Comments

શું તમે આવું ઘડપણ માંગશો?

એક વિધુર સિનિયર સિટીઝન મળ્યા. શહેરના એપાર્ટમેન્ટમાં બે દીકરાના ફલેટ છે. મોટો પાંચમા માળે. નાનો ત્રીજા માળે. આ બાપાએ એક દિવસ પાંચમા માળે, મોટા દીકરા સાથે, બીજા દિવસે ત્રીજા માળે નાના દીકરા સાથે રહેવાનું. કેટલાક કિસ્સામાં એક-એક મહિનાના વારા બાંધેલા પણ જોવા મળે છે. એક પરિવારમાં દીકરાએ મા-બાપને પોતાનાથી દૂર રહેવાનું ફરમાન કર્યું છું. વૃદ્ધ મા-બાપ એક નાનકડી ઓરડીમાં મરવાને વાંકે ઝૂરે છે! આવા તો અસંખ્ય કિસ્સા આપણા સમાજમાં જોવા મળે છે. ઘણાં સિનિયર સિટીઝન્સની દશા દયાજનક છે! મોટા ભાગના કિસ્સામાં પુત્ર કરતાં, પુત્રવધૂ સાસુ-સસરાને વધુ ત્રાસ આપે છે અને પતિને તેના માતા-પિતાથી અલગ કરે છે! પુત્રની સ્થિતિ સેન્ડવીચ જેવી બની જાય છે. જાયે તો, જાયે કહાં?!

દીકરાઓ અને વૃદ્ધ માતા-પિતા વચ્ચેના આ ઠંડા યુદ્ધના પરિણામે, વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે. શિક્ષક તાલીમી કોલેજના પ્રશિક્ષણાર્થીઓ દ્વારા હાથ ધરાયેલા વૃદ્ધાશ્રમોના સર્વેક્ષણને આધારે જાણવા મળ્યું કે મોટા ભાગના વૃદ્ધાશ્રમમાં મૂકી જાયછે. ગરીબ ઘરનાં ઝૂંપડપટ્ટીમાં રહેતાં સંતાનોનાં મા-બાપ વૃદ્ધાશ્રમમાં રહેતાં નથી! હવે પ્રશ્ન થશે કે તમે શિક્ષિત કોને કહેશો? બંગલાવાળાને કે ઝૂંપડાવાળાને? ખોટી રીતે મિલકતો પોતાના નામે કરાવી લઇને મા-બાપને રઝળતાં મૂકનાર આધુનિક શ્રવણોની સંખ્યા ઓછી નથી!

એક યુવાનના લગ્નની વાત ચાલતી હતી. યુવાન મિકેનિકલ એન્જિનિયર. મલ્ટીનેશનલ કંપનીમાં સારી જોબ. સામે પક્ષે યુવતિ આઈ.ટી.એન્જિનિયર. લગ્ન પહેલાં બંને વચ્ચે મુલાકાત ગોઠવાઈ. યુવતિએ પેલા યુવાનને સીધો પ્રશ્ન પૂછયો: ‘તારા ઘેર ડસ્ટબીન છે!’ યુવાન સમજયો નહિ ત્યારે યુવતિએ ફોડ પાડીને કહ્યું : ‘તારા ઘેર તારાં માતાપિતા જીવે છે! જો લગ્ન બાદ તારાં માતા-પિતા સાથે મારે જીવવાનું હોય તો મારે તારી સાથે લગ્ન કરવા નથી!’’ આવું સમાજની બધી જ યુવતી કરે છે એવું કહેવાનો આશય નથી. યુવતિએ લગ્ન પહેલાં જ આ સ્પષ્ટતા કરી તે સારું કર્યું. એક વૃદ્ધ દંપતી, વૃદ્ધાશ્રમથી વંચિત તો રહ્યું.

