Charchapatra

કડવો સરગવો

એક દિવસ બપોરના સમયે ચાર પાંચ દાદીમાઓ મારી ઓફિસમાં આવીને કહે સાહેબ, આ બહારનો સરગવો છે એ કપાવી નાંખો ,બહુ જ કચરો પડે છે.  શાળા પરિસરની બહાર અનાયાસે ઊગી ગયેલો સરગવો છે, એ કડવો છે પણ ભરપૂર માત્રામાં સિંગ લાગે પણ એને કોઈ અડે નહીં. વળી આ સરગવાનો વિકાસ બહુ જ ઝડપી એટલે ખૂબ મોટો અને ઘટાદાર સરગવો થયો છે. પણ આ બધાને આ સરગવો નડે છે એના છાંયડામાં ગાડીઓ પાર્ક થાય, પણ એનો જે પાલો પડે એ એમને નડે છે.

પણ જો આ સરગવો મીઠો હોત તો એમને વાંધો ન હતો. તો તો એની સિંગ માટે પડાપડી થાત.પણ આની સીંગ તો કડવી એટલે એમના કંઈ કામની નહીં. એટલે આ સરગવો એમને નડતરરૂપ લાગે છે.  વૃક્ષોને આપણે  માત્ર આપણી  દેખીતી ઉપયોગિતાના સંદર્ભમાં જ મૂલવીએ છીએ. ખરેખર તો એક પણ એવું ઝાડ નથી જે આપણને ઉપયોગી નથી. કેટલાંક ઝાડનાં ફળ આપણને કામમાં ન આવે તો પણ એ આપણને ભરપૂર માત્રામાં ઓક્સિજન તો આપે જ છે, એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ તો ઓછો કરે જ છે.

એના પર કંઈ કેટલાય જીવજંતુ અને પક્ષીઓ આશ્રય પામે છે. પરંતુ આ બધાનું આપણને કોઈ મૂલ્ય નથી. આપણને મૂલ્ય છે માત્ર ને માત્ર આપણી સગવડનું  એટલે આ કડવો સરગવો કાપી નાખો એવી માંગણી થઈ. અલબત્ત મેં ખૂબ ધીરજથી આખી વાત સમજાવી કે આટલું મોટું ઝાડ કાપી નાખવું એ બરાબર નથી. એનાં પણ ઘણાં ઔષધિય ગુણો છે. વળી આ બળબળતી ગરમીમાં એનો ઘટાદાર છાંયડો ગરમીને ખાળે છે.હજી સુધી તો સરગવો ઊભો છે પણ એ ક્યારે વધેરાઈ જાય એનું કંઈ નક્કી નહીં.
સુરત     – પ્રકાશ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આટલું બધું નકલી તો અસલી સરકાર શું કરે છે?
નકલી પોલીસ, નકલી પોલીસ કચેરી, નકલી જકાતનાકાથી માંડી અનેક ‘નકલી’ની વિગતો બહાર આવે છે. સવાલ એ છે કે તો અસલી-નકલી વચ્ચેનો ભેદ કેમ કરવો? સરકાર જ આ ભેદ કરી આપે. જો કે ડર એવો છે કે અસલી-નકલી જૂદા પાડનારું તંત્ર પણ નકલી હોઈ શકે. પ્રશ્ન તો એવો પણ થાય કે જે ‘નકલી’ એ આપણી સાથે કારભારી કર્યા હોય અને તેથી આપણને જે નુકસાન થયું હોય, ખોટા દસ્તાવેજ થયા હોય અને તેના આધારે જે ખોટું થયું હોય તેની જવાબદારી સરકારી તંત્ર લેશે ખરું? એ તંત્ર સાવધાન ન હોવાના કારણે નકલી જો અસલી બનીને છેતરી જાય તો જવાબદારી સરકારની જ બને. આ કેવા પ્રકારની સરકાર છે જયાં આખેઆખી નકલી કચેરીઓ શરૂ થઇ જાય છે ને તંત્રને ખબર પણ નથી પડતી?
કઠોર     – રમણભાઇ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સૃષ્ટિના સર્જન માટે કુદરતી કામાવેગ અનિવાર્ય છે
સ્ત્રી પુરુષના સંવનનમાં પહેલ કરનાર પુરુષ ત્વરિત ઉત્તેજીત થાય છે. કામાતુરાણામ્ ન ભયમ્ ન લજ્જા. ક્યારેક સ્થળ સુધ્ધાનું ભાન ભૂલી જાય છે. મેનકાએ સૃષ્ટિનું તપોભંગ કરવા એક માત્ર હથિયાર કામાવેગના શસ્ત્રનો ઉપયોગ કર્યો.સૃષ્ટિના સર્જન અને વિસર્જન માટે આ એક પરિબળની અવજ્ઞા કરી શકાય એમ નથી. ખાસ કરીને ગલગલિયાં કરાવનાર પોનોગ્રાફીમાં પુરુષ પહેલ કરે છે, પછી બીજા સ્થાને સ્ત્રી છે.
અડાજણ          – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top