લોકસભા ચૂંટણીના (Loksabha Election) ટ્રેન્ડ મુજબ ભાજપ (BJP) એકલા હાથે સરકાર બનાવતી દેખાઈ રહી નથી. જોકે એનડીએ બહુમતનો આંકડો પાર કરી ગયું છે. લોકસભા ચૂંટણીમાં 400નો આંકડો પાર કરવાનો નારો આપી રહેલી ભાજપને ઝટકો લાગ્યો છે. ભાજપ પોતાના દમ પર સરકાર બનાવે તેવું દેખાતું નથી. ચૂંટણી પંચના ડેટા અનુસાર ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) બહુમતથી ઉપર છે પરંતુ 300 ના આંકડાની નીચે અટકી જાય તેવું તેખાઈ રહ્યું છે. જ્યારે ઇન્ડી એલાયન્સ અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે. ઇન્ડી ગઠબંધનના જબરજસ્ત પ્રદર્શનને લઈને રાજકીય પીચ પર રાહુલ ગાંધીનું કદ વધી ગયું છે. સાથે ભાજપની બાજી પલટાવવામાં અખિલેશનો પણ મોટો ફાળો દેખાઈ રહ્યો છે. ચંદ્રબાબુ નાયડૂ પણ આ વખતે ચમક્યા છે જ્યારે ઉદ્ધવ ઠાકરે આશ્ચર્યજનક રૂપથી આગળ વધ્યા છે.
ઉત્તર પ્રદેશમાં સપાનું અદભૂત પ્રદર્શન
સીટોની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ ભાજપ માટે સૌથી સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. જો કે હવે આ રાજ્યમાં તેને સૌથી મોટી સ્પર્ધાનો સામનો કરવો પડ્યો છે. જો આપણે તાજેતરના મત ગણતરીના આંકડાઓ પર નજર કરીએ તો, ઉત્તર પ્રદેશની 80 બેઠકોમાંથી ભાજપ 34 બેઠકો પર, સપા 35 પર, કોંગ્રેસ 7 પર અને RLD 2 પર આગળ છે.
પશ્ચિમ બંગાળમાં મોટો આંચકો
છેલ્લી લોકસભા ચૂંટણી 2019માં ભાજપે પશ્ચિમ બંગાળમાં 18 બેઠકો જીતી હતી. ભાજપને આશા હતી કે આ ચૂંટણીમાં પાર્ટીને 25થી વધુ બેઠકો મળશે. જો કે તૃણમૂલ કોંગ્રેસે અહીં ભાજપને મોટો ઝટકો આપ્યો છે. તાજેતરના આંકડાઓ અનુસાર રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ 31 બેઠકો પર ભાજપ 10 અને કોંગ્રેસ 1 બેઠક પર આગળ છે.
કોંગ્રેસે હરિયાણામાં સ્પર્ધા આપી
હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. છેલ્લી 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની તમામ 10 બેઠકો જીતી હતી. જો કે આ ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપી છે. રાજ્યમાં મત ગણતરીના તાજેતરના આંકડાની વાત કરીએ તો કોંગ્રેસ 5 બેઠકો પર ભાજપ 4 પર અને આમ આદમી પાર્ટી 1 બેઠક પર આગળ છે.
મહારાષ્ટ્રમાં પણ આંચકો
મહારાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીને જોરદાર ફટકો પડ્યો છે. રાજ્યમાં ભાજપ 13 સીટો પર, શિવસેના 6 અને એનસીપી 1 સીટ પર આગળ છે. બીજી તરફ કોંગ્રેસ 11 બેઠકો પર આગળ છે. શિવસેના UBT 11 બેઠકો પર અને NCP શરદ પવાર 6 બેઠકો પર આગળ છે.
