Comments

કોરોના રસી – વિજ્ઞાન, રાજકારણ અને અર્થશાસ્ત્ર

જેમ ભારે વરસાદ આપણી જાહેર સેવાઓની પોલ ખોલી નાખે છે તેમ કોરોના મહામારીએ આપણી જાહેર વ્યવસ્થાઓની અનેક પોલ ખોલી નાખી છે. જેનાં સ્પષ્ટ લક્ષણો પરખાયાં નથી અને જે લક્ષણો દેખાયાં છે તે એકધારાં સર્વસામાન્ય થયાં નથી, સાતત્યનો અભાવ જોવા મળ્યો છે તેવો રોગ કોરોના ખૂબ અપલક્ષણો પુરવાર થયો છે અને કોરોનાનાં અપલક્ષણોમાં એક મહત્ત્વનું અપલક્ષણ એ છે કે તે બધાને અંદરોઅંદર ઝઘડાવે છે.

Close-up medical syringe with a vaccine.

કોરોનાના કારણે ચીન અને અમેરિકા વચ્ચે વિવાદ થયો. અમેરિકા અને વિશ્વ આરોગ્ય સંસ્થા વચ્ચે વિવાદ થયો.  ભારતમાં કેન્દ્ર અને રાજય વચ્ચે વિવાદ થયો. કોમ-કોમ વચ્ચે પણ વિવાદ થયો. પોલીસ અને પ્રજા વચ્ચે પણ સંઘર્ષ થયા અને મીડિયાએ બહુ ધ્યાનમાં ન લીધું પણ આ રોગ માટે વૈજ્ઞાનિકો વચ્ચે પણ વિવાદ થયો છે. એટલે બધાને ઝઘડાવવા એ આ રોગનું મહત્ત્વનું લક્ષણ છે જાણે!

ડિસેમ્બર’ 19 માં કોરોના વાયરસ ચીનના વુહાનમાં ફેલાયો ત્યારથી આજ સુધી વૈજ્ઞાનિકો અને મેડીકલ ક્ષેત્રના તજજ્ઞોમાં પણ વ્યાપક વિવાદો થયા, ચર્ચાઓ થઇ જે આજે ઇંગ્લેન્ડમાં કોરોનાનો નવો સ્ટેન પકડાયો તે વધુ ખતરનાક વધુ ચેપી છે કે નહીં તે બાબતે પણ ચાલુ છે.

વિજ્ઞાનની શાખાઓ અને તેના વિશિષ્ટીકરણમાં માઇક્રોબાયોલોજીસ્ટ અને વાયરોલોજીસ્ટ મતલબ કે સૂક્ષ્મ જીવશાસ્ત્રના લોકો અને ખાસ વાયરસ પર જ શોધ કરનારા લોકોના મત જુદા પડી રહ્યા છે. વળી મીડિયામાં પ્રસિધ્ધિ માટે ઝડપભેર વીડિયો બનાવી અધૂરી માહિતી ફેલાવનારાથી તમામ શુદ્ધ વિજ્ઞાનવાદીઓ નારાજ છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે ડરેલી પ્રજાને ડરાવો નહીં! પૂરતા વિશ્લેષણ વગર તારણો અને ભયાનક કલ્પનાચિત્રોનાં વર્ણનો ટેકનોલોજીના સહારે વહેતાં ન કરો!

એક તરફ કોરોનાએ વિજ્ઞાન અને તબીબી જગત સામે ચેલેંજ ઊભી કરી છે તો બીજી તરફ કોરોનાએ રાજનીતિ અને વ્યાપારના અર્થશાસ્ત્રને પણ ગતિશીલ બનાવ્યું છે.

દુનિયાભરમાં કોવિડ-19 નો અનુભવ બતાવે છે કે જે દેશના રાજનેતાઓ અને પ્રજા વૈજ્ઞાનિક અને આરોગ્ય ક્ષેત્રના તજજ્ઞોની સલાહ મુજબ ચાલ્યા ત્યાં આ મહામારીએ ઓછું નુકસાન કર્યું અને જયાં પ્રજા અને નેતાઓ વિજ્ઞાન અને આરોગ્યવિષયક ચેતવણીથી ઉપર ગયા ત્યાં મહામારી વધારે ગંભીર બની.

સમાચાર છે કે વેકસિન આવ્યા પછી અને ઝડપી રસીકરણ માટે ઇંગ્લેન્ડે પહેલ તો કરી, પણ કોરોના રસીના બે ડોઝ આપવાથી પૂર્ણ રોગપ્રતિકારક શકિત વિકસે છે તે સમાચાર સાથે ઇંગ્લેન્ડમાં હાલ એક જ ડોઝ અપાઇ રહ્યો છે. સ્વાભાવિક રીતે જ વેકિસનના નંગ ઓછા છે, વસ્તી વધારે છે.

