આણંદ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ માટે કોર્ટમાં રજુ કર્યા
(પ્રતિનિધિ) આણંદ તા.24
આણંદના ચિખોદરા ગામમાં શનિવારે રાત્રિ ક્રિકેટ મેચ દરમિયાન બાઇક અડવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝગડામાં એક યુવકને ચપ્પાના ઘા તથા માથામાં બેટનો ફટકો મારતા મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી સાત શખ્સની ધરપકડ કરી છે.
આણંદ તાલુકાના ચિખોદરા ગામમાં શનિવારે રાત્રિ ક્રિકેટ મેચની ફાઇનલ મેચ જોવા માટે આણંદના કેટલાક યુવક ગયાં હતાં. આ યુવકોને બાઈક આગળથી ખસી જવા મુદ્દે સ્થાનિક યુવક સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડો ઉગ્ર બની ગયો હતો અને સ્થાનિક યુવકોએ ચપ્પા, બેટથી હુમલો કરતાં સલમાન વ્હોરાનું મોત નિપજ્યું હતું. જ્યારે તેની સાથેના અન્ય યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાના પગલે આણંદ ગ્રામ્ય પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિ થાળે પાડી હતી. આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં હતાં. જેમાં ઘટનાના બીજા દિવસે મેહુલ ઉર્ફે ઘેટો દિનેશ પૂનમ પરમાર, કિરણ ઉર્ફે હોલો મફત પુંજા પરમાર, મહેશ ઉર્ફે ફુલીયો રમેશ પુંજા વાઘેલા, અક્ષય ઉર્ફે અડો નરસી જેણા પરમાર, રતીલાલ રાયસીંગ જેણા પરમાર, વિજય મંગળ બાબુ પરમાર (રહે. તમામ ચિખોદરા) અને કેતન મહેન્દ્ર રમણ પટેલ (રહે. વઘાસી)ની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યા હતા.
ફરિયાદ પરત ખેંચવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ
આણંદ શહેરના મુસ્લિમ સમાજના આગેવાનોએ સોમવારના રોજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં તેઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, સલમાન બહુ નાની ઉંમરનો અને શાંત સ્વભાવનો વ્યક્તિ હતો. હજુ બે મહિના પહેલા જ તેના લગ્ન થયાં હતાં. તેના નાના બે ભાઈ – બહેન છે. સલમાન ઘરનો મોભી હતો. પરંતુ સામાવાળા માથાભારે માણસો છે. રાજકીય વગ ધરાવે છે અને બોલે તેવું પાળે તેમ છે. આ બનાવના લીધે પંથકમાં ભય અને અરાજકતાનો માહોલ ફેલાઇ ગયો છે. આરોપીના મળતિયાઓ દ્વારા ફરિયાદીને સમાધાન કરવા અને ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરવામાં આવી રહ્યું છે. જેથી નિષ્પક્ષ તપાસ કરી તમામ આરોપીઓની વહેલી તકે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.