SURAT

ઓનલાઈન ડેટા એન્ટ્રીની કામગીરીના બહિષ્કારની શિક્ષકોની ચીમકી

સુરત: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર મારફતે જુદી-જુદી એપ્લીકેશન દ્વારા વારંવાર જુદા-જુદા પ્રકારના ઓનલાઈન ડેટા મંગાવવામાં આવે છે. જેના કારણે શિક્ષણ ઉપર સીધી અસર થાય છે. આ ડેટા આપવાથી ચાલુ શિક્ષણને અસર થાય છે. વળી ડેટાનો ઉપયોગ જ્યારે કરવાનો હોય છે ત્યારે રીયલ ટાઈમ ડેટા શાળા સુધી મળતો નથી જેના કારણે મેન્યૂલી ડેટા બનાવવાની ફરજ પડે છે.

આ મુશ્કેલીની સીધી અસર બાળકોના શિક્ષણ કાર્ય પર પડે છે. શિક્ષકો ઉપર આ દબાણના કારણે પારિવારિક અને સામાજિક જીવન પર પણ અસર થાય છે. વારંવાર ટેકનિકલ ખામીને કારણે અમુક ડેટા તો ડબલ વખત નાખવાની પણ ફરજ પડે છે. જુદા-જુદા ઓનલાઈન પોર્ટલની મર્યાદાને કારણે ઘરે જઈને પારિવારિક સમયની વચ્ચે આ કામગીરી કરવી પડે છે.
આ ડેટા એન્ટ્રીની કામગીરીના લીધે શિક્ષકો હેરાન પરેશાન થઈ ગયા છે. વળી, તેમની તકલીફ અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વારંવાર મેઈલ કે ફોન કરતાં કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી. જો માહિતી મોકલી આપે તો પણ અધૂરી વિગતો સાથેની હોય છે.

સરકાર દ્વારા શિક્ષકો ના પગાર અને પ્રોફાઈલ માટે SAS સોફ્ટવેરનો ચાર્જ શિક્ષકો પાસે વસૂલવામાં આવે છે. મહેસાણાની પ્રાયવેટ સોફ્ટવેર કંપની દ્વારા શિક્ષકોની જુદી-જુદી મંડળીઓ પાસે પ્રત્યેક શિક્ષક દીઠ વાર્ષિક 35 રૂપિયા લેખે ચાર્જ વસુલ કરવામાં આવે છે. સરકાર દ્વારા આવી કોઈ જોગવાઈ કરાઈ નથી, છતાં મહેસાણાની પ્રાઇવેટ સોફ્ટવેર કંપનીને આ ચાર્જ રાજ્યની મંડળીઓ ચૂકવે તે ગેરવ્યાજબી છે.

ઓનલાઈન કાર્ય એ સૌની સરળતા અને કાર્યની ચોકસાઈ વધારી નક્કર પરિણામો મેળવવા માટે હોય છે તો આ બાબતે યોગ્ય નિર્ણય કરી અમારી ઓછામાં ઓછું શિક્ષણ કાર્ય બગડે અને શિક્ષકો પરેશાન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા નમ્ર વિનંતી છે. જો આ બાબતે અમને પરિણામ નહીં મળે તો અમારે કોઈપણ પ્રકારનો ઓનલાઈન ડેટા નહીં આપવાની ફરજ પડશે અને બહિષ્કાર કરવો પડશે.

છેલ્લી ઘડીએ રિઝલ્ટ શિક્ષકોએ જાતે બનાવવા પડ્યા
પરિશિષ્ટ-A અને વ્યક્તિત્વ વિકાસની પ્રથમ સત્રમાં એન્ટ્રી કરાવવામાં આવી. એવું કહેવામાં આવ્યું કે ઓનલાઇન એન્ટ્રીથી પરિણામ પ્રિન્ટ કરી શકાશે પણ બીજા સત્રમાં કોઈ પણ જાતની સ્પષ્ટતા વગર બને પત્રકની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી. શિક્ષકો અંતિમ દિવસ સુધી રાહ જોઈ રહ્યા અને જાતે પરિણામ બનાવવા મજબૂર બન્યા. શિક્ષકોની મહેનત માથે પડી. જે માટે જવાબદારો સામે પગલાં લેવામાં આવે.

શિક્ષકો અને બાળકોને હેરાન કરાતા હોવાનો આક્ષેપ
GCERT દ્વારા દરેક વિષય માટે પરીક્ષાના પ્રશ્નપત્રનું માળખું નક્કી કરવામાં આવ્યું છે તેમ છતાં અન્ય માધ્યમોમાં મનસ્વી રીતે વિષયો બતાવી ઓનલાઇન એન્ટ્રી બાકી છે તે દર્શાવી સતત પરેશાન કરવામાં આવ્યા છે. ORFના નામે કાર્યક્રમ અમલમાં મૂકી દરેક બાળકોનું વાચન રેકોર્ડ કરવા માટે જણાવવા આવ્યું. શિક્ષકે વિદ્યાર્થીના મો સામે મોબાઈલ રાખીને બાળકને વંચાવવા મજબૂર કર્યા. બાળકોને પરેશાન કરવામાં આવ્યા.

ઓનલાઇન એન્ટ્રીની કરાવવાની ઘેલછામાં બાળકો અને શિક્ષકોના અનેક કલાકો વેડફવામાં આવ્યા. સર્વરની ખામીના લીધે શિક્ષકો નો સમય બગાડવામાં આવ્યો અને આ ડેટા આજ સુધી અમને મળેલ નથી જેથી શિક્ષણની ગુણવત્તા માટે વાપરી શકીએ. તો આવા ડેટા કે કાર્યક્રમો જેના પરિણામો જ નથી અપાતા કે શિક્ષણના વિકાસ માટે ઉપયોગ નથી કરાતા અને માત્ર શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સહુનો સમય જ વેડફાઈ તેને બંધ કરવામાં આવે.

અધ્યયન નિષ્પત્તિ સમયસર માહિતી પહોંચાડતા નથી
અધ્યયન નિષ્પત્તિ મુજબ કામગીરી કરાવવાનો અવકાશ હોવા છતાં એક પણ વખત સમય મર્યાદામાં સચોટ અધ્યયન નિષ્પતિ શિક્ષકો સુધી કે બાળકો માટેની માહિતી પહોંચાડી શકતા નથી અને વિશેષમાં સત્ર પૂરું થાય તે સમયે ઉપચારાત્મક શિક્ષણ કરવા જણાવાય છે જે બિનઉપયોગી અને પરીક્ષા સમયે શિક્ષણ કાર્ય અને પરીક્ષાના કાર્યમાં અવરોધ રૂપ થાય છે.

ઓનલાઇન હાજરી પુરવા માટેના પોર્ટલ છાશવારે બદલી દેવામાં આવે છે મોબાઈલ ના કેટલાક મોડેલમાં એપ્લિકેશન ડાઉનલોડ થતી નથી શિક્ષકોએ હેરાન થવું પડે છે નવા ફોન ખરીદવા મજબૂર થવું પડે છે. તો આ બાબતે ઓનલાઈન હાજરી બંધ કરવા વિનંતી.

Most Popular

To Top