વડોદરા: બેકાર દિયર માટે ડી.જે. સિસ્ટમ લાવવા માટે પિયરમાંથી રૂપિયા બે લાખ નહીં લાવે તો, ઘરમાં કામવાળી તરીકે રહેવું પડશે. તેમ કહી અવારનવાર ત્રાસ ગુજારતા પતિ અને સાસરીયાઓ સામે પરિણીતાએ મહીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વર્ષ-૨૦૧૮માં શહેરના ફતેપુરા વિસ્તારમાં રહેતી રીટાબેન(નામ બદલ્યું છે)નું લગ્ન આજવા રોડ ઉપર ૧૪૫, સુરભી પાર્ક સોસાયટીમાં રહેતા નિતીન રાજેશભાઇ સોલંકી સાથે સમાજના રીતીરીવાજ મુજબ થયું હતું. લગ્નના એક માસ સુધી દાંમ્પત્ય જીવન સારી રીતે ચાલ્યું હતું. ત્યાર બાદ પતિ, સાસુ, સસરાએ રીટાને જણાવ્યું હતું કે, મયંક બેરોજગાર છે.
તેના માટે ડી.જે. સિસ્ટમ લાવવાની છે. જેથી પિયરમાંથી રૂપિયા ૨ લાખ લઇ આવવા દબાણ શરૂ કરીને ત્રાસ આપવાની શરૂઆત કરી હતી.પિયરમાંથી રૂપિયા ૨ લાખ લાવવા માટે દબાણ કરી રહેલા પતિ તથા સાસરીયાઓને જણાવ્યું કે, મારા પિતા રીક્ષા ચલાવીને માંડ ઘરનું ગુજરાન ચલાવે છે.
તે કેવી રીતે બે લાખ આપશે. મારાથી પિયરમાંથી રૂપિયા લવાશે નહીં. તેમ જણાવતા પતિ તથા સાસુ જયશ્રીબહેને જણાવ્યું કે, જો તું પિયરમાંથી રૂપિયા ૨ લાખ નહીં લાવે તો ઘરમાં તારે કામવાળી તરીકે રહેવું પડશે. અને અમારો ત્રાસ સહન કરવો પડશે.ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, પતિ નિતીન તથા સાસુ મને મારા ઘરે ફોન ઉપર વાત પણ કરવા દેતા ન હતા.
ફોન કરું ત્યારે ફોનનું સ્પિકર ચાલુ રખાવીને વાત કરાવતા હતા. પતિ અને સાસુ કહેતા હતા કે, તું મારા ઘરની વાતો તારા મા-બાપને કહે છે અને અમારા ઘરની આબરું બગાડે છે. આ ઉપરાંત શાકભાજી રીટાબેન શાકભાજી લેવા જાય ત્યારે પણ પતિ અને સાસુ શંકા રાખતા હતા અને વોચ ગોઠવી દેતા. એતો ઠીક રસોડામાં કામ કરું ત્યારે સાસુ છુપાઇને આવી જતા હતા. અને દાળ-ચોખા ભેગા કરી દેતા હતા.
અને રીટા ઉપર દાળ-ચોખા ભેગા કરીને બગાડ કરે છે. તેવો આક્ષેપ મૂકીને પતિ પાસે માર મરાવતા હતા. રીટાબેન કપડા ધોવા બેસે ત્યારે સાસુ સાબુ ચોકડીમાંથી બહાર ફેંકી દેતી હતી અને સાબુ ફેંકી દીધો હોવાનો આક્ષેપ કરીને પતિ સાથે માર મરાવતી હતી. પરિણીતા રીટાબેને ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, વર્ષ-૨૦૧૯માં રાત્રે ૨ વાગે પતિએ ઢોર માર માર્યો હતો. અને પરિણીતાના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે, તમારી દીકરીને લઇ જાવ, નહીં તો ચામડી ઉતારી નાંખીશું. તેવી ધમકી આપી હતી. .