SURAT

કેપી સંઘવીની હેરાનગતિથી પરેશાન સુરતના હીરાના વેપારીઓ પરિવાર સાથે હર્ષ સંઘવીના દરબારમાં પહોંચ્યા

સુરત: શહેરમાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના વેપારીઓ આજે તા. 1 જૂનને શનિવારની સવારે સર્કિટ હાઉસ ખાતે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવા માટે પહોંચ્યા હતા. 6 વર્ષ પહેલાં વેપારમાં નુકસાન થતાં આ વેપારીઓ દ્વારા કેપી સંઘવીને બાંહેધરી પેટે ચેક આપવામાં આવ્યા હતા અને ત્યાર બાદ નુકસાનીની રકમ પરત કરતાં મામલો થાળે પડ્યો હતો.

  • નાના વેપારીઓએ ભેગા થઈ સુરતની કેપી સંઘવી ડાયમંડ કંપની વિરુદ્ધ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી
  • બાંહેધરી પેટે લીધેલા ચેકને હથિયાર બનાવી કેપી સંઘવીએ નાના વેપારીઓને ચેક રિટર્ન કેસમાં ફસાવા ધમકી આપી

જો કે, હવે કેપી સંઘવી દ્વારા ચેક રિટર્નના કેસ કરવામાં આવતાં નાના વેપારીઓની હાલત કફોડી થઈ છે. આજે આ હીરાના વેપારીઓ પરિવાર સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. વેપારીઓએ હર્ષ સંઘવી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી.

સર્કિટ હાઉસ ખાતે પહોંચેલા નાના હીરા વેપારીઓ દ્વારા ગૃહ રાજ્ય મંત્રીને રજૂઆત કરતા કહ્યું હતું કે 6 વર્ષ પહેલાં તેઓને વેપારમાં નુકસાની જતાં કેપી સંઘવીને બાંહેધરી પેટે એડવાન્સમાં ચેક આપવામાં આવ્યા હતા. જો કે, ધીરે ધીરે નુકસાની પેટેની રકમ આ વેપારીઓએ પરત કરી દીધી હતી અને ત્યાર બાદ ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં કંપની અને વેપારીઓ વચ્ચે સમાધાન પણ કરવામાં આવ્યું હતું.

આમ છતાં, હવે કેપી સંઘવીના મેનેજમેન્ટ દ્વારા આ ચેકો બેંકમાં રિટર્ન કરાવ્યા બાદ વેપારીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેને કારણે નાના વેપારીઓની હાલત કફોડી થવા પામી હતી. થોડા સમય પહેલાં પણ આ મુદ્દે ડાયમંડ એસોસીએશન સમક્ષ વેપારીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

જેમાં ચેક રિટર્નની ફરિયાદમાં જેલવાસ ભોગવી રહેલા વેપારીઓની પત્નીઓ પણ ઉપસ્થિત રહી હતી અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. જો કે, ત્યાર બાદ પણ સમસ્યાનું કોઈ સમાધાન ન થતાં આજે વેપારીઓ દ્વારા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સમક્ષ પોતાની રજુઆત કરવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ આશ્વસન આપ્યું
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વેપારીઓને આશ્વસન આપતાં કહ્યું હતું કે, તમારે નિરાશ થવાની જરૂર નથી. નજીકના દિવસોમાં ચોક્કસપણે આ મુદ્દે કેપી સંઘવી અને તમારા વચ્ચે બેઠક કરાવીશ અને એમાં હું પણ હાજર રહીશ. જે પણ કેસો કરવામાં આવ્યા છે, તેનું નિરાકરણ લાવવામાં આવશે.

Most Popular

To Top