ભરૂચ: ભરૂચ જિલ્લામાં ભાજપની જીત બાદ ભાજપ મીડિયા કન્વીનરે કઠિતપણે ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ સોશિયલ મીડિયાના ગ્રુપમાં મૂકતાં વિવાદ સર્જાયો હતો. જેને લઈ બી ડિવિઝન પોલીસમથકમાં લેખિત અરજી આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
- ભરૂચ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનરે ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ કરતાં વિવાદ
- હિન્દુ સમાજના આગેવાનોએ પોલીસમથકમાં અરજી આપી કાર્યવાહી કરવાની માંગ કરી
ભરૂચ જિલ્લા ભાજપના મીડિયા કન્વીનર ભારત ચુડાસમાએ જય કુબેર નામના વોટ્સએપ ગ્રુપમાં એક પોસ્ટ મૂકી હતી, જેમાં “હિન્દુઓ જાગૃત નહીં થાય તો ગોળ ટોપી પહેરવી પડશે.” એમ લખ્યું હતું. જેને લઈ જિલ્લાના હિન્દુ અને મુસ્લિમ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. બંને સમાજના લોકોએ તેમની આવી માનસિકતા સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. હિન્દુ સમાજના જ કેટલાક લોકોએ ભરૂચ બી ડિવિઝન પોલીસમથકે આ મુદ્દે અરજી આપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. આ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે, આ બાબત મારા ધ્યાને આવી નથી. હું તપાસ કરીશ, જેમાં જો પોલીસ ફરિયાદ થઇ હોવાનું જણાશે તો ચોક્કસ પગલાં લઈશું.