Columns

નાનું એવું કામ

એક કોલેજીયન છોકરો નામ કહાન, આમ તો બહુ હોશિયાર નહિ અબોવ એવરેજ સ્ટુડન્ટ. પણ બધું જાતે ભણે કોઈ ક્લાસ વિના, આમ બીજા કોલેજીયનની જેમ બેજવાબદાર.દરેક કામ પાછળ ઠેલે.ઘરમાં અને ભણવામાં બધું કરે પણ મોડું કરે અને આ બાબતે તેને તેની મમ્મી જોડે રોજ મગજમારી થાય.મમ્મી ગુસ્સો કરે,સમજાવે કે સમયનો સદુપયોગ કર.ભણવાની સાથે નવી વસ્તુઓ શીખ,કોઈ હોબી ડેવલપ કર પણ આજના જુવાનિયા તો વોટ્સ એપ જ શોખ અને ઇન્સ્ટાગ્રામ જ હોબી!

કોઈ નવું શીખવાની સ્કીલ ડેવલપમેન્ટની વાત જ નહિ. મમ્મી રોજ ચિંતા કરે, ક્યારેક ખીજાય, બોલવાનું બંધ કરી દે એટલી ગુસ્સે થઇ જાય.કયારેક બહુ સમજાવે. પણ કહાનમાં એવો કોઈ ખાસ સુધારો નહિ. તે જેમ કરતો હોય તેમ જ કરે.મમ્મી પપ્પા બંને તેની ચિંતા કરે કે આ છોકરો ભવિષ્ય બનાવવાના સમયમાં ધ્યાન આપતો નથી.આમ જ રહ્યું તો આગળ શું કરશે. એક દિવસ કહાન વેકેશનમાં મિત્રો સાથે બહાર ગયો હતો.

સાંજે રીક્ષામાં ઘરે આવ્યો ત્યારે બહુ વરસાદ વરસતો હતો.રીક્ષા ભાડું ૧૧૦ રૂપિયા થયું હતું, કહાને ૨૦૦ રૂપિયાની નોટ આપી અને રીક્ષાવાળાએ ૯૦ પાછા આપવાને બદલે ૫૦૦ રૂપિયાની નોટ સમજી ૩૯૦ રૂપિયા પાછા આપી દીધા. કહાન પણ જે આપ્યા તે પૈસા ગણ્યા વિના ખિસ્સામાં મૂકી ઘરે આવી ગયો. રીક્ષાવાળાને ખ્યાલ આવ્યો કે કૈંક ભૂલ થઈ છે તેથી તે કહાનને જ્યાં ઉતાર્યો હતો તે મકાનમાં ગયો અને નીચે વોચમેનને પૂછ્યું કે હમણાં જે છોકરો ઊતર્યો તે ક્યાં રહે છે? વોચમેને પૂછ્યું શું કામ છે, રિક્ષાવાળાએ જે ભૂલ થઈ તે કહ્યું.વોચમેન બોલ્યો, ‘આ છોકરાને જ તેં વધારે પૈસા આપ્યા છે એવું જરૂરી થોડું છે, ક્યાંક પડી ગયા હશે.બીજા કોઈને વધારે આપી દીધા હશે.’ રિક્ષાવાળાએ વિનંતી કરી, એક વાર પૂછી લેવા દો.

નીચેથી વોચમેને ઇન્ટરકોમ કર્યો અને બધી વાત કરી.કહાને તરત જ જીન્સના ખિસ્સામાં જોયું અને કહ્યું હું હમણાં જ નીચે આવું છું અને નીચે જઈને તેણે રીક્ષાવાળાને ૩૦૦ રૂપિયા પાછા આપ્યા અને રીક્ષાવાળાએ તેનો આભાર માન્યો તો કહ્યું, ‘આભાર ન માનો, તમારા પૈસા છે મારી ભૂલ થઇ છે. આઈ એમ સોરી. મેં બરાબર જોયું નહિ.’ વોચમેન આ બધું જોતો હતો તે બોલ્યો, ‘ભાઈ, બીજું કોઈ હોત તો તારા પૈસા પાછા ન આપત.’

રીક્ષાવાળો ગયો. પછી વોચમેને કહ્યું, ‘બાબા, ન આપ્યા હોત તો ચાલત. શું કામ પાછા આપ્યા એની ભૂલ હતી અને તેં સોરી કહ્યું.’ નીચે વાતો કરતી બેઠેલી આંટીઓએ પણ જાણ્યું, બધાએ તેનાં વખાણ કર્યાં.જયારે કહાનની મમ્મી ઓફિસથી ઘરે આવી તો નીચે બધા તેને કહેવા લાગ્યા, ‘તારા દીકરાને તેં બહુ સારા સંસ્કાર આપ્યા છે.બહુ ડાહ્યો અને પ્રામાણિક છે. જરૂર જીવનમાં આગળ વધશે.’ મમ્મીએ બધી વાત જાણી.તે ખુશ થઈ કે ભલે કામ સાવ નાનું હતું, પણ દીકરાનું સ્ટ્રોંગ કેરેક્ટર અને પોતાના સંસ્કાર તેમાં દેખાતા હતા.મમ્મી કહાનને વ્હાલથી ભેટી પડી.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top