Editorial

સરકારી કર્મચારીઓને પ્રમોશન આપવું જ તેવા કોઈ નિયમો નથી, સુપ્રીમ કોર્ટનો દૂરગામી ચુકાદો

દેશમાં અનેક મુદ્દે અસ્થિરતા છે પરંતુ જો કોઈ એક મુદ્દે સ્થિરતા હોય તો તે સરકારી નોકરી છે. જેને સરકારી નોકરી મળી જાય તેણે જાણે જંગ જીત્યો હોય તેવી પરિવારજનોની લાગણી હોય છે. આનું કારણ એ છે કે સરકારી નોકરીમાં સમયાંતરે પગારવધારો થતો જ રહે છે. જો કર્મચારી ભ્રષ્ટાચાર કે પછી અન્ય કોઈ કારણસર સસ્પેન્ડ પણ થઈ જાય તો પણ તેનો નિયત ટકામાં પગાર ચાલુ રહે છે. સમય જતાં તેને ફરી નોકરી પર પણ લઈ લેવામાં આવે છે. આ જ કારણે સરકારી નોકર મોટાભાગે બિન્ધાસ્ત હોય છે.

સરકારી નોકરી જતી રહેવાનો ડર ભાગ્યે જ રહેતો હોય છે અને તેને કારણે જ સરકારી નોકરી જાણે એક સુખી જીવનનો પર્યાય હોય તેવી સ્થિતિ છે. કેટલાક સરકારી કર્મચારીઓ એવું સમજતા હોય છે કે તેમની નોકરી કામ કરવાની નથી. લોકો સાથે ગેરવર્તન કરવાની જ છે. સરકારી કર્મચારીઓ પણ એવું જ માને છે કે સમય જતાં તેમને પ્રમોશન મળવું જ જોઈએ. જોકે, હાલમાં સુપ્રીમ કોર્ટે એવો આદેશ કર્યો છે કે સરકારી કર્મચારીઓને પ્રમોશન મળવું જ જોઈએ તેવા કોઈ જ નિયમો નથી. બંધારણમાં પણ તેવો ઉલ્લેખ નથી.

સુપ્રીમ કોર્ટની ચિફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચ દ્વારા ઉક્ત આદેશ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં જિલ્લા ન્યાયાધિશોની પસંદગી અંગેના વિવાદ પર બેન્ચે ચુકાદો આપતા કહ્યું છે કે, ભારતમાં કોઈપણ સરકારી કર્મચારી પ્રમોશનને પોતાનો અધિકાર માની શકે નહીં. કારણ કે બંધારણમાં તેના માટે કોઈ જ માપદંડ નક્કી કરવામાં આવ્યા નથી. વિધાનસભા કે પછી જે તે કાર્યપાલિકા રોજગારની પ્રકૃતિ અને ઉમેદવાર પાસેથી જરૂરી કામના આધારે પ્રમોશનથી પોસ્ટ ભરવાની પદ્ધતિ નક્કી કરી શકે છે અને શ્રેષ્ઠ ઉમેદવારની પસંદગી કરી શકે છે.

જસ્ટિસ પારડીવાલાએ ચુકાદો લખતાં કહ્યું હતું કે, હંમેશા એવી ધારણા છે કે લાંબા સમય સુધી સેવા આપતા કર્મચારીઓએ સંસ્થા પ્રત્યે વફાદારી દર્શાવી છે અને તેથી તેઓ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન સંસ્થા તરફથી સમાન વ્યવહાર મેળવવા માટે હકદાર છે. સુપ્રીમ કોર્ટએ છેલ્લા કેટલાક વર્ષોમાં એવા ચુકાદાઓ આપ્યા છે કે જ્યાં મેરિટ અને સિનિયોરિટીના સિદ્ધાંત પર પ્રમોશનનો નિર્ણય કરવામાં આવે છે. આ માટે મેરિટ પર વધુ ભાર મૂકાવો જોઈએ.

ન્યાયાધિશોની પસંદગીના મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલો આ ચુકાદો અનેકરીતે દુરગામી છે. કારણ કે અત્યાર સુધી એવું જ મનાતું આવ્યું હતું કે, સરકારી નોકરી મળી એટલે નિશ્ચિત સમયે તેને પ્રમોશન પણ મળી જ જશે. જોકે, સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રમોશનના મુદ્દે મેરિટ પર ભાર મુકવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જેને પગલે પ્રમોશન પોતાનો અધિકાર છે તેવું માનતા સરકારી કર્મચારીઓની માનસિકતા બદલાશે.

કર્મચારીઓને પ્રમોશન મળવું જ જોઈએ. કારણ કે પ્રમોશનથી પોસ્ટ પર આવેલા કર્મચારીઓમાં મોટાભાગના અનુભવી હોય છે અને પોતાના કામને સારી રીતે ન્યાય આપી શકે છે પરંતુ સાથે સાથે એ પણ એટલું જ જરૂરી છે કે જે તે યોગ્ય વ્યક્તિને જ પ્રમોશન મળે. માત્ર વ્હાલાદવલાની નીતિ અપનાવીને આપવામાં આવતા પ્રમોશનને કારણે બાદમાં સંસ્થાએ જ સહન કરવાનું આવે છે. સરકારી નોકરીઓમાં પણ ઘણી વખત પ્રમોશનમાં મેરિટનો સિદ્ધાંત જળવાતો નથી અને તેને કારણે આખરે સરકારની નીતિ કે લાભ લોકો સુધી પહોંચતા નથી. જે લોકશાહીના હનન સમાન છે. સુપ્રીમ કોર્ટએ આપેલા ચુકાદાના આધારે જ સરકારો દ્વારા વર્તવામાં આવશે તો જ ભારતની પ્રગતિ થશે તે નક્કી છે.

Most Popular

To Top