Charchapatra

સુરતનાં સીંગલ સ્ક્રીન સિનેમાઘરો

ઉનાળુ વેકેશન હોય ત્યારે સુરતનાં  સિનેમાઘરો ‘હાઉસ ફૂલ’ જતાં. સુરતનાં સીંગલ સ્ક્રીન સિનેમાઘરોનો એક સમય હતો. કોઈ નવી ફિલ્મ રજૂ થાય ત્યારે તે ફિલ્મની ટિકીટનું બુકીંગ સોમવારે થતું. બુકીંગ માટે સવારથી લાઈનો લાગતી. ફિલ્મની બધી ટીકીટ વેચાઈ જાય એટલે ‘હાઉસ ફુલ’ નું બોર્ડ લાગતું. ત્યારે ટીકીટના બ્લેક બોલાતા (ટીકીટનાં કાળા બજાર). ટોકીઝ પ્રમાણે બ્લેક કરવાવાળાનો ઇજારો હતો. કોટ વિસ્તારમાં સૌથી વધારે સિનેમાઘરો હતાં. સુરતનાં સિનેમાઘરોની નામાવલી જોઈએ.

સ્ટેશન સામે અલંકાર ટોકીઝ, વસ્તા દેવડી રોડ પર નટરાજ ટોકીઝ, લંબે હનુમાન રોડ પર દર્પણ અને ગ્લેમર ટોકીઝની જોડી તો વરાછા રોડ પર વૈશાલી અને આમ્રપાલી ટોકીઝની જોડી, પેટ્રોલ પમ્પ પાસે ગીતાંજલી ટોકીઝ. જ્યાં સિનેમાઘરોની લાઇન હતી તે દિલ્હી ગેટથી બેગમપુરા સુધીના રોડનું નામ જ ‘સિનેમા રોડ’ હતું. ત્યાં કેપિટલ ટોકીઝ, કૃષ્ણ ટોકીઝ, સુપર ટોકીઝ, પ્રકાશ ટોકીઝ, વિક્ટરી ટોકીઝ, લક્ષ્મી ટોકીઝ અને વસંત ટોકીઝની શ્રુંખલા. બેગમપુરા દાણાપીઠ ખાતે મોતી ટોકીઝ અને ફાલસાવાડી રોડ પર સુરજ ટોકીઝ. ટાવર નજીક મોહન ટોકીઝ. સલાબતપુરા મહાત્માની વાડીમાં મહારાજા ટોકીઝ, માછીવાડમાં રૂપમ અને રતન ટોકીઝ. રીંગરોડ પર અજંતા ટોકીઝ, એની બાજુમાં કિન્નરી અને શ્રી ટોકીઝની જોડી આવેલી હતી.

નવસારી બજાર નજીક રાજેશ્રી ટોકીઝ, ઉધના દરવાજા પર રાજકુમાર ટોકીઝ, ઉધના ખાડી નજીક જીવન જ્યોત ટોકીઝ, ઉધના ત્રણ રસ્તા નજીક ગાયત્રી અને ગંગોત્રી ટોકીઝની જોડી આવેલી હતી. ભટાર રોડ પર એલબી ટોકીઝ. અડાજણ પોંકનગર ખાતે શીતલ ટોકીઝ અને રાંદેર રોડ પર રૂપાલી ટોકીઝ.આજના મલ્ટીપ્લેક્ષ થિયેટરના યુગમાં વીતેલા સમયની માત્ર બે થિયેટર રૂપાલી ટોકીઝ અને રૂપમ સિનેમા અડીખમ ઊભી છે, જેમાં નવી ફિલ્મો રજૂ થાય છે અને સુરતીઓને મનોરંજન પૂરું પાડે છે.
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

જે જવાબદાર અધિકારી હતા તેની જ બદલી? તો હવે તપાસ કેવી રીતે કરશો?
હાઈકોર્ટનું નિરીક્ષણ છે કે શ્રેય હોસ્પિટલ અને શાહીબાગ અગ્નિકાંડ બેદરકારીનું પરિણામ છે. આ નિરીક્ષણ પછી સવાલ એ છે કે તેની જવાબદારી કોણ લેશે? આ બેદરકારી કોની? જેમાં મોટું તંત્ર શામિલ હોય અને તે જો સરકારી તંત્ર હોય તો તેમાં કોઇ એક યા બે જવાબદાર નથી હોતા અને બધા પર જવાબદારી ઢોળી શકાય છે એટલે કે કોઇ પણ એક પર જવાબદારી ઢોળી શકાતી નથી. પરિણામે બધા જ મુકત છે.

સરકાર પોતાને બચાવવા કોઇને જવાબદાર ઠેરવે તેમાં પણ તેમની ચતુરાઈ અને જવાબદાર ગણાવાનાં હોય તેમની પહોંચ કામ કરે છે. કોઇ પણ મોટા બનાવ પછી તંત્ર છાની રમતો રમવા માંડે છે. રાજકોટના બનાવ પછી જવાબદાર અધિકારીઓને બદલી કરી બચાવી લેવાયા. તેમની બદલી થઇ જાય તો તપાસ કેવી રીતે થશે? જે બન્યું તેનાં કારણોમાં તો આ અધિકારી હતા અને તેમને જ ત્યાંથી હટાવાયા તો ખરી વિગતો કેવી રીતે બહાર આવશે? ગૃહરાજ્યમંત્રી બહુ ખતરનાક ખેલ ખેલી રહ્યા છે.
ભરૂચ    – ગંભીરસિંહ ગોહિલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top