રીની ધરપકડ કરી

ભરૂચ: ભરૂચના માતરિયા તળાવ પાસે શુક્રવારે રાત્રે ગોઝારા અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. ફરજ પરથી છૂટી પોતાની મોપેડ બગડતા મિત્રને લેવા બોલાવી પોતાની મોપેડને ધક્કો મારી ઘરે લઈ જઈ રહેલા યુવાનને એક કાર ચાલકે જોરદાર અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં કરૂણ મોત નિપજતાં માતમ છવાયો હતો. અકસ્માત બાદ ચાલક કાર લઈને ફરાર થઇ જતાં પોલીસે તેની શોધખોળ આરંભી હતી. મોતને ભેટેલા પરિવારજનોએ પહેલા આરોપીને પકડો પછી મૃતદેહ સ્વીકારીશું એવી માંગ કરી છે.

ભરૂચના હાથીખાના વિસ્તારમાં રહેતા પ્રતીક રણજીતસિંહ સોલંકી છેલ્લા એક વર્ષથી દહેજમાં આવેલી હ્યુબેક કલર કંપનીમાં ફરજ બજાવે છે. શુક્રવારે તેની સેકન્ડશીપ હોય રાત્રીના 12.30 વાગ્યાના અરસામાં બસમાં શ્રવણ ચોકડી ઉતરી પોતાની મોપેડ લઈને ઘરે જવા માટે નીકળવાનો હતો. ત્યારે પ્રતીક સોલંકીની મોપેડ બંધ થઈ જતા તેણે તેના મિત્ર પ્રથમને લેવા માટે બોલાવ્યો હતો.

આ બંને મિત્રો પૈકી પ્રતીકે પ્રથમની બાઈક ચલાવી પોતાની મોપેડને પગ વડે ધક્કો મારી લઈ ઘર તરફ જઈ રહ્યા હતાં. આ સમયે એક ઇનોવા કાર ચાલકે પોતાની કાર પુરઝડપે હંકારી સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં સાઈડમાં બાઈક લઈને જઈ રહેલા પ્રતીક સોલંકીને અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ઇનોવા કાર ચાલકની નંબર પ્લેટ પણ ત્યાં પડી ગઈ હતી. જોકે કાર ચાલક આગળથી યુટર્ન મારી ભાગી છૂટયો હતો. જ્યારે અકસ્માતમાં માર્ગ પર પટકાયેલા પ્રતીક સોલંકીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા એકત્ર થઈ ગયેલા લોકોએ તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનાની જાણ થતાં જ એ ડીવીઝન પોલીસ મથકના સિંધવાઈ ચોકીના પીએસઆઇ અને પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળે દોડી આવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. કાર ચાલકની નંબર પ્લેટ પરથી તપાસ કરતા આ કાર પુષ્પધન સોસાયટીમાં રહેતા બુટલેગર નિલેશ મિસ્ત્રીના પુત્ર યશ નિલેશભાઈ મિસ્ત્રીની હોવાનું ખુલ્યું હતું. જોકે પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કરતા તેના ઘરે હાજર ન હતો.

અકસ્માત સર્જનાર ઈનોવા કારના ચાલક આરોપી યશ નિલેશ મિસ્ત્રીની પોલીસે ધરપકડ કરી

જો કે મોતને ભેટેલા પ્રતીકના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપો કર્યા હતા કે આરોપી મિસ્ત્રી સમાજનો હોય તેમના પર કોઈનું દબાણ હોય આરોપીને પકડી નથી રહ્યા. જો પોલીસ આરોપીને નહીં પકડે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીશું. પોલીસે આ મુદ્દે પરીવારજનોને હૈયાધરપત આપવાના પ્રયત્નો કરી છે. આરોપીને વહેલી તકે ઝડપી પાડવામાં આવશે એવી ખાતરી આપી હતી. દરમિયાન બપોરે ભરૂચ પોલીસે યશ નિલેશ મિસ્ત્રીની ધરપકડ કરી હતી.

Most Popular

To Top