અગ્નિની શોધ માનવના ઈતિહાસની સૌથી મહત્ત્વની શોધ કહી શકાય. નિયંત્રિત રહેલો અગ્નિ માનવજીવન માટે અનિવાર્ય અને આશીર્વાદરૂપ છે, પણ તે નિયંત્રણ બહાર જતો રહે અને આગ બને તો તેના જેવો જીવનહારક બીજો કોઈ નથી. માનવસંસ્કૃતિ વિકસતી ચાલી એમ અગ્નિનો ઉપયોગ પણ વધતો ગયો, જેણે જીવનશૈલીમાં ઘણા ફેરફાર કર્યા. સાથોસાથ આગને લઈને માનવજીવન પર તોળાતા ખતરાનું પ્રમાણ પણ વધતું ચાલ્યું.
ભારતમાં અગ્નિસેવાનો આરંભ 1803માં મુંબઈથી થયો, જે પછી કોલકાતા, દિલ્હી અને ચેન્નાઈમાં આરંભાઈ. ઔદ્યોગિક વિકાસની સાથોસાથ અગ્નિનો ઉપયોગ વધતો ચાલ્યો, એમ તેની સાથે સંકળાયેલા જોખમમાં પણ વધારો થતો ગયો. રહેણાંક વિસ્તારો માટે આગને લગતા સુરક્ષાના નિયમો સરખામણીએ ઘણા મોડા બન્યા. બહુમાળી ઈમારતોનું પ્રમાણ વધતાં એ જરૂરિયાત ઊભી થતી ગઈ. ભારતીય માનક બ્યુરો (બી.આઈ.એસ.) દ્વારા 1970માં ‘નેશનલ બિલ્ડીંગ કોડ’(એન.બી.સી.) અંતર્ગત પહેલવહેલી વાર માળખાકીય નિયમો અમલી બન્યા, જેમાં આગ સામે સુરક્ષાનો સમાવેશ થતો હતો. આ નિયમોમાં ત્યાર પછી વખતોવખત જરૂરિયાત મુજબ ફેરફાર થતા આવ્યા છે.
અલબત્ત, નિયમ બનાવવા એક વાત છે, તેની ગંભીરતા સમજીને ચુસ્ત અમલ કરવો બીજી વાત છે અને કાગળ પર અમલ થયેલો દેખાડવો એ સાવ અલગ વાત છે. વસ્તીની ગીચતા, સતત વધતું ઔદ્યોગિકીકરણ, બિનસલામત બાંધકામો અને સુરક્ષાના નિયમો પ્રત્યે બેકાળજી વગેરે પરિબળોને કારણે ઉદ્યોગોમાં તેમજ રહેણાંક વિસ્તારોમાં આગના બનાવ બનતા રહે છે, જે અનેક લોકોનો ભોગ લે છે અને છતાં એવા બનાવ અટકવાનું નામ નથી લેતા.
મહારાષ્ટ્રના થાણેમાં 23મેના રોજ એક રસાયણના કારખાનામાં આગ અને ધડાકાનો બનાવ બન્યો, જેમાં ઓછામાં ઓછાં અગિયાર લોકોનું મૃત્યુ અને સાઠથી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. એ પછી મહારાષ્ટ્રના ઉદ્યોગ અને શ્રમ વિભાગની તપાસમાં જણાયું કે આ ઔદ્યોગિક એકમનું બૉઈલર ભારતીય બૉઈલર કાનૂન, 1950 અંતર્ગત નોંધાવવામાં નહોતું આવ્યું. રાજ્યના મુખ્ય મંત્રીએ રાબેતા મુજબ ‘આકરાં પગલાં’નો આદેશ આપ્યો.
એ પછી પણ તપાસ સમિતિ કે ઉચ્ચ કક્ષાની તપાસ જેવી ઘોષણાઓ થતી રહેવાની. એ તપાસના અહેવાલો આવ્યા કે કેમ, આવ્યા તો એનો કશો અમલ થયો ખરો વગેરે બાબતો કદી પ્રકાશમાં આવતી નથી અને આવે તો એને ગંભીરતાથી લેવામાં આવતી નથી. આ કારણે ફરી વખત દુર્ઘટનાનું પુનરાવર્તન થાય ત્યારે આવા જુમલાઓનું પણ પુનરાવર્તન થતું રહે છે. મહારાષ્ટ્રની આ દુર્ઘટના બન્યાના બે દિવસમાં જ ગુજરાતના રાજકોટમાં આગની દુર્ઘટના બની.
