Columns

સુરતની સાંસ્કૃતિકધરોહર રચવામાં અવંતિકાબહેનની વિશેષ ભૂમિકારહી છે

‘ગુજરાતમિત્ર’ અખબારના એક પ્રબુધ્ધ સંવાહક તરીકે તો અવંતિકાબહેન પ્ર. રેશમવાળાની એક વિશિષ્ટ ભૂમિકા છે જ પણ આ શહેરના સામાજીક, સાંસ્કૃતિક સંવર્ધનમાં પણ તેઓ ખૂબ સક્રિય રહેતા.
અવંતિકાબહેનની આજે ચોવીસમી પૂણ્યતિથિ છે ત્યારે પ્રાધ્યાપક રહેલા શશીબહેન સુનિલભાઈ ભૂખણવાળા ઉષ્માભરી રીતે તેમને સ્મરે છે અને પોતે પામ્યા છે તે વ્યક્તિ છબી અંકિત કરે છે.

અવંતિકાબહેન મારા માટે તો ઘણાં આદરણીય હતાં. તેમનું વ્યક્તિત્વ એટલું ગરિમામય હતું કે તેમને મળો ને તેમની સાથે એક સંબંધ સ્થપાઇ જાય. આમ તો તેઓ મારાં ભાભીનાં બહેનપણી હતાં. ઉષાબહેન ચાવાળા, રસુબહેન ખાનસાહેબ અને અવંતિકાબહેન વચ્ચે પરસ્પર મૈત્રી હતી અને તેઓ મહિલા સંસ્થાઓમાં સાથે રહી પ્રવૃત્તિ તો કરતાં જ પણ તક મળે ત્યારે સાથે ફરવા પણ જતાં. સંબંધની ઘનિષ્ઠતા આ રીતે જ બંધાતી હોય છે. જયાં જાય ત્યાં ઘરેથી નાસ્તો બનાવીને લઇ જાય. તેમનો સ્વભાવ જ એવો મળતાવડો કે બધાં સાથે ભળી જાય. હું તો તેમને અવંતિકામાસી કહેતી.

આજે જયારે વિચારું તો થાય છે કે તેમની વાતના મુખ્ય મુદ્દાઓમાં મહિલા કલબનો ઉત્કર્ષ અને સુરત શહેરમાં શું થવું જોઇએ તે કેન્દ્રમાં રહેતું. સ્ત્રીશકિતને પ્રોત્સાહિત કરવામાં તેઓ માનતાં. સ્ત્રીશિક્ષણનું મહત્ત્વ ત્યારે તેમણે જોયું હતું. સુરતના મધ્યમ વર્ગમાં શિક્ષણ વિશેની જાગૃતિ આવતી જતી હતી પણ સ્ત્રીઓ ભણે તેનું ખાસ મહત્ત્વ તેઓ જોતાં હતાં. તેઓ પોતે અત્યંત વિવેકશીલ હતાં. મારા પતિ (સુનીલ ભૂખણવાળા અન્ય સાથીઓ સાથે) એક વાર અવંતિકાબહેન પાસે ગયેલા અને નેશનલ બેન્કમાં ડિરેકટર થવા વિનંતી કરેલી.

અવંતિકાબહેને શાંતિથી વાત સાંભળી અને ડિરેકટર થવાની હા પાડતાં પહેલાં શરત કરી કે આ હોદ્દાનો પ્રસિધ્ધિ તરીકે ઉપયોગ ન થવો જોઇએ. ‘ગુજરાતમિત્ર’ તો ઘરેઘર વંચાતું અખબાર અને તોય અવંતિકાબહેન અંગત પ્રસિધ્ધિથી દૂર રહી શહેરની સંસ્થામાં આ રીતે પ્રવૃત્ત રહ્યાં હતાં. મારા પતિ ઘણી વાર કહે છે કે અવંતિકાબહેન તો પ્રવીણકાન્ત રેશમવાળાનાં પત્ની તરીકે એક ગાઇડીંગ ફોર્સ હતાં. તેમના અને પ્રવીણકાંત રેશમવાળા વડે ‘ગુજરાતમિત્ર’માં જે માહોલ ખડો થયો તે સાહિત્ય, સંસ્કાર, સમાજ અને રાજકારણને ગૌરવ સાથે જોનારો અને રજૂ કરનારો હતો. સુરતની સાંસ્કૃતિક ધરોહર રચવામાં તેમની ખાસ ભૂમિકા હતી.

અહીં બીજી પણ વાત કરવી જોઇએ. અવંતિકાબહેનને સુરત માટે સીધી કન્સર્ન હતી. 1968ની મહા રેલ મને યાદ છે. ‘ગુજરાતમિત્ર’ સહિત બધે પાણી ભરાયેલાં અને તમામ વ્યવસ્થા ખોરવાઈ ગયેલી. તેમ છતાં તેમણે ઘણી બહેનોને ભેગાં કરી, શાક-પુરી-રોટલા સહિત જે કાંઇ બને તે બનાવડાવ્યું અને શહેરના અનેક વિસ્તારોમાં ભોજન પહોંચાડયું. તેઓ બધાં માટે વિચારતાં. મને તો અલૂણાંની પ્રવૃત્તિ પણ યાદ આવે છે. ગરબા રાખે તો બે દિવસ રાખે. એક દિવસ નાના માટે, બીજો દિવસ મોટા માટે. પૂનમના દિવસે ગરબા હોય અને વેશભૂષા હરીફાઇ પણ રાખે. આવી પ્રવૃત્તિનું સમાજમાં ખાસ મહત્ત્વ છે તેવું તેઓ સમજતાં હતાં.

આ શહેરમાં તેમની હાજરી જાણે એક સામાજિક, સાંસ્કૃતિક રીતે જાગૃત મહિલાની હાજરી હતી. તે સમયની બૌધ્ધિક રીતે જાગૃત કોઇ સ્ત્રી એવી ન હશે, જેમનો અવંતિકાબહેન સાથે પરિચય ન બંધાયો હોય. તેમની દરેક પ્રવૃત્તિમાં એક આભિજાત્યપણું અનુભવાતું. તેમને યાદ કરું તો થાય કે તેઓ જાણે શહેર અને ‘ગુજરાતમિત્ર’નાં એક કેન્દ્રબિન્દુ હતાં. સ્મૃતિઓમાં તેમના ચહેરાની રેખાઓ ભેગી કરું અને મન અવસાદથી ભરાઇ જાય છે!                
શશીબહેન ભૂખણવાળા

Most Popular

To Top