SURAT

કામરેજ વલથાણના ખેડૂતોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરી પર કર્યું વિરોધ પ્રદર્શન, આ છે માંગણી

સુરત: આજે ગુરુવારે તા. 6 જૂનની સવારે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોનું એક જૂથ વિરોધ પ્રદર્શન કરવા આવી પહોંચ્યું હતું. જાન દેંગે, જમીન નહીં દેંગે જેવા સૂત્રો સાથે આ ખેડૂતોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરીને ગજવી મુકી હતી.
આ ખેડૂતો સુરતના કામરેજ નજીકના વલથાણ ગામના છે. તેમના ગામના ખેતરોમાંથી પાવર ગ્રીડ વીજ લાઈન પસાર થવાની છે. અહીં સરકાર 1885 ટેલિગ્રાફ એક્ટ હેઠળ વીજ લાઈન ઊભી કરવા જઈ રહી છે. તે માટે સરકાર ખેડૂતોની જમીન સંપાદનમાં લઈ રહી છે. તેની સામે ખેડૂતોનો વિરોધ છે.

  • સુરત કામરેજના વલથાણના ખેડૂતોનો પાવર ગ્રીડ વીજ લાઈન સામે વિરોધ
  • ખેડૂતો રેલી સ્વરૂપે સુરત કલેકટર કચેરી રજૂઆત માટે પહોંચ્યાં
  • મંજૂરી વિના જ ખેતરોમાં ઊભા પાકને નષ્ટ કરી વીજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ
  • ખેડૂતોને ધાકધમકી આપી અધિકારીઓ દ્વારા બળજબરી પૂર્વક 765 KV ની વીજ લાઈન ઊભી કરવાના પ્રયત્નો
  • જિલ્લાના 5 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી કલેકટરને રજૂઆત કરી
  • જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઈન નાખવા ખેડૂતોની માંગ

ખેડૂતો આજે સવારે રેલી સ્વરૂપે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા. જિલ્લાના 5 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં આ રેલી, વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

ખેડૂતોનો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સામે વિરોધ છે. તેઓ છેલ્લાં ઘણા સમયથી વિરોધ કરી રહ્યાં છે. આજે ખેડૂતોએ આક્ષેપ કર્યો કે અમારા ખેતરોમાંથી ગેરકાયદે રીતે વીજ લાઈન પસાર કરવામાં આવી રહી છે. ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરોમાં ઉભા પાકને નષ્ટ કરી વીજ લાઈન નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે.

અધિકારીઓ દ્વારા ખેડૂતોને ધાકધમકી આપી બળજબરીપૂર્વક 765 કેવીની વીજ લાઈન ઉભી કરવામાં આવી રહી છે. ખેડૂતોની કિંમતી જમીન પર વીજ લાઈન ઉભી કરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ખેડૂતોએ આજે સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી જમીન સંપાદનના કાયદાનું પાલન કરી નિયમ મુજબ વીજ લાઈન નંખાય તેવી માંગણી કરી છે.

Most Popular

To Top