Columns

સુકૂન

એક ફકીર ઝાડ નીચે બેસીને સૂફી ભજનો ગાતો રહે. કોઈ તેને મદદ કરે, પૈસા આપે કે જમવાનું કે પાણી આપે તે પીએ અને દુઆમાં કહે, ભગવાન તને સાચું સુકૂન આપે.ફકીર હંમેશા દરેકને આ જ દુઆ આપે. જે ઝાડ નીચે ફકીર બેસતો તેની થોડે દૂર એક ચા વાળો હતો. તે દિવસમાં રોજ બે વાર ફકીરને ચા પીવડાવે અને ફકીર તેને રોજ દિવસમાં બે વાર દુઆ આપે કે ભગવાન તને સાચું સુકૂન આપે.એક દિવસ ચાવાળો બે કપ ચા લઈને આવ્યો.ફકીરને ચા આપી.ફકીરે રોજની જેમ દુઆ આપી અને તેના હાથમાં બીજો કપ જોઇને કહ્યું, ‘મારે માટે આ એક કપ જ બસ છે.’ ચાવાળાએ કહ્યું, ‘બાબા, આ કપ મારા માટે છે.આજે તમારી સાથે મારે થોડી વાતો કરવી છે. મારે જાણવું છે કે તમે બધાને ‘ભગવાન તને સાચું સુકૂન આપે’ આ એક જ દુઆ કેમ આપો છો?’

ફકીર હસ્યા અને બોલ્યા, ‘દોસ્ત, દુનિયામાં બધું મેળવી શકાય છે.મહેનત અને પ્રયત્નોથી અશક્ય પણ શક્ય બને છે.ભાગ્યથી ઘણું મળે છે, પણ જે મળ્યું, જે રીતે મેળવ્યું તેમાંથી સુકૂન મેળવવું બહુ જ અઘરું છે. ‘સુકૂન’ એટલે મનની શાંતિ.એક સાચો સંતોષ મળ્યા પછીની ખુશી …મને તો બસ આ જ મેળવવું હતું તે વિચાર અને અનુભવમાં છુપાયેલું ચેન…અને જીવનમાં આ મેળવવું બહુ અઘરું છે.’

ચાવાળાએ પૂછ્યું, ‘બાબા, સુકૂન મેળવવું કેમ અઘરું છે?’ ફ્કીરબાબા બોલ્યા, ‘બધા માણસોને જીવનમાં ઘણું ઘણું મેળવી લીધા બાદ પણ અસંતોષ રહે છે …કૈંક ખૂટતું લાગે છે ..જે મળ્યું છે તે ઓછું જ લાગે છે ..મારા કરતાં બીજાને વધારે મળ્યું છે એવી ઈર્ષ્યા  જાગે છે ….બીજાને છેતરીને ,પાડીને આગળ વધી સફળ બનવાની ભાવના …માત્ર સ્વાર્થ વૃત્તિ …જેને કંઈ નથી મળ્યું તેમના મનમાં મારી પાસે તો કંઈ જ નથી એવી સતત ફરિયાદ…. આવી સ્થિતિ લગભગ દરેક માણસના મનની છે.

પછી તે ગરીબ હોય કે પૈસાદાર, યુવાન હોય કે વૃધ્ધ, સ્ત્રી હોય કે પુરુષ ,સફળ હોય કે નિષ્ફળ દરેક જણ પોતાની  આવી મનોદશાથી પીડાય છે અને એટલે કોઈ પાસે મનની શાંતિ ,ચેન ,હાશકારો ,સાચા સુખની અનુભૂતિ કહી શકાય તેવું મનનું  સુકૂન છે જ  નહિ એટલે જે કોઈ પાસે નથી તે તેને મળે તેવી દુઆ હું આપું છું. —ભગવાન તને ‘સાચું સુકૂન’ આપે—‘ ચાવાળો બોલ્યો, ‘બાબા તમારી વાત થોડી સમજાઈ, થોડી નહિ, પણ તમારી સાથે વાત કરી મનને સારું લાગ્યું.’ ફ્કીરબાબા ચાનો ખાલી કપ તેને આપી પોતાની મસ્તીમાં સૂફી ભજન ગાવા લાગ્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top