Comments

સભ્યતા, સંસ્કાર, મર્યાદા લોકશાહી પ્રાણ છે

વિધાનસભાની ચૂંટણી પછી નવી રચાયેલી આંધ્રપ્રદેશ વિધાનસભાના અધિવેશનના પહેલા દિવસે આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચન્દ્રબાબુ નાયડુએ પક્ષના નેતાઓને અને કાર્યકર્તાઓને કહ્યું હતું કે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને યુવાજન શ્રમિક રૈયત કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી) ના નેતા જગન મોહન રેડ્ડીની દરેક રીતે માનમર્યાદા જાળવવામાં આવે. તેમનું અપમાન થવું પણ ન જોઈએ અને તેમને અપમાન થઈ રહ્યું છે એવું લાગવું પણ ન જોઈએ.

વાચકોને યાદ હશે કે આંધ્રપ્રદેશમાં લોકસભાની સાથે સાથે વિધાનસભાની પણ ચૂંટણી યોજાઈ હતી, જેમાં વિધાનસભાની કુલ ૧૭૫ બેઠકોમાંથી ચન્દ્રબાબુ નાયડુના પક્ષ તેલગુ દેશમ પાર્ટીને ૧૩૫ બેઠકો મળી હતી. ચન્દ્રાબાબુએ પવન કલ્યાણ નામના નેતાના પ્રાદેશિક પક્ષ જન સેના પાર્ટી સાથે ચૂંટણી સમજૂતી કરી હતી અને તેને ૨૧ બેઠકો મળી હતી અને ભારતીય જનતા પક્ષને ૧૦ બેઠકો મળી હતી. કુલ મળીને ૧૭૫ બેઠકોમાંથી એનડીએને ૧૬૪ બેઠકો મળી હતી. જગનમોહન રેડ્ડીના પક્ષને માત્ર ૧૧ બેઠકો મળી હતી.

માત્ર ૧૧. ઊભા રાખેલા ઉમેદવારો સામે વિજયની સરેરાશને અંગ્રેજીમાં સ્ટ્રાઈક રેટ કહેવામાં આવે છે અને  એનડીએનો સ્ટ્રાઈક રેટ લગભગ ૯૪ ટકાનો હતો. ૨૦૧૯ની સાલની લોકસભાની ચૂંટણીમાં અને એ પછી યોજાયેલી વિધાનસભાઓની ચૂંટણીઓમાં બીજેપીનો ઉત્તર અને પશ્ચિમ ભારતનાં રાજ્યોમાં જે સ્ટ્રાઈક રેટ હતો તેના કરતાં પણ વધુ. આ ભવ્ય વિજયનું શ્રેય ચન્દ્રાબાબુ નાયડુને જાય છે. વિજયનું શ્રેય એનડીએને એટલા માટે પણ જાય છે કે આંધ્રપ્રદેશના મતદાતાઓ જગનમોહનના શાસનથી નારાજ હતા.

બંધારણીય જોગવાઈ મુજબ લોકસભામાં કે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકેનું સત્તાવાર પદ મેળવવા માટે સૌથી મોટા વિરોધ પક્ષ પાસે ગૃહની કુલ બેઠકોમાંથી દસ ટકા બેઠક હોવી જરૂરી છે. આંધ્રપ્રદેશમાં કુલ ૧૭૫ બેઠકો છે અને જગનમોહન રેડ્ડીના પક્ષ પાસે દસ ટકા કરતાં ઘણી ઓછી માત્ર ૧૧ બેઠકો છે એટલે તેઓ વિરોધ પક્ષના નેતાના પદ માટે દાવેદારી કરી શકે એમ નથી. ચન્દ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે પ્રતિપક્ષના સભ્યો અને તેના નેતા એટલા જ આદરણીય છે જેટલા હોવા જોઈએ. સંખ્યા ગૌણ છે.

આને કહેવાય ખાનદાની. આને કહેવાય સંસ્કાર. આને કહેવાય ખેલદિલી. ચન્દ્રાબાબુ નાયડુ આ એટલા માટે કરી શક્યા કે તેઓ લોકતંત્રને વરેલા છે. લોકશાહીમાં પક્ષો અને નેતાઓ આવે ને જાય. લોકશાહીમાં વિજય અને પરાજય આવે ને જાય. ચન્દ્રાબાબુ નાયડુએ પરાજય (કારમો  પરાજય સુદ્ધાં) જોયા છે અને ખમ્યા છે. ચન્દ્રાબાબુ નાયડુના પક્ષને ૨૦૧૯ની સાલની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૨૩ બેઠકો મળી હતી અને જગન મોહન રેડ્ડીના પક્ષને? ૧૭૫ બેઠકોમાંથી ૧૫૧ બેઠકો. ટીડીપીને અત્યારે જેટલી બેઠકો મળી છે તેનાથી ઘણી વધુ. આને કહેવાય લોકશાહી! લોકશાહીને વરેલા નેતાઓમાં ખાનદાની અભિપ્રેત છે.

