વાપી : વાપી નામધાથી એલસીબી ટીમે રીક્ષામાંથી દારૂના જથ્થા સાથે સુરતના બે ઈસમોને ઝડપી પાડ્યા હતાં. જેમાં બંને ઈસમોએ શરીરે દારૂની બાટલીઓ બાંધી હતી અને બીજો જથ્થો થેલાઓમાં ભરેલો હતો.
- વાપી નામધાથી પોલીસે થેલાઓમાં ભરેલો દારૂ ઝડપી પ્રોહિ.ના 8 થી વધુ ગુનામાં સંડોવાયેલા ઈસમને ઝડપી પાડ્યો
પોલીસે બે ઈસમોને વોન્ટેડ બતાવી વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ પ્રકરણમાં ઝડપાયેલા એક ઈસમ સામે અગાઉ પણ પ્રોહિ.ના 8 થી વધુ ગુનાઓ અલગ-અલગ પોલીસ ચોપડે નોંધાયેલા છે.
એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે વાપી નજીકના નામધા પોલીસ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન રીક્ષા આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા ચાર થેલાઓમાં તથા બંને ઈસમોના શરીર પર બાંધેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે રીક્ષાચાલકે (1) રોશનકુમાર બિરબલસીંગ (ઉં.19, રહે. દમણ) શરીરે દારૂનો જથ્થો બાંધનારા (2) બુલ્લુ વિષ્ણુભાઈ પટેલ (ઉં.20) અને (3) આસીફ ઈકબાલ પઠાણ (ઉં.42, બંને રહે. ભીંડી બજાર, સુરત) હોવાનું જણાવ્યું હતું. પોલીસે દારૂના જથ્થાની કિંમત 49,200 તથા રીક્ષા અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1,04,200નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય ઈસમોની અટક કરી હતી.
વધુ તપાસ કરતા આ દારૂનો જથ્થો દમણ કચીગામથી વાઈનશોપમાંથી ઈસમે ભરાવેલો અને આ જથ્થો સુરતના અલપેશ પાલજી બારૈયાએ મંગાવેલો હોય બંને ઈસમોને વોન્ટેડ બતાવી વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂના જથ્થા સાથે પકડાયેલા બુલ્લુ પટેલ સામે વલસાડ રેલવે, વાપી રેલવે, સુરત રેલવે સહિત સલાબતપુરા અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના 8 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.