ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી માધવસિંહ સોલંકી (Madhavsingh solanki)નું લાંબી માંદગી બાદ આજે સવારે એટલે કે 9 જાન્યુઆરીના રોજ તેમના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાન પર નિધન થયું છે. તેઓ 94 વર્ષના હતા.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીના પિતા માધવસિંહ સોલંકી ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તેમના નામ પર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ 149 બેઠકો જીતવાનો રેકોર્ડ રહ્યો છે. ગુજરાતના સફળ મુખ્યમંત્રીઓમાંથી એક માધવસિંહ સોલંકી લાંબા સમયથી પથારીવશ હતા અને સાર્વજનિક જીવનમાં દેખાતાં ન હતા. તેમના પુત્ર ભરતસિંહ સોલંકીએ હાલમાં જ 101 દિવસ સુધી કોરોના સામે જંગ લડ્યા હતા.
માધવસિંહ સોલંકી 1980 માં KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ) ફોર્મ્યુલા પર ગુજરાતમાં સત્તા પર આવ્યા હોવાનું જાણીતું છે. ગુજરાતમાં 1980 ની ચૂંટણી પૂર્વે માધવસિંહ સોલંકીએ સત્તા સંતુલન બદલવા માટે KHAM થિયરી આપી હતી. કોંગ્રેસમાં આવ્યા તે પહેલા તેઓ પત્રકાર હતા.
માધવસિંહ સોલંકી ટૂંક સમય માટે 1976 માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. 1981 માં માધવસિંહ સોલંકી ફરી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે માધવસિંહ સોલંકીએ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતની રજૂઆત કરી હતી.
માધવસિંહ સોલંકીએ 1985 માં રાજીનામું આપ્યું હતું પરંતુ બાદમાં 182 વિધાનસભા બેઠકોમાંથી 149 જીતીને સત્તા પરત ફર્યા હતા.