આ દુર્ઘટના એક ગેમઝોનમાં બની અને એવી ભયાવહ નીવડી કે તેમાં બળી ગયેલાં લોકોના મૃતદેહોની ઓળખ પણ થઈ ન શકી. ફરી એક વાર ‘ચમરબંદીને છોડવામાં નહીં આવે’થી લઈને ‘ઉચ્ચ કક્ષાની તપાસ’ના એના એ જ નાટકીય જુમલા અને ઠાલાં આશ્વાસનનો મારો ચાલ્યો. જેમનાં સ્વજનોએ જીવ ગુમાવ્યા એમના ભાગે આજીવન ખોટ સહન કરવા સિવાય કશો ઉપાય નથી. રાજકોટની દુર્ઘટનાના બીજા દિવસે દિલ્હીના વિવેક વિહારની એક હોસ્પિટલમાં આગની દુર્ઘટના બની, જેમાં સાતેક નવજાત શિશુઓ બળીને ખાક થઈ ગયાં. આ ઘટનાને પગલે પણ ‘કોઈને છોડવામાં નહીં આવે’નો જાપ ચાલ્યો.
સાવ તુચ્છ મામલે રાજકારણ- રાજકારણ રમનારા નેતાઓ આવી દુર્ઘટના થાય ત્યારે પ્રજાકીય નિવેદનમાં જણાવે છે કે આ મામલો સંવેદનશીલ છે અને આ મામલે રાજકારણ કરવું જોઈએ નહીં. સો ઉંદર મારીને હજ કરવા જતી બિલ્લી જેવો આ મામલો છે. રાજકારણ ‘કરવું’ એ પ્રજાનો નહીં, રાજકારણીઓનો શોખ છે અને કદી કલ્પ્યું ન હોય એવા મુદ્દે તેઓ રાજકારણ કરી લે છે, પણ પોતાની તળે રેલો આવે ત્યારે તેમને અચાનક ડહાપણની દાઢ ફૂટવા લાગે છે.
આગ લાગી, મૃત્યુ થયાં, સરકારે તપાસનો આદેશ આપ્યો કે રાજ્યે મૃતકોને શું વળતર આપ્યું એ બાબતો ગૌણ છે, કેમ કે, આ બધું ઉભરા જેવું હોય છે. મુખ્ય મુદ્દો એ છે કે આટલો કાનૂન હોવા છતાં એવું કયું પરિબળ છે કે જેને કારણે લોકો એનો છડેચોક ભંગ કરતા રહે છે? એમને કાનૂનભંગનો અને તેને પગલે થનારા દંડનો ડર શાથી નથી હોતો? કાનૂની કડકાઈ અને ‘ચમરબંદીને નહીં છોડવામાં આવે’ની ઘોષણાનો ખરેખરો અમલ થાય છે ખરો? આગના મોટા ભાગના કિસ્સામાં આગ સામે લેવાનારાં સુરક્ષાનાં પગલાંનો અભાવ જોવા મળે છે. સરકારી તંત્ર કયા કારણે આ પરિસ્થિતિને નજરઅંદાજ કરે છે? કાનૂન અને એને અમલમાં મૂકનારું તંત્ર હોવા છતાં એની બીક નથી એ સૂચવે છે કે આ બધું કાગળ પર કેવળ નામનું જ છે.
ડ્રાઈવિંગ લાઈસન્સ લીધા વિના વાહન ચલાવનારને દંડ કરી શકાતો હોય તો કાનૂની રીતે આગ સામે સુરક્ષાનાં પગલાં ન લેનાર સામે આંખ આડા કાન શી રીતે થઈ શકે? શું એવાં લોકોની સંખ્યા રસ્તા પરના વાહનચાલકો કરતાંય વધુ હોય છે? કે પછી એમની આ હરકત સામે આંખ આડા કાન કરવાનો આદેશ હોય છે? આ બધા સવાલો થતા હોય અને તેના જવાબનું પગેરું મેળવવા જઈએ તો છેવટે એ રાજકારણીઓ સુધી જ પહોંચે છે, કેમ કે, તંત્રના કોઈ એકલદોકલ અધિકારીની એવી હિંમત હોતી નથી કે તે ભ્રષ્ટ બનીને કાનૂની જોગવાઈના અભાવ સામે આંખ આડા કાન કરે.
નાગરિક તરીકે આપણી કમનસીબી એ છે કે આપણે નેતાઓને આવા સવાલ પૂછવાને બદલે અંદરોઅંદર એકબીજાને ચૂપ કરવાની કવાયત કરતા રહીએ છીએ. હજી આપણા નેતાઓ પાસે મફતિયા અનાજ આપવા કે કોમોને અંદર અંદર લડાવતા રહેવા સિવાય બીજા કોઈ નક્કર મુદ્દાઓ જ નથી અને એ જ નેતાઓ આપણને આવા ગંભીર અકસ્માતના મુદ્દે રાજકારણ ન કરવાની સલાહ આપે ત્યારે શું સમજવું!.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.