હમણાં બ્લડ ડોનેશન ડે ના દિવસે એક સરસ મેસેજ લખાવવા યુવાનોનું ટોળું પ્રોફેસર પાસે ગયું અને કહ્યું, ‘સર, બ્લડ ડોનેશન દિવસ માટે કોઈ એવો હટકે મેસેજ લખી આપો કે જે વાંચીને બધા પર અસર થાય અને મેસેજ ડીજીટલ સોશ્યલ મિડિયામાં એકદમ વાઈરલ થઇ જાય.’ પ્રોફેસરે ઘણું વિચાર્યું, થોડું લખ્યું, પણ કંઈ મજા ન આવી.બહુ વિચાર કર્યા બાદ એમણે બહુ અસરકારક મેસેજ લખ્યો. ચાલો વાંચીએ. ૧૪ મી જૂન બ્લડ ડોનેશન ડે છે તો ચાલો, આજે રક્તદાન કરવાનો સંકલ્પ કરીએ અને એકબીજા માટે શોધીએ જીવન જીવવા માટે ખૂબ જ જરૂરી બ્લડ જેની હંમેશા અછત રહી છે.
ખૂબ જ અર્જન્ટલી જરૂર છે…જરૂર છે…
એક એવા ગ્રુપના બ્લડની,જેનો કોઈ ધર્મ ન હોય, ન કોઈ જાતિ હોય કે ન કોઈ જ્ઞાતિ હોય,
જરૂર છે એક એવા બ્લડ ગ્રુપની જેમાં હિમોગ્લોબીન સાથે હિંમત પણ હોય,
જરૂર છે એવા બ્લડની જેમાં પ્રેમના પ્લેટલેટસ ઘટી ન ગયા હોય, બધા માટે પ્રેમ પણ વહેતો હોય,
જરૂર છે એવા બ્લડની જેમાં રાગ દ્વેષનું ઇન્ફેકશન બિલકુલ ન હોય,
જરૂર છે એવા બ્લડની જેમાં સ્વાર્થના સફેદ કણ વધી ન ગયા હોય,
જરૂર છે એવા બળદની જેમાં લાગણીના લાલ કણ ભરપૂર હોય,
જરૂર છે એક એવા બ્લડની જેમાં અભિમાન અને ઈર્ષ્યાની સુગર પણ વધેલી ન હોય,
જરૂર છે એવા બ્લડની જેમાં ઈમાનદારીનું HDL કોલેસ્ટ્રોલ હોય પણ લોભનું LDL કોલેસ્ટ્રોલ ન હોય,
જરૂર છે એવા બ્લડની જેમાં હક્ક અને ફરજના હાર્મોન્સ બેલેન્સ હોય,
જરૂર છે એવા બ્લડની જેમાં વિશ્વાસઘાતના ક્લોટસ ન હોય,
જરૂર છે એવા બ્લડની જેમાં પોતાના માટે લડવાની હિંમત હોય
જરૂર છે એવા બ્લડની જેમાં કોઈ નકારાત્મકતા ન હોય,
જરૂર છે એવા બ્લડની જેમાં સકારાત્મકતા અને સમજણ હોય. શું તમારું બ્લડ આ એકદમ રેર ગ્રુપનું છે? તો જલ્દીથી સંપર્ક કરો, માણસાઈને બચાવવા તેની બહુ જ જરૂર છે. આજકાલ માણસ બનીને ફરતાં આપણે બધાં શું કોઈની પણ પાસે આ રેર બ્લડ છે, જે માણસની ઓળખ એવી માણસાઈને બચાવી શકે? આ વાંચીને બધા એક મિનીટ માટે થોભતા અને વિચારવા લાગતા કે શું મારું બ્લડ આવું છે?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.