National

બાંગ્લાદેશના PM શેખ હસીનાની ભારત મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ કરી મોટી જાહેરાત

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને બાંગ્લાદેશના (Bangladesh) વડા પ્રધાન શેખ હસીનાએ (PM Sheikh Hasina) દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક (Meeting) યોજી હતી. આ પછી બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ (Press Statement) બહાર પાડ્યું હતું. જેમાં તેમણે બાંગ્લાદેશ અને ભારતની મિત્રતા વિશે પણ વાત કરી હતી. આ સાથે જ વડાપ્રધાને એક મહત્વની જાહેરાત પણ કરી હતી,

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના શુક્રવારે બે દિવસીય ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહ અને કીર્તિ વર્ધન સિંહે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પછી વડાપ્રધાન હસીનાએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે નરેન્દ્ર મોદીએ શનિવારે એક મોટી જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં બાંગ્લાદેશથી ભારતમાં સારવાર માટે આવતા લોકો માટે ઈ-મેડિકલ વિઝા સુવિધા શરૂ કરવામાં આવશે.

પ્રેસ સ્ટેટમેન્ટમાં પીએમ મોદીએ કહ્યું હતું કે અમે છેલ્લા એક વર્ષમાં 10 વાર મળ્યા છીએ, પરંતુ આજની મુલાકાત ખાસ છે. કારણ કે વડા પ્રધાન શેખ હસીના ભાજપાના ત્રીજા કાર્યકાળમાં ભારતના પ્રથમ અતિથિ છે. વડાપ્રધાને કહ્યું કે અમે નવા વિઝન સાથે આગળ વધીશું. આ સાથે જ મોદીએ સુરક્ષા વ્યવસ્થા અને દ્વિપક્ષીય સંવાદની પણ વાત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બાંગ્લાદેશથી ભારત સારવાર માટે આવતા લોકો માટે ઇ-મેડિકલ વિઝા સુવિધા શરૂ કરશે. આ ઉપરાંત બાંગ્લાદેશના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રના લોકોની સુવિધા માટે રંગપુરમાં એક નવું સહાયક હાઈ કમિશન ખોલવાની પહેલ કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે બાંગ્લાદેશ ભારતનું સૌથી મોટું વિકાસ ભાગીદાર છે અને અમે બાંગ્લાદેશ સાથેના અમારા સંબંધોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ.

આતંકવાદ અને કટ્ટરવાદ સામે સંકલ્પ કર્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “રક્ષા સંબંધોને વધુ મજબૂત કરવા માટે, અમે સંરક્ષણ ઉત્પાદનથી લઈને સશસ્ત્ર દળોના આધુનિકીકરણ સુધીની વ્યાપક ચર્ચાઓ કરી હતી. અમે આતંકવાદ વિરોધી, કટ્ટરપંથીકરણ અને સરહદના શાંતિપૂર્ણ સંચાલન પર અમારી જોડાણને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. મહાસાગર ક્ષેત્ર માટે અમારું વિઝન પણ સમાન છે. અમે બાંગ્લાદેશના ઇન્ડો-પેસિફિક મહાસાગર પહેલમાં જોડાવાના નિર્ણયને આવકારીએ છીએ. અમે BIMSTEC સહિત અન્ય પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મંચો પર અમારો સહયોગ ચાલુ રાખીશું.”

સ્વાગત ખાસ ભાગીદાર
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વિટર પર લખ્યું હતું, “ખાસ ભાગીદારનું ઔપચારિક સ્વાગત! વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાનું સ્વાગત કર્યું. નવી સરકારની રચના પછી તેઓ દ્વિપક્ષીય રાજ્યની મુલાકાતે છે. ભારતમાં શેખ હસીના પ્રથમ વિદેશી વડાપ્રધાન છે કે જેઓ ભારતના મહેમાન છે.

Most Popular

To Top