હાલમાં જ ગુજરાત ગેસ કંપની તરફથી તમામ બિલ કલેકશન કરતી અર્બન સોસાયટીઓ પર એવો પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે જે અનુસાર ગેસ બિલની રકમ રૂા. 2000/- કે થી વધુ હોય તેવાં તમામ ગ્રાહકોએ બિલનું પેમેન્ટ ફરજીયાતપણે ઓનલાઇનથી કરવાનું રહેશે, જે સંપૂર્ણપણે અયોગ્ય અને અસ્વીકાર્ય છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ઓનલાઇન બિલ પેમેન્ટ કરવા સ્માર્ટ ફોન હોવો જરૂરી છે.
જે બધા જ ગ્રાહકો પાસે હોય તે સંભવ નથી તેમજ વરિષ્ઠ ગુ.ગેસના ગ્રાહકો જેઓ મોબાઇલ કે સ્માર્ટ ફોન વિશે બિલકુલ ગ્રાહકો માટે વિકટ સમસ્યા ઊભી કરી છે. યોગ્ય તો એ છે કે ઓનલાઇન બિલ પેમેન્ટની રકમ 10,000/- કે તેથી વધુ હોવી જોઇએ. આ પરિપત્રની વિપરીત અસર હેઠળ બિલ કલેકશન સેન્ટરોમાંથી અનેક કર્મચારીઓ તેમની નોકરી ગુમાવશે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ અંગે ગુ.ગેસના સત્તાધીશો ગ્રાહકનાં હિતનો વિચાર કરીને ઓનલાઇન બિલ પેમેન્ટની રકમ 10,000/- રાખે જે યોગ્ય છે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સુરતમાં હવે ટ્રાફિક બાબતે લાલિયાવાડી નહીં ચાલે!
ટ્રાફિક સિગ્નલોનો ચુસ્ત અમલ સુરતીઓ પાસેથી કરાવવા પોલીસ મક્કમ છે. સરસ, ખૂબ જ આવકારદાયક પગલું, જે અત્યંત જરૂરી હતું. ખુદ પોલીસ કમિશનર આ બાબતે અંગત રસ લઈ રહ્યા છે, તો ગુજરાતના ગૃહ મંત્રી પણ સજાગ છે. પણ જે રીતે સિગ્નલો મૂકાયાં પણ, સમયના વેડફાટ માટેની બુમરાણો મચી છે તે જોતાં એવું લાગે છે કે કદાચ ઉતાવળે અમલ કરાવવા માટે ‘‘ટાઈમ મેનેજમેન્ટ’’ની દૃષ્ટિએ કાચું કપાયું છે. પહેલાં તો સીસીટીવી કેમેરા ઊંધા લગાડાયા અને હવે દરેક ટ્રાફિક સિગ્નલો ઉપર સુરતીઓનો સમય વેડફાઈ રહ્યો છે.
સ્કૂલનાં બાળકો અને નોકરિયાતો તેમજ ધંધાર્થીઓ તેમના ગંતવ્યસ્થાને સમયસર પહોંચી શકતાં નથી તો એમ્બ્યુલન્સો અટવાઈ રહી છે. પગ બતાવી સાઈડ કાપનારા સુરતના ‘‘પ્રખ્યાત’’ રિક્ષાવાળાઓ અને જેમને કોઈ જ કાયદા-કાનૂન લાગુ પડતા નથી તેવા સુરતના એક ‘‘ચોક્કસ વિસ્તાર’’નાં રહેવાસીઓએ પણ નવી સિગ્નલ સીસ્ટમનો ગંભીરતાથી અમલ કર્યો છે એ આનંદની વાત કહેવાય. રોંગ સાઈડે જવું એ સૂરતીઓનો જન્મસિધ્ધ અધિકાર છે, તેના ઉપર હવે પાબંદી લાગી રહી છે. પોલીસ સ્ટેશનમાં બેસી રહેવું પડશે. કેદીઓની માફક! ખેર જે હોય તે, ટ્રાફિક સિગ્નલનો અમલ કરાવતાં પહેલાં અનેક શક્યતાઓ ચકાસવી જોઈતી હતી, જે ચકાસાઈ નથી અને સુરતીઓ તેનો ભોગ બની રહ્યાં છે.
સુરત – ભાર્ગવ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.