શહેરમાં આગ જેવી દુર્ઘટનાઓ વખતે કોઇ જાનહાની કે મોટા પાયે નુકશાન ના થાય તે માટે મહાનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા કડક હાથે કામગીરી કરવાનું શરૂ કર્યું છે. શહેરની ટેક્સટાઇલ માર્કેટ અને કોમર્શિયલ દુકાનો પછી હોસ્પિટલો અને ફાયરસેફ્ટી વિનાની 10 સ્કૂલને મંગળવારના રોજ સીલ કરવામાં આવી હતી.
તક્ષશિલા ક્લાસીસની દુર્ઘટના બાદ મહાનગરપાલિકાએ શહેરની તમામ મિલકતોમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટેની કામગીરી શરૂ કરી છે. ગત સપ્તાહમાં ફાયરસેફ્ટી વિનાની 1506 દુકાનોને સીલ કરવામાં આવી હતી. દુકાનોમાં ફાયર સેફ્ટીની સુવિધા માટે ફરીથી બાહેધરી લઈને જો સાત દિવસમાં સુવિધા ઊભી ન કરવામાં આવે તો પોલીસ કેસ કરવાની કામગીરી પણ કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી.
દરમિયાન આજે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેવી સ્કૂલમાં ફાયર સેફ્ટીની સુવિધાની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. અગાઉ નોટિસ આપી હોવા છતાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી ન કરનાર સ્કૂલને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મોડીરાતથી ફાયર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોરોના કાળમાં ગત માર્ચ મહિનાથી શાળાઓ બંધ છે. ફક્ત વહિવટી કામગીરી ચાલી રહી છે. શાળા બંધ હોવાથી ફેરફાર અને રિનોવેશન તથા ફાયર સેફ્ટી ઉભી કરવા અંગેનો પૂરતો સમય મળ્યો હોવા છતાં શાળાઓના સંચાલકો બેદરકારી દાખવવામાં આવી રહ્યાનું ફાયરવિભાગને ધ્યાનમાં આવ્યું છે. કોરોના વેક્સિન આવી જતા હવે શાળાઓ ખૂલે તેવી શક્યતા છે ત્યારે નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફ્ટી ઉભી ન કરતી 10 શાળાઓને સીલ કરાઇ હતી.
આ સ્કૂલ સીલ કરાઇ
- સ્વામીનારાયણ પરમસુખ વિદ્યા સ્કૂલ સિમાડા ગામ, વરાછા
- સાધના નિકેતન સ્કૂલ કારગીલચોક, વરાછા
- સ્કોલર ઇંગલિશ સ્કૂલ, પાંડેસરા
- અંકુર વિદ્યાલય, કતારગામ
- યોગી વિદ્યાલય, કતારગામ
- ગુરુકૃપા પ્લે ગ્રુપ અને નર્સરી સ્કૂલ, સગરામપુરા
- પિંકલ પ્લે ગ્રુપ, સગરામપુરા
- શ્રી ગોરધનદાસ સોનાવાલા મણિબા વિદ્યાલય, ગોપીપુરા
- શ્રી સુરચંદ પંચનંદ ઝવેરી ગર્લ્સ હાઈસ્કૂલ, ગોપીપુરા
- શ્રી કેશ જોશ ડાયમંડ જયુંબલી પ્રાઇમરી સ્કૂલ, શાહપોર