ગાંધીનગર: ગુજરાત (Gujarat) માટે 25 મેનો દિવસ ખુબ જ દુ:ખદ હતો. કારણ કે આ જ દિવસે સાંજના 5.30 વાગ્યાની આસપાસ રાજકોટના (Rajkot) TRP ગેમ ઝોનમાં (TRP Game Zone) લાગેલી આગમાં (Fire) 27 લોકોના મૃત્યુ પામ્યા હતા. જેમાં રાજકોટ મનપાના અધિકારીઓની બેદરકારી સામે આવ્યા બાદ પોલીસ દ્વારા મનપાના ચાર અધિકારીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ સોમવારે સવારે રાજકોટ મનપા કમિશનર દ્વારા તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા અને એટીપીઓ મુકેશ મકવાણાને સસ્પેન્ડ (Suspend) કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ અગ્નિકાંડના બે આરોપી ગૌતમ જોશી અને રોહિત વિગોરાને એક અઠવાડીયા પહેલા જ રાજ્ય સરકારના આદેશથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે પ્રાથમિક માહિતીમાં સામે આવ્યુ હતુ કે હાલ સસ્પેન્ડ કરાયેલા અધિકારી અને 75 હજારના પગારદાર મનસુખ સાગઠિયા પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. સાગઠિયા સાથે કામ કરતા મુકેશ મકવાણાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
અગાઉ મનપાની વેસ્ટ ઝોન ટી.પી. શાખા દ્વારા TRP ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકીના નામે નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટીસમાં ગેમ ઝોનના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા જણાવાયું હતું. પરંતુ આમ છતા કોઈ કાર્યવાહી થઈ ન હતી. તેમજ નોટિસ પાઠવ્યા બાદ પણ ડિમોલિશન ન કરવામાં આવતા 25 મેના રોજ TRP ગેમ ઝોનમાં આગ લાગી હતી અને 27 લોકોના મૃત્યુ થયા હતા.
આગ લાગ્યા બાદ સરકારના આદેશથી 7 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગતરાત્રે તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા અને એટીપીઓ મુકેશ મકવાણાને મહાપાલિકાએ પોલીસ કસ્ટડીમાં લીધા હતા. તેમજ બંને અધિકારીઓને કસ્ટડીમાં 48 કલાક થઇ જતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મનસુખ સાગઠિયા છેલ્લા એક દાયકાથી ટાઉન પ્લાનિંગ શાખામાં કામ કરતા હતા. તેમજ તેમના કાર્યકાળ દરમિયાન ગેમ ઝોનની દુર્ઘટના થતા 28 મેના રોજ એમની અટકાયત કરવામાં આવી હતી.
મનસુખ સાગઠિયા છે કરોડોનો માલિક
શરુઆતની તપાસમાં મનસુખ સાગઠિયાનું લક્ઝુરિયસ ફાર્મહાઉસ રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ગોંડલ તાલુકાના ગોમટા ગામ નજીક આવેલું હોવાનું સામે આવ્યું હતુ. જ્યારે તેમની અલગ અલગ જગ્યાએ 3 પેટ્રોલ પંપમાં ભાગીદારી હોવાની માહિતી પણ સાંપડી હતી. આ ઉપરાંત સાગઠિયાના રાજકોટના યુનિવર્સિટી રોડ પર આલીશાન 300 વારના નવોનકોર બંગલાનું કામ ચાલી રહ્યું છે.