સુરત શહેર માટે તાપી માતાની અપાર કૃપા છે કે અહીં પાણીની તકલીફ પડતી નથી. પણ છતાં એક તકલીફ છે કે સુરતમાં પાણીનો બગાડ બહુ થાય છે. પાણીની કિંમત નથી છતાં પાણી અમૂલ્ય છે. તમો નહિ માનો બહારથી આવેલા સુરતમાં પાણીની બહુ છૂટ હોવાથી અહીં આવ્યા પછી તેમના ગામમાં જવાનું નામ લેતા નથી. સુરતમાં વસ્તીવધારાનું બધાં કારણોમાં આ પણ એક કારણ છે. હવે આપણે વાત કરીએ શહેરથી આજુબાજુના ગામડાથી ત્યાં પંચાયતો પોતાના ગામમાં નાનું પાકું તળાવ બનાવે તો તે પાણીનું શુધ્ધિકરણ કરી ઉપયોગમાં લઈ શકાય છે. આના માટે પંચાયતો અને સરકાર તરફથી જેટલી મદદ આવતી હોય તેટલી લેવી જોઈએ. આજની નવી પ્રજા ગામડાંમાં આવનાર નથી, પણ હાલમાં ગામડામાં જે રહે છે તેને સગવડ આપો તો તેઓ શહેર તરફ જતા ખંચકાય અને ગામડું સમૃધ્ધ થાય. સરકાર તરફથી પણ ખેડૂતોને જેટલી સગવડ-સબસીડી-લોન અપાય તેટલી આપવી જોઈએ.
સુરત – મહેશ આઈ. ડોકટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
એ.ટી.એસ વગેરે દળોને ધન્યવાદ ઘટે છે
અમદાવાદના એરપોર્ટ ઉપરથી ચાર શ્રીલંકન, જેહાદીઓને એ.ટી.એસ. ની ટીમે ઝડપી પાડયા છે. આ જેહાદીઓના કનેકશન, આઈએસઆઈએસ જેવા આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલાં છે કે કેમ એની તપાસ એ.ટી.એસ. અને આપણાં પોલિસ દળો કરી રહ્યા છે. માસ્ટર માઈન્ડ ગણાતા અને પાકિસ્તાન યુવતીના પ્રેમને કારણે અશોક સુથારમાંથી અબુબકર બનેલા ઈસમને પણ એ.ટી.એસ. ની ટીમે પકડી પાડયો છે.
આ બધા ભારતમાં કેટલીક વ્યકિતઓની હત્યાઓ કરવા માટે પ્લાન બનાવી રહ્યા હતા. પણ સદનસીબે આ બધા પકડાઈ ગયા છે. આ બધા પોલિસ હિરાસતમાં હોવાથી વધુ ચોંકાવનારી વિગતો પણ બહાર આવશે. આ દેશમાં આવું ખાનગી રાહે કેટલું બધુ જેહાદી કામ થતું હશે, એનો વિચાર કરવો રહ્યો. પણ સારાનસીબે આપણાં બધાજ પ્રકારનાં પોલિસદળો તથા એ.ટી.એસ. વગેરેની સમય સુચકતાથી આ બધુ પકડાય છે એ માટે ખરેજ એ સૌ કર્મચારીઓને ધન્યવાદ ઘટે છે.
સુરત – બાબુભાઈ નાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભણતર સાથે સામાન્ય જ્ઞાન જરૂરી
ભણતર આપણને અંગુઠાથી સહી તરફ લઈ જાય છે અને આજની ટેકનોલોજી આપણને સહીથી અંગુઠા તરફ લઈ ગઈ છે. આ વાક્ય કેટલું બધું સરસ છે એમાં આપણી પ્રગતિનો અહેસાસ થાય છે, પણ આટલું પૂરતું નથી. આજના ભણતરની વાત કરીએ તો અંગ્રેજી માધ્યમમાં ભણતાં કે ભણી ગયેલાં વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેઓ અંગ્રેજી તો ફટાફટ બોલે છે, પણ ખરા અને એને સમજે પણ છે, પરંતુ હું જે વાત કરવા માંગુ છું તે એ છે કે અંગ્રેજી માધ્યમનાં વિદ્યાર્થીઓને તમે વિક્રમ સંવત વર્ષના બાર મહિનાનાં ગુજરાતી નામ પૂછશો તો નહીં આવડે.
વળી વર્ષ દરમ્યાન આવતી છ ઋતુઓ જેનાં ગુજરાતી નામ છે તેમાં પણ ગોથાં ખાશે. જે વિદ્યાર્થીઓ નખશીખ ગુજરાતી છે, ઘરમાં પણ ગુજરાતી જ બોલાય છે તો આ બધું જ્ઞાન તો એ લોકોને હોવું ખૂબ જ જરૂરી છે. ગીતાના શ્લોકની પણ જાણકારી હોવી જોઈએ. આના માટે જવાબદાર કોણ? ગુજરાતી પ્રત્યે આટલું ઉદાર વલણ શા માટે? તો એ ન થાય તે માટે પ્રત્યેક વાલીઓએ અને ઘરમાં રહેતાં વડીલોએ આ કામ હાથમાં લઈ બાળકોમાં ગુજરાતી પાયાના શિક્ષણનો સમજદારીપૂર્વક ઉકેલ લાવવો જરૂરી છે.
સુરત – શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.