Comments

મેરીટ તપાસતી પરીક્ષા અને પરીક્ષાનું મેરીટ

નીટ પરીક્ષામાં થયેલી ગરબડોનો વિવાદ અટકી નથી રહ્યો. એક નહિ અનેક ગેરરીતિઓ થઈ છે અને અનેક સ્તરે થઈ છે! બિહારના કેન્દ્રમાં ત્રીસ ત્રીસ લાખ રૂપિયા લઈ પેપર ફૂટ્યાના પુરાવા પોલીસને મળ્યા છે. ગુજરાતના ગોધરા કેન્દ્ર પર વિદ્યાર્થી દીઠ સાઈઠ લાખ રૂપિયા લઈને પાસ કરાવવાની ખાતરી આપવામાં આવી છે – ન આવડતા પ્રશ્ન ખાલી છોડી દેવાના, જેના જવાબ કેન્દ્રના સંચાલક ભરી દે.  પરીક્ષાકેન્દ્રના સંચાલક, શાળાના આચાર્ય તેમજ કોચિંગ સેન્ટરના સંચાલક સૌની મીલીભગત સામે આવી. બીજી તરફ હરિયાણાના એક જ કેન્દ્રના  સાત પરીક્ષાર્થીના ૭૨૦ માંથી ૭૨૦ પૂરેપૂરા માર્કસ આવ્યા છે, જેને કારણે ગેરરીતિની શંકા ઊભી થઈ છે અને તપાસ ચાલુ છે.

બીજાં અનેક કેન્દ્રો ગેરરીતિ આચરતાં હશે, જે વિશેની માહિતી બહાર આવી નથી એટલે આપણી જાણમાં નથી. આ બધાં ઉપરાંત NTA – નેશનલ ટેસ્ટ એજન્સી પોતાની રીતે જ ગ્રેસના માર્કસ આપ્યા – કોઈ કેન્દ્રમાં સમય ઓછો મળ્યો એટલે તેમજ કોઈ પ્રશ્ન ખોટો પૂછાયો હતો એટલે! આખા ભારતમાંથી લગભગ ૨૩ લાખ વિદ્યાર્થી નીટ આપે છે, જેમાંથી માત્ર એક લાખને અને જો સરકારી કોલેજ ગણીએ તો માત્ર ચાલીસ હજાર વિદ્યાર્થીને મેડિકલ, ડેન્ટલ કે આયુષ કોલેજમાં પ્રવેશ મળવાનો છે. ૭૫ ટકાથી પણ વધુ પરીક્ષાર્થીઓને ‘મેરીટ’  આધારે સ્પર્ધામાંથી બહાર કાઢતા વિદ્યાર્થીઓનું મેરીટ ચકાસતી વ્યવસ્થાનું મેરીટ તપાસવું પડે. 

શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીની લાયકાત આધારે પ્રવેશ નક્કી થાય એ ખરેખર એક આદર્શ વ્યવસ્થા બની શકે છે, ખાસ કરીને વ્યાવસાયિક કોર્સમાં. મૂળ સવાલ એ છે કે લાયકાત એટલે શું? આખું વર્ષ ગોખણપટ્ટી કરી ૨૦૦ મિનિટમાં ૧૮૦ જવાબનો ઉત્તર આપવો એને વિષયની લાયકાત કહેવાય કે પછી વિષયને સમજીને વિચારીને ઉત્તર શોધવાની આવડત કહેવાય? વિષયમાં રુચિ હોય એ મહત્ત્વનું છે કે પછી આર્થિક અને સામાજિક મોભા માટે ગોખવાની આવડત આધારે દાક્તરીમાં ઝંપલાવવું? નીટનું વર્તમાન માળખું સાચી પ્રતિભાને ન્યાય આપી શકે છે? આ પ્રશ્ન ઊંડાણપૂર્વક ચર્ચા માંગી લે છે. પ્રવેશ માટે પરીક્ષા રાખવા પાછળનો એક હેતુ એ પણ હોય છે કે શિક્ષણનો મોકો વ્યક્તિના સામાજિક-આર્થિક વિશેષાધિકારને આધારે નહીં, પણ આવડત આધારે મળે, સૌને સમાન તક મળે.

