સુરત : ભરશિયાળે કમોસમી માવઠું થતાં જગતના તાત પર પડતા પાટું જેવી દશા થઈ રહી છે. આજે દક્ષિણ ગુજરાતમાં આજે સવારે વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેને પગલે ખેડૂતોની ચિંતા વધી હતી અને પાકને નુકશાન થવાની ભીતિ સર્જાઈ છે.
જેમાં ક્યાંક ઝરમરીયો તો ક્યાંક ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવારે વહેલી સવારે વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 11 મીમી અને ધરમપુર-વાપીમાં 7-7 મીમી વરસાદ વરસ્યો હતો. ભરશિયાળે બીજીવાર કમોસમી વરસાદ થતાં ખેતરમાં રોપેલું ધાન નષ્ટ થઈ રહ્યું છે. ઉપરાંત રવીપાક અને કેરી, ડાંગર અને શાકભાજીના પાકને માવઠું ભારે નુકસાન કરી રહ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. દમણમાં વહેલી સવારે કમોસમી વરસાદથી પ્રદેશનાં રસ્તા પાણી પાણી થઈ ગયા હતા.
જેને પગલે લોકોને બહાર જવું હોય તો રેઇનકોટ અને ઘરમાં રહેવું હોય તો સ્વેટર પહેરવું પડે તેવી બેવડી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે હવામાનમાં ફેરફારની બાબત ખેડૂતો માટે ચિંતાજનક બની રહી છે. સમગ્ર તાપી જિલ્લામાં શુક્રવારે ઝરમર વરસાદ પડ્યો હતો, તો સુરત જિલ્લાના મહુવા સહિત અન્ય કેટલાક તાલુકામાં પણ માવઠુ પડ્યું હતું. જેથી ખેતરોમાં શેરડી કટીંગની કામગીરી અટકાવી દેવી પડી છે, તો ખેતરમાં શાકભાજી સહિતના પાકને અને આંબા પરની આંમ્રમંજરીને નુકસાન પહોંચ્યું છે.
ડાંગમાં 1 ઇંચ વરસાદ, સાપુતારામાં રેઇનકોટ પહેરવો કે સ્વેટર, પ્રવાસીઓ મુંઝવણમાં
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શુક્રવારે પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા પાણીની રેલમછેલ ફરી વળી હતી. સાપુતારામાં શુક્રવારે વરસાદી માહોલની મઝા માણવા પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો. સ્વેટર પહેરવું કે રેઈનકોટ લોકો મુંજવણમાં મુકાઈ ગયા હતા. નવસારી જિલ્લામાં ચીખલી પંથકમાં વરસાદથી માર્ગો ભીંજાઈ ગયા હતા અને એક સમયે શિયાળામાં ચોમાસાની ઋતુનો અહેસાસ લોકોએ અનુભવ્યો હતો. ખેરગામ તાલુકામાં ૨ મીમી જેટલો કમોસમી વરસાદ પડતા રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા. વાંસદા સહિત તાલુકામાં ભર શિયાળે કમોસમી 12 મીમી જેટલો કમોસમી વરસાદ તૂટી પડતાં રસ્તાઓ પર પાણી પાણી થઇ ગયા હતા.