વારસાઈ નોંધ કરાવવા માટે અરજદાર પાસે લાંચ ની માંગણી કરી, વડોદરા એસીબીએ ટ્રેપ ગોઠવી શબ્બીર દિવાનને દબોચ્યો
પ્રતિનિધિ વડોદરા તા. 6
કરજણ તાલુકા સેવાસદનમાં નાયબ મામલતદારને રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગે હાથ એસીબીની ટીમે ઝડપી પાડયો હતો.અરજદાર પાસે વારસાઈ નોંધ કરાવવા માટે લાંચની માંગણી કરી હતી.
સરકારી અધિકારીઓ દ્વારા વારંવાર અરજદારો સાથે વિવિધ કામ કરાવવા માટે લાંચ ની માંગણી કરવામાં આવતી હોય છે જેમાં ઘણા સરકારી બાબુઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે. કરજણ તાલુકા વિસ્તારમાં રહેતા અરજદારને વારસાઈ નોંધ કરાવવાની હોય તાલુકા સેવાસદનમાં ગયા હતા. સેવા સદનમાં અરજદાર નાયબ મામલતદાર સબીર દીવાનને મળ્યા હતા અને વારસાઈ નોંધ કરાવવા માટેની વાત કરી હતી. ત્યારે નાયબ મામલતદારે વારસાઈ નોંધ કરાવવા માટે અરજદાર પાસે 10 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. પરંતુ અરજદાર લાંચ ની રકમ આપવા માંગતા ન હોય તેઓએ વડોદરા એસીબી ની ટીમનો સંપર્ક કર્યો હતો. જેથી આજે ગુરુવારે એસીબીની ટીમે કરજણ તાલુકા સેવાસદનમાં ટ્રેપ ગોઠવી હતી. દરમિયાન અરજદાર નાયબ મામલતદાર સબીર દીવાન અને લાંચની રકમ 10 હજાર રૂપિયા આપવા માટે તેની કચેરીમાં આવ્યા હતા અને અરજદાર પાસેથી લાંચ લેતા રંગે હાથ સબીર દીવાનને ઝડપી પાડ્યા હતા. એસીબીએ કરેલી ટ્રેપના કારણે તાલુકા સેવાસદનમાં સરકારી અધિકારીઓમાં પણ ફ્ફડાટ ફેલાઈ ગયો હતો.