અહીં વરિષ્ઠ અંગ્રેજી પત્રકાર શેખર ગુપ્તાએ કહેલો પ્રસંગ યાદ આવે છે. તેઓ પાકિસ્તાનના એ વખતના વડા પ્રધાન નવાઝ શરીફની મુલાકાત લઈ રહ્યા હતા. વાતવાતમાં નવાઝ શરીફે કહ્યું કે ભારત વિશેનું મેં જોયેલું એક દૃશ્ય હું ભૂલી શકતો નથી. ૧૯૮૯માં ભારતમાં લોકસભાની ચૂંટણી યોજાઈ જેમાં કોંગ્રેસનો પરાજય થયો. રાજીવ ગાંધીની જગ્યાએ રાજીવ ગાંધીના એક સમયના સાથી તેમ જ વિશ્વાસુ ગણાતા પણ પછી તેમનો દિવસરાત વિરોધ કરનારા વિશ્વનાથ પ્રતાપ સિંહ વડા પ્રધાન બન્યા.

સંસદના સત્રનો પહેલો દિવસ હતો, જેમાં ખુરશી ગુમાવનાર પરાજિત વડા પ્રધાન નવા વડા પ્રધાનનું સંસદભવનના મુખ્ય દ્વારે સ્વાગત કરે છે અને પછી મુખ્ય દ્વારથી ગૃહના પ્રવેશ દ્વાર સુધી સાથે ચાલીને ગૃહમાં ફરી તેમનું સ્વાગત કરે છે. આ સભ્યતા, આ સંસ્કાર, આ મર્યાદા લોકશાહીનો પ્રાણ છે જે ભારતમાં જોવા મળે છે અને અમે તેને માટે તરસીએ છીએ. આ દૃશ્ય ૨૦૧૪માં પણ જોવા મળ્યું હતું. પાકિસ્તાનીઓ જે દૃશ્ય જોવા તલસે છે એ દૃશ્ય આપણે ત્યાં કેટલાંક લોકોને ગમ્યું નહીં. તેમને થયું કે પાકિસ્તાની મુસલમાનો સંસ્કારી થઈ ગયા અને ભારતના હિંદુઓ પાછળ રહી ગયા!

ચન્દ્રાબાબુ નાયડુની રાજકીય સફરથી આપણે પરિચિત છીએ. તેઓ વિકાસલક્ષી શાસક તરીકેની  અને પ્રમાણમાં ભદ્ર રાજકારણી હોવાની ખ્યાતિ ધરાવે છે. ૧૯૯૯માં અમેરિકાના એ સમયના પ્રમુખ બિલ ક્લીન્ટન ભારત આવ્યા ત્યારે તેઓ અવિભાજિત આંધ્રપ્રદેશના એ સમયના મુખ્ય પ્રધાન ચન્દ્રાબાબુ નાયડુને મળવા હૈદરાબાદ ગયા હતા. તેમણે આગ્રહ રાખ્યો હતો કે મારે આંધ્રપ્રદેશની ડેવલપમેન્ટ જર્ની જોવી છે. તમને આ વાતની કદાચ જાણ નહીં હોય, કારણ કે ભદ્ર જનો આત્મપ્રશંસાનો બુંગિયો વગાડતા નથી. 

આમ ચન્દ્રબાબુ નાયડુ ભદ્ર રાજકારણી છે એમાં કોઈ શંકા નથી, પણ અને તેની સાથે એ વાત નહીં ભૂલતા કે તેઓ બહુ ચતુર માણસ પણ છે. તેમણે જગન મોહન રેડ્ડીનો આદર જાળવવાની અને મર્યાદાનું પાલન કરવાની સલાહ કેવળ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને નથી આપી, દિલ્હીના શાસકોને પણ આપી છે. દિલ્હીની સરકાર ચન્દ્રાબાબુ નાયડુ અને નીતીશકુમારના ટેકા ઉપર ઊભી છે એ તો આપ જાણો જ છો અને હા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પણ આ જ સલાહ આપી છે. તમને તમારો એજન્ડા આગ્રહપૂર્વક લાગુ કરવાનો અધિકાર છે, પણ તુમાખીપૂર્વક નહીં. 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top