આખરે શહેરમાં લાગેલાં ટ્રાફિક સિગ્નલોને સુરતીઓ ચુસ્તપણે અનુસરતાં થયાં છે. ચોક્કસપણે ચાલતાં રાહગીરોને તેનાથી લાભ થાય છે. વાહનચાલકોને ગંતવ્યસ્થળે પહોંચતાં 5 10 15 મિનિટનું મોડું પણ થાય છે, કેટલી જગ્યા ઉપર ટ્રાફિક સિગ્નલનુ સિનકરોનાઈઝેશન ન હોવાને લીધે પણ કેટલીક સમસ્યાઓ સર્જાય છે. હું જે સિગ્નલો પરથી પસાર થયો છું ત્યાંના નિરીક્ષણ પછી મને નીચે મુજબની સમસ્યાઓ ધ્યાનમાં આવી છે, જે લાગતા વળગતા સત્તાવાળાઓના ધ્યાનમાં લાવું છું.
૧. ટીમલિયાવાડ સર્કલ પરના ટ્રાફિક જંકશન પાસે ફોરવિલરોનું પાર્કિંગ થયેલું હોય છે. જે હયાત સાંકડા રસ્તાને વધુ સાંકડો કરે છે. ૨. અડાજણ ગામ ચાર રસ્તા અને અડાજણ પાટિયા ખાતે ચાર રસ્તા પરના કોર્નર પર જ લારી ગલ્લાઓનું દબાણ તથા રિક્ષાઓનો જમેલો હોય છે, જેથી ઘણી સમસ્યાઓ સર્જાય છે. ૩. લગભગ 90% ટ્રાફિક સિગ્નલો લગાવ્યાં છે ત્યાં મોટાં મોટાં સર્કલો આવેલાં છે.
૪. ટ્રાફિક સિગ્નલ પાસે જ બમ્પ આવેલા છે. આ બમ્પ જ્યારે ટ્રાફિક સિગ્નલ ન હતાં ત્યારે જરૂરી હતા પરંતુ હવે તે અડચણરૂપ બને છે. ૫. ઘણાં જંકશનો પર મોડી રાત્રે કે વહેલી સવારે પણ ટ્રાફિક સિગ્નલ ચાલુ હોય છે કે જે ખરેખર જરૂરી હોતું નથી. આ સમસ્યાઓ ખરેખર ઉકેલી શકાય એવી છે ૧. મુખ્યત્વે જ્યાં મોટા ટ્રાફિક આઇલેન્ડ બનાવવામાં આવ્યા છે તેને દૂર કરવાની જરૂર છે અથવા તો નાના કરવાની જરૂર છે. ૨. જંકશન પરના જીબ્રા ક્રોસિંગ પાસે જ બમ્પને દૂર કરવામાં આવે તો ટ્રાફિકની ઝડપ વધારી શકાય.
૩. મોડી રાત્રેથી વહેલી સવાર સુધી સ્થાનિક જરૂરિયાત મુજબ સિગ્નલ બંધ કરવાની જરૂર છે. ૪. તમામ ચાર રસ્તાઓ પાસેના દબાણ તથા ગાડીઓના પાર્કિંગને હટાવવાની જરૂર છે. ૫. અઠવાડિયા કે પંદર દિવસે એક વાર ટ્રાફિક સિગ્નલના ભંગ બદલ મોકલેલા ઈ મેમોની વિગતો સ્થાનિક અખબારોમાં થોડા મહિનાઓ સુધી પ્રગટ કરવાથી શહેરીજનોમાં સ્વયં શિસ્ત આવી જશે. ૬. ઓવરલોડેડ રિક્ષાઓ તથા ચાર રસ્તા પર પાર્કિંગ થયેલ રિક્ષાઓને પણ ઈ મેમો મોકલાવીને તથા તેને સ્થાનિક અખબારોમાં માહિતી પ્રગટ કરાવવાથી રીક્ષાચાલકોમાં પણ સ્વયં શિસ્ત આવી શકે છે.
– ડો. હેમંત પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.