સુરત: અડધો જૂન મહિનો પૂરો થયા બાદ રહી રહીને આખરે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. વલસાડ શહેર તથા જિલ્લાના ઉમરગામ, કપરાડા તાલુકામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત નવસારી, સુરત જિલ્લામાં પણ વાદળો છવાયા છે. સુરતમાં સવારથી વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. તેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
જોકે, સૌથી વધુ વલસાડ જિલ્લામાં વરસાદ પડ્યો છે. સવારથી વલસાડ શહેર, જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. વલસાડ શહેરના એમજી રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે છીપવાડ રેલવે અંડરપાસ અને છીપવાડ દાણા બજારમાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં અત્યાર 24 કલાકમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લાં 4 કલાકમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 17 તાલુકામાં વરસાદ પડી રહ્યો છે, જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી તા. 23મી જૂન સુધી રાજ્યમાં ઠેરઠેર વરસાદની આગાહી કરવામાં આવી છે, તે આગાહી અનુસાર આજે સવારથી દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યના અનેક જિલ્લાઓમાં ચોમાસું જામ્યું છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 9 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં દોઢ ઈંચ જ્યારે વાપી અને ઉમરગામમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં 1 થી 9 મિમિ સુધીનો વરસાદ નોંધાયો છે. તો નર્મદા જિલ્લાના નાંદોદમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ સિવાય અન્ય તાલુકાઓમાં 1 થી 9 મિમિ સુધીનો વરસાદ પડ્યો છે.
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો છેલ્લા 2 કલાલમાં વલસાડ જિલ્લાના કપરાડામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તો ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ હળવો વરસાદ પડી રહ્યો છે.