શું વર્તમાન વ્યવસ્થામાં આ હેતુ પાર પડે છે? દરેક વિદ્યાર્થી અસમાન શિક્ષણવ્યવસ્થાના અલગ અલગ સ્તરેથી પ્રવેશ પરીક્ષા સુધી પહોંચે છે. દા.ત. બે છોડ છે. એકને નિયમિત ખાતર પાણી આપવામાં આવે છે અને બીજો પોતાની રીતે મથામણ કરીને જીવી રહ્યો છે. બંને જ્યારે ફળ આપશે ત્યારે સ્વાભાવિક રીતે પહેલા છોડ પર વધુ ફળ આવશે અને એ સારી ગુણવત્તાના પણ હશે. આ જ નિયમ માણસના વિકાસને પણ લાગુ પડે છે. જે બાળક અંગ્રેજી માધ્યમની ખાનગી શાળામાં ભણ્યું હોય અને જે સરકારી શાળામાં ભણ્યું હોય એ બંનેની શૈક્ષણિક લાયકાત વચ્ચે સરખામણી શક્ય છે? આ ભેદ નૈસર્ગિક નથી પણ, સામાજિક વ્યવસ્થાને કારણે ઊભા થયેલા છે.

જે વિદ્યાર્થી પ્રવેશ પરીક્ષા માટે કોચિંગ લઈ શકે છે, શ્રેષ્ઠ શિક્ષકોનું માર્ગદર્શન મેળવી શકે છે, અંગ્રેજી ભાષા આવડતી હોવાના કારણે વિશ્વભરનું શ્રેષ્ઠ સાહિત્ય વાંચી શકે છે એની સરખામણી સરકારી શાળામાં ભણેલા, શિક્ષણ સિવાય અનેક જવાબદારીઓ સાથે વિદ્યાર્થીઓને સંભાળતા શિક્ષક પાસે માંડ માંડ માર્ગદર્શન પામેલા અને પોતાની માતૃભાષામાં ઉપલબ્ધ હોય એટલા જ સાહિત્ય સાથે તૈયારી કરી શકેલા વિદ્યાર્થી સાથે કેવી રીતે થાય? આ બંને વચ્ચે તેમના વાલીની શિક્ષણ પાછળ ખર્ચ કરવાની શક્તિ પણ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ વાલી સમય આવે પોતાના બાળક માટે ડોનેશનનો ખર્ચ પણ ઉઠાવે છે, જરૂર પડે લોન પણ લે છે અને ક્યારેક ફૂટેલાં પેપર ખરીદવા માટે પણ પૈસા ફેંકે છે. બંને બાળક વચ્ચે સ્પર્ધાનું સમથલ મેદાન જ નથી.

આ જ મુદ્દે તામિલનાડુના મુખ્ય મંત્રી સ્તાલિને પહેલેથી જ નીટ પરીક્ષાનો વિરોધ કરેલો. તેમની ભલામણથી તામિલનાડુમાં રાજન કમિટીની નિમણૂક કરી જેણે નીટની અસર તપાસ કરી રિપોર્ટ આપ્યો. એનાં પરિણામ આંખ ઉઘાડનારાં છે. 2017-18માં રાષ્ટ્ર સ્તરે નીટ પરીક્ષા શરૂ થઈ ત્યાર બાદ શહેરી વિસ્તારની, અંગ્રેજી માધ્યમની, કેન્દ્રિય બોર્ડની શાળાના વિદ્યાર્થીઓનો મેડિકલ કોલેજોના પ્રવેશમાં  નોંધપાત્ર રીતે વધારો થયો છે. 

આ તારણો નીટ જેવી પરીક્ષામાં આર્થિક વિશેષાધિકાર ધરાવતા વર્ગની તરફેણ થતી હોવા તરફ અંગુલિનિર્દેશ કરે છે. સામાજિક અસમાનતા રાતોરાત દૂર થવાની નથી. પરિણામે વર્ગીય ફાયદા પણ સાથેસાથે આવવાના છે. આ સંજોગોમાં વર્તમાન માળખામાં સૌ ને સમાન તક મળી રહે એ માટે પ્રવેશ પરીક્ષાઓની  ગુણાંક પધ્ધતિમાં પારદર્શિતા જળવાય, પરીક્ષા ઈમાનદારીથી લેવાય તેમજ ભ્રષ્ટાચાર સામે તાબડતોબ કડકમાં કડક પગલાં લેવાય એટલી વ્યવસ્થા તો  કમસેકમ ગોઠવવી જ પડે.
નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top