નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળ્યા બાદ નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ની સાથે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા બ્લોક પણ દિલ્હીમાં સતત બેઠકો યોજી રહ્યા છે. આજે નરેન્દ્ર મોદી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે મોદી 9 જૂને વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે.
તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ ત્રીજી વખત બહુમતી મેળવી છે. એનડીએ ગઠબંધનને 292 બેઠકો મળી છે. જો કે, ભાજપ એકલા બહુમતીના આંક (272)ને સ્પર્શી શક્યું ન હતું અને માત્ર 240 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. વિપક્ષી ઈન્ડિયા બ્લોકે 234 સીટો જીતી છે.
નરેન્દ્ર મોદીને NDA સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાજનાથ સિંહે આજે શુક્રવારે જૂના સંસદ ભવનમાં એનડી સંસદીય દળની બેઠકમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ દરમિયાન આ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ દરમિયાન ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ મંચ પર હાજર હતા.
આ દરમિયાન બીજેપી સાંસદ રાજનાથ સિંહે કહ્યું, હું તમામ નવા ચૂંટાયેલા સાંસદોને અભિનંદન આપવા માંગુ છું. આજે અમે અહીં NDAના નેતાની પસંદગી કરવા આવ્યા છીએ. હું માનું છું કે આ તમામ પદો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સૌથી યોગ્ય છે.
અમિત શાહે કહ્યું, આ પ્રસ્તાવ માત્ર અહીં બેઠેલા લોકોની ઈચ્છા નથી. દેશના 140 કરોડ લોકોનો આ પ્રસ્તાવ છે. આ દેશનો અવાજ છે કે પીએમ મોદી આગામી 5 વર્ષ માટે દેશનું નેતૃત્વ કરે. એનડીએ સંસદીય દળની બેઠકમાં ભાજપના સાંસદ નીતિન ગડકરીએ નરેન્દ્ર મોદીને લોકસભાના નેતા અને ભાજપ અને એનડીએ સંસદીય પક્ષોના નેતા તરીકે નામાંકિત કરવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.