નવી દિલ્હી: ટી-20 વર્લ્ડકપના પહેલાં રાઉન્ડની છેલ્લી મેચ શનિવારે ફ્લોરિડામાં ભારત અને કેનેડા વચ્ચે રમાવાની છે. આ મેચ અંગે મોટું અપડેટ આવ્યું છે. એવા સંજોગો સર્જાયા છે કે કદાચ આ મેચ રમાય જ નહીં.
ભારતીય ટીમ અમેરિકા સામે ન્યુયોર્કના નાસાઉ ના ગ્રાઉન્ડ પર મેચ રમ્યા બાદ 1850 કિ.મી.નું અંતર કાપી ફલોરિડા પહોંચી ગઈ છે. પરંતુ ફ્લોરિડામાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના લીધે ફ્લોરિડામાં પૂર આવ્યું છે. આ અગાઉ ભારતીય ટીમે 14 જૂને એટલે કે આજે લોનડરહિલ ખાતે પ્રેક્ટિશ કરવાની હતી, પરંતુ વરસાદના લીધે ટ્રેનિંગ સેશન કેન્સલ કરવું પડ્યું છે. ફલોરિડામાં ભારે વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ ગયા છે. આ સમગ્ર અઠવાડિયું ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે ત્રણ દિવસ માટે ફ્લોરિડામાં ભારે વરસાદ અને પૂરનું એલર્ટ જારી કર્યું છે. શનિવારે પણ ફ્લોરિડામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. શનિવારે તા. 15 જૂનના રોજ ફ્લોરિડામાં વરસાદની 86 ટકા શક્યતા છે. તે જોતાં ભારત-કેનેડાની મેચ કેન્સલ થાય તેવી સ્થિતિ ઉદ્દભવી છે.
જોકે, મેચ રદ થાય તો પણ ભારતને કોઈ ફરક પડશે નહીં. કારણ કે પહેલાં રાઉન્ડની પહેલી ત્રણ મેચ ભારત જીતી ચૂકયું છે. આ સાથે જ ભારતે સુપર 8માં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે.
ફ્લોરિડામાં કેમ ભારે વરસાદ વરસી રહ્યો છે?
લોડરહિલ મિયામીથી લગભગ 50 કિ.મી. દૂર છે. ત્યાંના ઉષ્ણકટિબંધના તોફાનના લીધે ફલોરિડામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ ઉભી થઈ છે. બગડેલું વાતાવરણ ટી 20 વર્લ્ડકપના આયોજકો માટે મોટી ચિંતાનો વિષય બની ગયો છે.