આ નેતાઓનાં વાયદા સાચા પડ્યા
રિઝલ્ટના એક દિવસ પહેલા ઇંડિ ગંઠબંધને એક્ઝીટ પોલને ખોટા ગણાવતા કહ્યું હતું કે આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન રિઝલ્ટ આવ્યા બાદ જ ખબર પડશે અને તેવું જ થયું. ઇંડિના જોરદાર પ્રદર્શન સાથે રાહુલ ગાંધીનું કદ વધી ગયું છે. કોંગ્રેસ પાસે 2014માં 44 અને 2019માં 52 બેઠકો હતી. આ વખતે તેઓ 99થી વધુ સીટો પર આગળ છે. તેનો અર્થ એ છે કે તે છેલ્લી વખત કરતા લગભગ બમણી બેઠકો જીતી રહી છે.
અખિલેશ યાદવની સપાએ ગત વખતે બસપા સાથે ગઠબંધન કર્યું હતું. બસપાને 10 બેઠકો મળી હતી પરંતુ સપા માત્ર પાંચ બેઠકો જીતી શકી હતી. આ વખતે સપાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે. તેણે 35 થી વધુ બેઠકો જીતી છે. સપાએ દેશભરમાં ભાજપને સૌથી મોટો ઝટકો આપ્યો છે. બીજી બાજુ ચંદ્રબાબુ નાયડુનું પ્રદર્શન પણ આંખે ઉડીને વળગે તેવું છે. ટીડીપી આંધ્રપ્રદેશમાં સરકાર બનાવવાની નજીક છે. 16 બેઠકો પર આગળ છે.
ઉદ્ધવ ઠાકરેએ આશ્ચર્યજનક રૂપથી પ્રદર્શન આપ્યું છે. 2019ની વિધાનસભા ચૂંટણી બાદ ઉદ્ધવ ઠાકરે અને ભાજપ વચ્ચે અંતર હતું. ઉદ્ધવે કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી સાથે મળીને સરકાર બનાવી. 2022 માં શિવસેનામાં બળવો થતાં માત્ર ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી ન હતી પાર્ટીએ નિયંત્રણ પણ ગુમાવ્યું હતું. નવા નામ અને પ્રતીક સાથે લડી રહેલી ઉદ્ધવ ઠાકરેની પાર્ટી 10 સીટો પર આગળ છે. જ્યારે ઉદ્ધવ વિરુદ્ધ બળવો કરનાર એકનાથ શિંદેનો જૂથ છ બેઠકો પર આગળ છે. જો આ વલણો પરિણામોમાં પરિવર્તિત થાય છે તો ઉદ્ધવ ઠાકરે એમ કહી શકશે કે તેમની શિવસેના જ વાસ્તવિક શિવસેના છે.
હવે જાણીએ તેમના વિશે જેમના નસીબે સાથ નથી આપ્યો
જગન મોહન રેડ્ડીની આંધ્ર વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી હાર થઈ છે. ગત વખતે તેમની પાર્ટી વાયએસઆરસીપીએ સારો દેખાવ કર્યો હતો. આ વખતે તે 4 સીટો સુધી સીમિત જણાય છે. નવીન પટનાયકની બીજેડીએ ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં ગત વખતે વધુ સીટો પર કબ્જો કર્યો હતો. આ વખતે ફક્ત એક જ સીટ જીતતી દેખાઈ રહી છે. અહીં ભાજપ સરકાર બનાવવાની સ્થિતિમાં છે. માયાવતીની બસપાના ગત ચૂંટણીમાં 10 સાંસદો જીત્યા હતા. આ વખતે તે ખાતું ખોલાવવા માટે સંઘર્ષ કરી રહી છે.
કાકા શરદ પવાર સામે બળવો કરીને NDAમાં સામેલ થયેલા અજિત પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો કબજો સંભાળ્યો હતો. તેમને પાર્ટીનું ચૂંટણી ચિન્હ પણ મળ્યું હતું. જોકે પરિણામોમાં મહારાષ્ટ્રના લોકોએ શરદ પવારની પાર્ટીને અસલી એનસીપી ગણાવી હતી. ટ્રેન્ડમાં અજિત પવારની પાર્ટી માત્ર એક સીટ પર આગળ છે. અજિતની પત્ની સુનેત્રા પછી તેની ભાભી સુપ્રિયા સુલે છે.