સુરત : લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા જાહેર થયેલા એકઝિટ પોલને લઈ રાજ્યની સહકારી સંસ્થાઓમાં ઉત્સાહનો માહોલ છે. રાજ્યની બધી જ ડેરીઓ પર ભાજપનાં સહકારી આગેવાનોની સત્તા છે, વિપક્ષ ખૂબ કમજોર છે ત્યારે મોટા ભાગની ડેરીઓએ એક સાથે લિટર દૂધના ભાવમાં 2 રૂપિયા વધારવાનો નિર્ણય લીધો છે.
- અમૂલ દૂધમાં લિટરે બે રૂપિયાના ભાવમાં વધારો, સુરતની 70 લાખની જનતા પણ તૈયાર રહે
- સુમુલ ડેરી પણ ગુરુવાર સુધી ગોલ્ડ, શક્તિ અને તાજા દૂધના લિટરે બે રૂપિયાનો ભાવ વધારો જાહેર કરે એવી શક્યતા
- ઘાસચારો, ખાણદાન, દૂધ પરિવહન અને દૂધ ઉત્પાદનની કિંમત સાથે વહીવટી ખર્ચો વધ્યો : સુમુલ
અમૂલ ડેરીએ લિટરે બે રૂપિયાનો ભાવ વધારો કરતા સુમુલ ડેરી પણ ગોલ્ડ, શક્તિ, તાજા દૂધમાં લિટરે બે રૂપિયાનો વધારો કરે એવી શક્યતા છે. સુમુલ ડેરી ગુરુવાર સુધી નવો ભાવ વધારો કરે એવી શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સુમુલનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉનાળામાં ઘાસચારો, ખાણદાન, દૂધ પરિવહન અને દૂધ ઉત્પાદનની કિંમત વધી છે. વહીવટી ખર્ચો વધ્યો છે, બીજી તરફ સુમુલ ડેરીએ 73 વર્ષનાં ઈતિહાસમાં પ્રથમવાર વેચાણમાં 20%નો વૃદ્ધિદર હાંસલ કરતા ડેરીના બોર્ડે ગયા મહિને 2.50 લાખ પશુપાલકો માટે કિલોફેટ દીઠ રૂપિયા 115 બોનસ આપવાનો નિર્ણય લીધો હતો.
આજે અમૂલ ડેરીએ અમુલ દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો છે. અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ, અમુલ ટી સ્પેશિયલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કાલે સોમવારે સવારથી અમુલ દૂધના નવા ભાવ લાગુ પડશે. અમુલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમુલ ટી સ્પેશિયલના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
લોકસભાની ચૂંટણીને લીધે આ ભાવ વધારો અટકાવી રાખવામાં આવ્યો હતો. એટલે કે ચૂંટણી પહેલા 64 રૂપિયે પ્રતિ લિટર મળતા અમૂલ ગોલ્ડ દૂધના 66 રૂપિયા લિટર ચૂકવવા પડશે. અમૂલ ગોલ્ડ 500 મિલીના રૂપિયા 32ના બદલે હવે 33 રૂપિયા ચુકવવા પડશે. અમૂલ તાજા 500 મિલીના 26 નાં 27 રૂપિયા કરવામાં આવ્યા છે. અમૂલ શક્તિ 500 મિલીના 29 થી વધારી 30 રૂપિયા કરવામાં આવ્યા છે. અમૂલ તાજાનાં નાના પાઉચ સિવાય તમામ બ્રાન્ડમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
સુમુલે 2.50 લાખ પશુપાલકો માટે કિલોફેટ 115 રૂપિયાનું જાહેર કરેલું બોનસ સુરતના ગ્રાહકો પાસે વસૂલી લેવાશે
15 મે ના રોજ સુમુલ ડેરીના બોર્ડ દ્વારા 2.50 લાખ પશુપાલકો માટે કિલોફેટ 115 રૂપિયાનું જાહેર કરેલું બોનસ સુરતના ગ્રાહકો પાસે વસૂલી લેવાશે. વર્ષ ૨૦૨૩-૨૪ માટે દૂધના અંતિમ ભાવ પેટે રૂપિયા ૩૩૯.૩૩ કરોડ અને બીસીયુ ફેટ ફેર રૂપિયા ૯૦.૪૦ કરોડ મળી કુલ રૂપિયા ૪૨૯.૭૩ થાય છે. જે પૈકી રૂપિયા ૩૩૯.૩૩ કરોડ અંતિમ ભાવ પેટે અને બીસીયું ફેટ ફેર પેટે બાકી રહેલી રકમ રૂપિયા ૪૫.૨૦ કરોડ મળી કુલ રૂપિયા ૩૮૪.૫૪ કરોડ મે માસના દૂધ હિસાબ ઉપરાંત ચુકવવામાં આવશે.
આ મિટિંગમાં ભાવફેર વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષમાં રૂપિયા ૧૧૦ કિલોફેટ દીઠ ચુકવવામાં આવ્યો હતો. જેમાં રૂપિયા ૧૦૦ દૂધ હિસાબ પેટે, રૂપિયા ૫ ફિક્સ બચત રૂપિયા ૫ મુજબ રૂપિયા ૧૦૦ નાં ગુણાંકમાં શેર કેપિટલ ખાતે જમા કરવામાં આવ્યા હતાં, જેની સામે વર્ષ ૨૦૨૩-૨૪માં રૂપિયા ૧૧૫ પ્રતિ કિલો ફેટ પુરા દૂધ હિસાબમાં ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ચાલુ વર્ષે ભેંસના દૂધમાં ભાવોમાં કિલોફેટના ભાવો, બોનસ (ભાવફેર) અને બીસીયું ફેટ ફેરના મળી કુલ ૯૬૬.૧૯ રૂપિયા પ્રતિ કિલો ફેટ અને ગાયના દૂધમાં રૂપિયા ૯૩૩.૫૫ પ્રતિ કિલો ફેટ ચુકવવામાં આવ્યા છે. જે સમગ્ર એશિયામાં સૌથી વધુ ચૂકવાયેલો ભાવ છે.