ન્યુ જલપાઈગુડી: પશ્ચિમ બંગાળના ન્યુ જલપાઈગુડીમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. એક માલગાડીએ સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી. અથડામણને કારણે કંચનજંગા એક્સપ્રેસની ઘણા ડબ્બા પાટા પરથી ખરી પડ્યા હતા.આ અકસ્માત આજે તા. 17 જૂનને સોમવારે સવારે 9 વાગ્યાની આસપાસ થયો હતો.
માલગાડીએ તરત જ સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી હતી. તેના લીધે પેસેન્જરોએ બૂમાબૂમ કરી મુકી હતી. અથડામણને કારણે ટ્રેનના ડબ્બા હવામાં કેટલાય ફૂટ ઊંચા ઉછળ્યા હતા. પાંચથી છ લોકો ઘાયલ થયાના સમાચાર છે. નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેનું કહેવું છે કે તેમને ન્યૂ જલપાઈગુડીના રંગપાની ખાતે ટ્રેન અકસ્માતના સમાચાર મળ્યા છે. દુર્ઘટના બાદ ભારે વરસાદ વચ્ચે સ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
દાર્જિલિંગ પોલીસના એડિશનલ એસપી અભિષેક રોયે જણાવ્યું કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે 20થી 25 લોકો ઘાયલ થયા છે. સ્થિતિ ઘણી ગંભીર છે. આ ઘટના ત્યારે બની જ્યારે માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ દુર્ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે દાર્જિલિંગ જિલ્લામાં ટ્રેન દુર્ઘટનાના સમાચારથી તેઓ આઘાતમાં છે.
આ દુર્ઘટના અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ કહ્યું કે ઉત્તરપૂર્વ સીમા ક્ષેત્રમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રેલ્વે, NDRP અને SDRF સંકલનમાં કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
અહેવાલ છે કે કંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. રાહત અને બચાવ કામગીરી માટે જિલ્લા મેજિસ્ટ્રેટ, ડૉક્ટરો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.