એટલે વધુ લોકોનું રસીકરણ કરવાની ઉતાવળમાં એક જ ડોઝ હાલમાં અપાઇ રહ્યો છે. જયાં જરૂર હશે ત્યાં જ બીજો ડોઝ આપવાનો છે. હવે વિજ્ઞાનિકો, તબીબોને ડર છે કે જો એક જ ડોઝ પ્રાપ્ત વ્યકિતના શરીરમાં વાયરસ આ રસીથી ઇઝી ટુ થઇ જાય અને તે અન્યને સંક્રમણ ફેલાવે તો તે વધારે ચિંતાજનક બનશે! આ છે શાસન અને રાજનીતિનો નમૂનો.

ભારતમાં સ્વદેશી વેકિસનને મંજૂરી આપવા સાથે રાજનીતિ પણ તેજ થઇ છે. જો કે વેકિસનના ઝડપી ટ્રાયલ અને મંજૂરીનો વિવાદ માત્ર ભારતમાં નથી. દુનિયા આખી છે. કોરોના શરૂઆતના બે મહિના રોગ હતો પણ ઇલાજ વગરના આ રોગની વેકિસન બનાવવા માટે અબજો ડોલરનું રોકાણ થયા પછી તે હવે મોટું બજાર છે.

આ રોકાણ પછી હવે કોરોના એમને મટી જાય તે કોઇને પાલવે તેમ નથી. ઝડપથી મંદી અને અસરકારક માંગના અભાવ તરફ ધસી જતા દુનિયાના અર્થતંત્રને કોરોનાએ બુસ્ટર ડોઝ આપ્યો છે. વિશ્વમાં હવે કોરોના રસીનું જ મોટું બજાર છે. જરા યાદ કરો. રશિયાએ તો ત્રણ મહિના પહેલાં જ રસી શોધી પણ નાખી અને દેશમાં રસીકરણ શરૂ પણ કરી દીધું પરંતુ પશ્ચિમી બજારોમાં રશિયાની રસીને ઘૂસવા દેવાની નથી.

જો માત્ર રોગની જ ચિંતા હોય, પ્રજાના આરોગ્યનો જ પ્રશ્ન હોય તો દુનિયાના દેશોમાં રશિયાની રસી વહેંચાવા-વેચાવા લાગી હોત. પણ ના. અમેરિકાની કંપની અને ઇંગ્લેન્ડની કંપનીની જ રસી વેચવાની છે! વળી રશિયા પાસે તેના મિત્ર રાષ્ટ્રોનું બજાર છે એટલે તેને આ બજારમાં વેચવાની પડી પણ નથી.

રસીને મંજૂરી આપવાની પ્રક્રિયામાં ઉતાવળ કે ઝડપ માત્ર ભારતમાં જ નથી થઇ. દુનિયાભરમાં થઇ છે. કોઇ પણ રોગની રસીને બજારમાં મૂકવાની જે પરંપરાગત પ્રક્રિયા અને સમય છે તેના કરતાં ત્રીજા ભાગમાં જ કોરોનાની રસીને મંજૂરી અપાઇ છે. ભારતની રસીમાં પણ ત્રીજા તબકકાનું નિરીક્ષણ એ વેકસિનેશનનું પ્રથમ તબકકાનું પરીક્ષણ છે તેવું ઘણા માને છે.

આજે દરેક દેશના સત્તાવાળા પ્રજાને એ બતાવવા માંગે છે કે અમને તમારી ચિંતા છે. અને આ ચિંતા માટે જ આ નિયમોમા બાંધછોડ થઇ છે. ઝડપ થઇ છે. ઉતાવળ થઇ છે. વળી અમીર રાષ્ટ્રોમાં કોરોના સંક્રમણ અને મૃત્યુઆંકના આંકડા વચ્ચે ગરીબ દેશોમાં કોરોનાની સ્થિતિનો ટૂંકો અહેવાલ પણ પ્રસિધ્ધ થતો નથી. દુનિયા જાણે બે ભાગમાં વહેંચાઇ ગઇ છે. રોગનું મહત્ત્વ પણ એ કોને થાય છે તેના પર છે.

દુનિયા આખીમાં મૂળભૂત માનવકલ્યાણની નિસ્બતને સ્થાને અવસર આવ્યો છે તો ધંધો કરી લઇએ ની નીતિ મહત્ત્વની બનતી જાય છે. વાજતે-ગાજતે વરઘોડા સાથે વેકિસન આપવાના કાર્યક્રમો પણ કદાચ યોજાશે! આ મહામારી છે કે મહાઉત્સવ એ જ નકકી કરવું મુશ્કેલ બનતું જાય છે.

            -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top