ફાધર્સ ડે, મધર્સ ડે,ની ઉજવણી કરતાં, મા નો મહિમા, પિતાનું સમર્પણ વર્ણવતાં કાવ્યો, સુવિચારો સોશ્યલ મિડિયામાં ફટાફટ ફોરવર્ડ કરતાં યુવક-યુવતિઓની સંખ્યા વધતી જાય છે. તેમ વૃદ્ધાશ્રમોની સંખ્યા પણ વધતી જાય છે! આ એક પ્રકારનો દંભ છે.આમ જોવા જઈએ તો આપણે સંયુકત કુટુંબવ્યવસ્થાને તિલાંજલી આપીને, વિભકત કુટુંબવ્યવસ્થા ઊભી કરી ત્યારથી આપણને ફાધર્સ ડે અને મધર્સ ડેની જરૂર પડવા લાગી છે. જો માતા-પિતા સાથે જ રહેતાં હોય તો પ્રત્યેક દિવસ ફાધર્સ ડે છે, મધર્સ ડે છે. એક સમય હતો, જયારે ભારતનાં બાળકોને ગળથૂથીમાં જ રામાયણ અને મહાભારતના પાઠો ઘરમાં ભણાવવામાં આવતા હતા.

દાદા-દાદી શિક્ષકની ભૂમિકા ભજવતાં, જેમાં પિતૃભકત પ્રહ્લાદ કે વચનપાલનના પ્રહરી શ્રી રામની કથા સંભળાવવામાં આવતી હતી. પોતાનાં વૃદ્ધ માતા-પિતાને કાવડમાં બેસાડી ચાર ધામની યાત્રા કરાવતો ‘શ્રવણ’ ભારતનાં બાળકોનો આદર્શ હતો. પાઠ્યપુસ્તકોમાં પણ ‘ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહિ’, ‘આંધળી માનો પત્ર’… જેવી કવિતાઓ ભણાવવામાં આવતી હતી. આજની નવી પેઢીનાં બાળકોએ માતૃભાષામાં ભણવાનું લગભગ બંધ કર્યું તે સાથે મા-બાપની મહિમાના આદર્શોનું બાષ્પીભવન થવા લાગ્યું. તેનું સ્થાન અંગ્રેજી ભાષાની અર્થહીન ‘રાઈમે’ લીધું! પરિણામે આજનાં યુવકો માતા-પિતાનો આદર કરતાં શરમ અનુભવવા લાગ્યાં અને તેમને વૃદ્ધાશ્રમોના દરવાજે પહોંચાડવા લાગ્યાં!

હાલમાં જ એક કિસ્સો આ લખનારના વાંચવામાં આવ્યો. દિલ્હીના રંગપુરી વિસ્તારમાં આવેલા ‘ગોલ્ડન હોમ’માં 175 પિતાઓ મરવાના વાંકે પોતાની જિંદગીના અંતિમ દિવસો ગુજારે છે! ફાધર્સ-ડે ના દિવસે બહુ ઓછાં સંતાનો પોતાના પિતાને મળવા આવ્યાં હતાં! ‘ગોલ્ડન હોમ વૃદ્ધાશ્રમમાં એન્જિનયર, વકીલો, ડૉકટરો અને રિટાયર્ડ સરકારી ઓફિસરો પણ એકલતામાં પોતાની જિંદગીના અંતિમ શ્વાસ ગણી રહ્યા છે! તેમાં રમણિક વૈદ્ય (નામ બદલ્યું છે) ને તેમના પુત્રે  3 વર્ષ પહેલાં ઘરમાંથી કાઢી મૂકયા હતા. રમણિક વૈદ્યે  પોતાની ઓટો રીક્ષાને જ ઘર બનાવ્યું.

