નવી દિલ્હી: G7 સમિટમાં (G7 Summit) ભાગ લેવા ઇટલી ગયેલા પીએમ મોદીનું સ્વાગત વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ (Georgia Maloney) ઉષ્માભેર કર્યું હતું. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પોતાની પ્રથમ વિદેશ યાત્રા દરમિયાન પીએમ મોદીએ (PM Modi) વિશ્વના તમામ મોટા નેતાઓ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય બેઠકોમાં પણ ભાગ લીધો હતો. આ સમીટ દરમિયાન ઈટલીના વડાપ્રધાન મેલોનીએ પીએમ મોદી સાથે સેલ્ફી (Selfie) લીધી હતી.
વડાપ્રધાન મોદી અને જ્યોર્જિયા મેલોની વચ્ચેની દ્વિપક્ષીય બેઠકની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ દરમિયાન મેલોનીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેઓ પીએમ મોદી સાથે જોવા મળ્યા હતા. પીએમ મોદી સાથે હાથ મિલાવતી વખતે તેઓ 5 સેકન્ડના આ વીડિયોમાં કહે છે, ‘હેલો ફ્રોમ મેલોડી ટીમ.’
ઈટલીના પીએમ સાથેની મુલાકાત વિશે વડાપ્રધાન મોદીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ‘વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથેની મારી મુલાકાત ઘણી સારી રહી. G7માં ભાગ લેવા માટે ભારતને આમંત્રણ આપવા અને આ અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવા બદલ મેં તેમનો આભાર માન્યો. અમે વેપાર, ઉર્જા, સંરક્ષણ, ટેલિકોમ્યુનિકેશન અને અન્ય ક્ષેત્રોમાં ઇટાલી-ભારત સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી. આપણા દેશો જૈવ ઇંધણ, ખાદ્ય પ્રક્રિયા અને મહત્વપૂર્ણ ખનિજો સહિતના ભવિષ્યના ક્ષેત્રોમાં સહયોગ કરવાનું ચાલુ રાખશે.
G7 સમીટના નેતાઓ ગુરુવારે 13 જૂનના રોજ મળ્યા હતા. જેમાં યુએસ પ્રમુખ જો બિડેન, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલ સામેલ હતા. આ દરમિયાન ઓપનિંગ સેરેમનીમાં વિશ્વ નેતાઓએ કહ્યું કે વિશ્વના દક્ષિણ દેશોને સ્ટ્રોન્ગ મેસેજ આપવા માટે G7 સમિટ માટે ઇટલીને પસંદ કરવામાં આવ્યું છે.
જણાવી દઇયે કે આ પહેલીવાર નથી જ્યારે G7 દ્વારા ભારતને આમંત્રણ આપવામાં આવ્યું હોય. 2019 થી, ભારતને દર વર્ષે G7 માટે આમંત્રણ આપવામાં આવે છે. 2023માં જાપાન, 2022માં જર્મની, 2021માં યુકે અને 2019માં ફ્રાન્સ દ્વારા ભારતને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ 2020 માં યુએસએ ભારતને આમંત્રણ આપ્યું હતું પરંતુ કોવિડ -19 ને કારણે કોન્ફરન્સ રદ કરવામાં આવી હતી.