આપણે એવાં પંખી જોયાં છે, જે હવામાં ઊડતાં ઊડતાં વચ્ચે કોઇ જગ્યાએ થોભી જાય. વચ્ચે વચ્ચે પાંખ ફફડાવે, પણ હોય ત્યાં ને ત્યાં. દિશા પટની એવું પંખી બની રહી છે કે શું? તેની રજૂ થતી ફિલ્મોની સંખ્યા ઘણી ઓછી થઇ ગઇ છે. 2022માં ‘એક વિલન રિટર્ન્સ’ આવી પછી 2023નું વર્ષ ખાલી ગયેલું અને આ વર્ષે એક ‘યોદ્ધા’ આવી, જેમાં રાશી ખન્ના સાથે દિશા પણ હતી. હવે ‘કલ્કી 2898 એડી’ જેવી મોટી ફિલ્મ આવી, જેમાં મુખ્ય સંઘર્ષ તો પ્રભાસ, અમિતાભ, કમલ હાસન વગેરે વચ્ચે હશે ને બાકી દીપિકા પાદુકોણ સાથે દિશા પટની છે. ગ્રેન્ડ લેવલ પર બનતી ફિલ્મોમાં અભિનેત્રીઓની ભૂમિકા મર્યાદિત હોય છે અથવા ગ્લેમર ઉમેરવા માટે હોય છે. દિશા જો કે મોટા સ્ટાર્સ અને ગ્રાન્ડ લેવલ પર બનતી ફિલ્મોને પોતાના માટે મહત્ત્વની માનતી લાગે છે. તેણે સલમાનખાન સાથે આ રીતે જ ‘રાધે’ કરેલી, ‘ભારત’ કરેલી એવી ફિલ્મોમાં તે કોઇ અન્ય હીરોઇન સાથે હતી. આજકાલ ટોપ સ્ટાર્સ બિનજોખમી વલણ લે છે અને વધારે હીરોઇન અને સહકલાકારો સાથે ફિલ્મો બનાવે છે. દિશા પટની આવી ફિલ્મોનો ભાગ બની રહી છે અને પોતાનું સ્ટેટસ ગુમાવી રહી છે.
એ હકીકત છે કે તેણે શરૂઆત કરી ત્યારથી પોતાને જે ઊંચાઈ અપેક્ષિત હતી ત્યાં પહોંચી શકી નથી. ‘બાગી-2’, ‘બાગી-3’ સિકવલ પણ આમ તો ટાઈગર શ્રોફ માટે હતી. પણ હવે તે સંભવિત મોટી ફિલ્મોનો હિસ્સો બનીને આગળ વધવા માંગતી હોય તેવું જણાય છે. અત્યારે પણ તે ‘વેલકમ ટુ જંગલ’માં આવી રહી છે, જેમાં અક્ષય કુમાર તો છે, પણ જેકલીન ફર્નાન્ડિસ, સંજય દત્ત, સુનીલ શેટ્ટી, રવિના ટંડન જેવા અનેક કલાકારોનું ઝુંડ છે. ‘કાંગુવા’માં બોબી દેઓલ, સૂરીયા છે. ‘સંઘમિત્રા’ તો જો કે સાઉથની ફિલ્મ છે. હિન્દી ફિલ્મો મળતી ઓછી થાય ત્યારે જ સાઉથની ફિલ્મો તરફ વળવાનું બનતું હોય છે. અહીં મળેલી નિષ્ફળતાને બેલેન્સ કરવાનો આ વ્યાયામ છે.
દિશા હવે ‘કલ્કી’ થી પોતાનો રસ્તો મેળવી શકે તો સારી વાત કહેવાશે, બાકી અત્યારે કોઇ હીરોઇન ટોપ પર નથી એ પણ હકીકત છે. આવું હોય ત્યારે કોઇ ફિલ્મ જ ચમત્કારિક રીતે સફળ થાય તો તેના સ્ટાર્સને આગળ વધવાની મોટી તક સાંપડી જતી હોય છે.
દિશાએ હવે પોતાને સાબિત કરવી રહી. મોટી ફિલ્મોમાં કામ કરવા કરતાં પોતે જે ફિલ્મમાં કામ કરે તે મોટી બની જાય તો વટ પડે. •
ધુમ્મસમાં ખોવાયેલી દિશા
By
Posted on