પોતાના ઘરની બહાર પાર્ક કરેલી રીક્ષામાં જ તેઓ રહેવા લાગ્યા. ટ્રાફિક પોલીસના ધ્યાનમાં આ વાત  આવતાં તેઓ તેમની રીક્ષા ટૉ કરીને લઈ ગયા હતા. રમણિક વૈદ્યનો દીકરો પછી તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો હતો. વૈદ્ય કહે છે કે દીકરો નાનો હતો ત્યારે તેને કોઇ તકલીફ ન પડે તે માટે તેઓ રાતોની રાતો ઉજાગરા કર્યા હતા. દીકરાની ગંભીર માંદગીમાં તમામ મૂડી ખર્ચી નાંખી હતી. આજે તેમના દીકરાને તેમની ખબર કાઢવા આવવાની પણ ફુરસદ નથી! રમણિક વૈદ્યની આખરી ઇચ્છા પોતાની રીક્ષામાં બેસીને પોતાના ઘરે જવાની છે, જે પૂરી થવાની કોઇ શકયતા નથી. માતા-પિતાને ઘરમાંથી કાઢી મૂકતાં દીકરા સામે કોર્ટમાં જવાની કાનૂની જોગવાઈ હોવા છતાં ઘણાં માતા-પિતા કોર્ટમાં જતાં નથી અને મૃત્યુ પામે ત્યાં સુધી દીકરાનાં હિતને જોખમમાં મૂકતાં નથી.

આવો જ બીજો કિસ્સો વાંચવા મળ્યો. ગુજરાતની એક મેટ્રોપોલિટન કોર્ટના મેજિસ્ટેટ પોતાના પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા કેમ કે આ સાહેબની પત્નીને તેમના સસરા સાથે ફાવતું નહોતું! જેની પાસે ન્યાયની અપેક્ષા હોય તે પણ લાચાર હતા. દીકરાને મોટાં કરતાં, તેમનામાં સંસ્કારોનું સિંચન કરતા, મા-બાપને વર્ષો લાગે છે તે દીકરો લગ્ન બાદ થોડા જ મહિનામાં બદલાઈ જાય છે! વૃદ્ધાશ્રમોની વૃદ્ધિ અને વિકાસ પર હાથ ધરાયેલ સર્વેક્ષણને આધારે પ્રાપ્ત ડેટાનું એનાલીસીસ કરતાં જે તારણો મળ્યાં તે આવાં છે:

વૃદ્ધ મા-બાપને દીકરો ઘરમાંથી કાઢી મૂકે તેમાં 70 ટકા, પત્ની જવાબદાર છે. દીકરાની નબળી, આર્થિક પરિસ્થિત 48 ટકા જવાબદાર છે. 38 ટકા વૃદ્ધ માતા-પિતા દીકરા અને પુત્રવધૂ સાથે અનુકૂલન સાધીને જીવતાં નથી. 28 ટકા સિનિયર સિટીઝનો પોતે જ સાચાં છે અને આ જુવાનિયાંઓની પેઢી બગડી ગઇ છે તેનાં જ ગાણાં ગાયા કરે છે. પરિણામે પરિવારમાં અળખામણાં બને છે. 20 ટકા પતિ-પત્ની બંને તનતોડ મહેનત કરે તો જ માંડ-માંડ ઘર ચાલે છે તેથી વૃદ્ધ માતા-પિતા તેમને બોજારૂપ લાગે છે. આવાં અનેક કારણોને લીધે મા-બાપને વૃદ્ધાશ્રમમાં જવાની ફરજ પડે છે.

એક વૃદ્ધ પુરુષ મરણપથારીએ, જીવનના અંતિમ શ્વાસો ગણી રહ્યો હતો. ત્યાં અચાનક એને નીચે રસોડામાં પત્ની લાડવા બનાવી રહી હતી તેની સુગંધ આવી. પેલો વૃદ્ધ ધીમે ધીમે દાદર ઊતરીને રસોડા સુધી પહોંચી ગયો અને તેણે જેવો લાડવાની થાળીમાંથી એક લાડવો ઉપાડયો કે ત્યાં જ પત્નીએ હાથ પર વેલણ મારીને કહ્યું : ‘લાડવાને અડતા જ નહિ, એ તો મેં તમારા બારમા-તેરમા માટે ખાસ બનાવ્યા છે!’ આમાં કાતિલ રમૂજ અને કરુણતા બંને એક સાથે છે!! વૃદ્ધો જાયે તો જાયે કહાં? એમના બારમા-તેરમાની પૂર્વ તૈયારી પરિવારજનો જ કરતાં હોય છે!  આ ચિંતા કરતાં વધુ ચિંતનનો વિષય છે.
વિનોદ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top